છેલ્લા કેટલાક સમયથી બાળકીઓ હવસખોરોનો શિકાર બની રહી છે. વડોદરા, કચ્છ અને માંગરોળ બાદ હવે સુરતના માંડવીમાં દલિત સમાજની સગીર બાળકી બળાત્કારનો ભોગ બની છે. આરોપીનું નામ અરબાઝ સિરાજ પઠાણ હોવાનું સામે આવ્યું છે. આરોપીએ અનેકવાર બાળકીને પોતાની હવસનો શિકાર બનાવીને ગર્ભવતી કરી દીધી હતી. બાળકીની તબિયત લથડતા આ આખી ઘટના સામે આવી હતી. હાલ પોલીસે આરોપીને શોધવાની તૈયારીઓ હાથ ધરી છે.
અહેવાલો અનુસાર ઘટના માંડવી તાલુકાના એક ગામની છે. અહીં એક સગીરા પોતાના પરિવાર સાથે રહે છે. આરોપી અરબાઝ સિરાજ પઠાણ પરિવારને પહેલાથી જ ઓળખતો હોવાનું સામે આવ્યું છે. થોડા સમય પહેલા અરબાઝ સિરાજ પઠાણે બાળકીને લલચાવીને પોતાની રિક્ષામાં બેસાડીને લઈ ગયો હતો. તેણે રિક્ષા અવાવરું જગ્યાએ થોભાવીને બાળકી પર બળાત્કાર કર્યો હતો. એક વાર બળાત્કાર કર્યા બાદ અરબાઝની હિંમત વધી ગઈ હતી. તેણે અનેક વાર બાળકીનો દેહ ચૂંથ્યો હતો.
તેવામાં એક દિવસ બાળકીને પેટમાં દુખાવો ઉપડ્યો. દુખાવો અસહ્ય બનતા પરિવાર તેને લઈને દવાખાને પહોંચ્યો હતો. ફરજ પર હાજર તબીબોએ બાળકીની તપાસ કરીને નિદાન આપ્યું, ત્યારે પરિવારના પગ નીચેથી ધરતી ખસી ગઈ હતી. ડોક્ટરના જણાવ્યા અનુસાર બાળકી ગર્ભવતી ગર્ભવતી હતી અને બાળકનું પેટમાં જ મિસકેરેજ (કસુવાવડ) થઈ ગયું છે. પરિવાર આ સાંભળીને સાવ ડઘાઈ ગયો હતો. તેમણે બાળકીને ભરોસામાં લઈને આ વિશે પૂછતાં તેણે અરબાઝની કરતુત જણાવી હતી.
ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા માંડવી પોલીસે માંગરોળ તાલુકાના ભાટકોલ ગામના અરબાઝ સિરાજ પઠાણ વિરુદ્ધ પોક્સો એક્ટ અને એટ્રોસિટી એક્ટ મુજબનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. આ મામલે વધુ માહિતી લેવા ઑપઇન્ડિયાએ માંડવી પોલીસનો સંપર્ક સાધવા પ્રયત્નો કર્યા હતા, પરંતુ થઇ શક્ય નહોતા. હાલ આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી આરોપીના ધરપકડની કોઈ માહિતી સામે આવી નતી, વધુ માહિતી મળ્યે આ લેખને અપડેટ કરવામાં આવશે.
વાદડોદરામાં પણ થયો હતો ગેંગ રેપ
નોંધનીય છે કે વડોદરાથી પણ આવી જ એક બળાત્કારની ઘટના સામે આવી હતી. ગત 4 ઓક્ટોબરના રોજ વડોદરાની 16 વર્ષની હિંદુ સગીરા અને તેના મિત્રને 5 મુસ્લિમ આરોપીઓએ હેરાન કરવાનું શરૂ કર્યું. 5 પૈકી 2 યુવકો થોડી વારમાં ત્યાંથી બાઈક લઈને ચાલ્યા ગયા. બાકીના મુન્ના અબ્બાસ બંજારા,અલ્તાફ બંજારા અને શાહરુખ ઇસ્માઇલ બંજારા એમ ત્રણ મુસ્લિમ આરોપીઓએ બાળકી પર બળાત્કાર ગુજાર્યો હતો. એક આરોપીએ સગીરાના મિત્રને પકડી રાખ્યો હતો અને બાકીના બે જણાએ બાળકીને નજીકમાં ઢસડી જઈને તેના પર ગેંગ રેપ કર્યો હતો.
આ તમામની 48 કલાકની અંદર જ ધરપકડ કરવામાં આવી હતી. ગેંગરેપ કેસના આરોપીઓના બે દિવસના રિમાન્ડ કોર્ટ દ્વારા આપવામાં આવ્યા છે. જોકે, તપાસ માટે બનાવાયેલી SITએ 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, પરંતુ કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આરોપીઓને બુરખા વગર જ કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા. સાથે એ પણ જાણવા મળી રહ્યું છે કે, આરોપીઓને કોર્ટમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા હતા તે દરમિયાન ત્યાં હાજર લોકોએ બેફામ અપશબ્દો કહ્યા હતા અને પોલીસની હાજરીમાં જ આરોપીઓને ફટકાર્યા પણ હતા.
બીજી તરફ ગેંગરેપ કેસમાં પકડાયેલા મુખ્ય આરોપીઓમાંથી બે આરોપીઓના ઘરને નોટિસ આપવામાં આવી છે. બંનેનાં મકાનો ગેરકાયદેસર હોઈ પાલિકાએ નોટિસ આપીને 72 કલાકમાં ખાલી કરવા માટે જણાવ્યું છે. આ નોટીસ વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી ટાઉન ડેવલપમેન્ટ ઑફિસર દ્વારા આપવામાં આવી છે.