આજના આધુનિક યુગમાં ઝડપથી રૂપિયા કમાવવા અને ઓછી કે વગર મહેનતે પૈસાવાળા બનાવવાના નામે નત-નવા લોભામણા સ્કેમ સામે આવી રહ્યા છે. લોકોને મોટા વળતર કે પછી મોંઘીદાટ વસ્તુઓની લાલચે છેતરવામાં આવી રહ્યા છે. મજાની વાત તો તે છે કે આટ-આટલા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, તેમ છતાં લોકો છેતરાઈ પણ રહ્યા છે. તેમના છેતરવા પાછળનું કારણ એ છે કે આ પ્રકારની લોભામણી છેતરપીંડીની જાહેરાત કરતા લોકો પોતે મોટા નામ ધરાવે છે. ત્યારે હવે હાઈબોક્સ નામનું નવું કૌભાંડ (HIBOX App Scam) બહાર આવ્યું છે, જેમાં કેટલાયે નાના-મોટા ક્લાકારો સહિત અનેક લોકોના નામ ખૂલ્યા છે. ત્યારે જાણીએ કે આખરે સેંકડો લોકોને કરોડોનો ચૂનો લગાવનાર HIBOX એપ શું છે, તેનું કૌભાંડ શું છે અને તેમાં કોણ-કોણ સંડોવાયેલું છે.
HIBOX એપ કૌભાંડ સાથે કોણ સંડોવાયેલું છે તે તરફ જતા પહેલા એકવાર તેના તાજા સમાચાર પર નજર કરી લઈએ. આ કૌભાંડને લઈને તાજેતરમાં જ દિલ્હી પોલીસની (Delhi Police) સ્પેશ્યલ IFSO યુનિટે એક મોટો ખુલાસો કર્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર આ કૌભાંડ સાથે સંકળાયેલા લોકો એક મોબાઈલ એપ મારફતે લોકોની છેતરપીંડી કરી રહ્યા હતા. તેમણે 100/200 કે 1000 નહીં, પરંતુ અધધ 30 હજાર લોકોને આ કૌભાંડની એપ્લીકેશનમાં રોકાણ કરાવ્યું છે. વર્તમાન સમયમાં જે કૌભાંડનો આંકડો સામે આવ્યો છે, તે હાલ ₹500 કરોડ સુધી પહોંચી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે HIBOX સાથે જોડાઈને રોકાણ કરવા માટે લોકોને દૈનિક 1થી 5% અને માસિક 30 ટકા વ્યાજ આપવાની લાલચ આપવામાં આવી હતી.
🚨Main accused in the ₹500 crore HIBOX scam syndicate has been arrested by @DCP_IFSO for defrauding over 30,000 victims.
— Delhi Police (@DelhiPolice) October 3, 2024
🔶 ₹18 crore seized from 4 bank accounts.
🔶 Investigation ongoing into the role of social media influencers & payment gateways.#DPUpdates pic.twitter.com/ztvDi6Faxv
500થી વધુ ફરિયાદો થઈ અને સામે આવ્યું કૌભાંડ
તાજેતરમાં જ દિલ્હી પોલીસને સ્પેશ્યલ ટીમે આ કૌભાંડના માસ્ટર માઈન્ડને ઉઠાવી લીધો છે. આ મુખ્ય આરોપી મૂળ તમિલનાડુનો છે અને તેનું નામ શિવરામ હિવાનું સામે આવ્યું છે. અત્યાર સુધીમાં પોલીસ તપાસમાં તેની પાસેથી 4 બેંક ખાતામાંથી ₹18 કરોડ મળી આવ્યા છે. આ ખાતા હાલ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. આ આખા કૌભાંડમાં એપ્લીકેશનોની આખી લાઈન લાગી શકે તેમ છે, પરંતુ હાલ ઇઝીબઝ (EASEBUZZ)અને ઓનલાઈન પેમેન્ટની સુવિધા આપતી એપ્લીકેશન ફોન પેની (PhonePe) ભૂમિકા શંકાસ્પદ લગતા તપાસનો રેલો તેમના સુધી પણ પહોંચ્યો છે.
ફોનપેની સંડોવણી એટલા માટે સામે આવી રહી છે, કારણકે કૌભાંડ કરનાર લોકોએ ઈ-વોલેટથી રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. આ આખું કૌભાંડ ત્યારે સામે આવ્યું, જયારે પોલીસને એક પછી એક એમ 500થી વધારે ફરિયાદો મળી. આ ફરિયાદો તેવા ગ્રાહકો દ્વારા કરવામાં આવી હતી, જેમણે કેટલાક ટીવી કલાકારો અને યુટ્યુબર્સ દ્વારા HIBOXનું માર્કેટિંગ જોઇને છેત્રપીંડીનો ભોગ બન્યાન હતા.
નામાંકિત ટીવી કલાકારો, યૂ-ટ્યુબર્સને જોઈ લોકો છેતરાયા
છેલ્લા કેટલાક સમયથી આ પ્રકારના જે ઓનલાઈન એપ્લીકેશનના જે ફ્રોડ સામે આવી રહ્યા છે, તેમાં સહુથી મોટી ભૂમિકા તથાકથિત ફેમસ લોકોની હોય છે. ટીવી-ફિલ્મોમાં કામ કરતા કલાકારો, સોશિયલ મીડિયા ઇન્ફ્લ્યુએન્સર્સ, યૂ-ટ્યુબર્સ આ પ્રકારની એપ્લીકેશનોની જાહેરાત કરે અને તેમને ‘આદર્શ’ માનનારા કે પ્રશંસકો તેમની મોટી-મોટી વાતોમાં આવીને સમજ્યા-વિચાર્યા વગર જ આ પ્રકારની લોભામણી જાહેરાતોમાં ફસાઈને પોતાના મહેનતથી કમાયેલા રૂપિયા આંખો બંધ કરીને દાવ પર લગાવી છે. આ કૌભાંડમાં પણ કેટલાક આવા ‘સ્ટાર્સ’ના નામ સામે આવ્યા છે. પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર ટીવી કલાકાર ભારતી સિંહ તેમના પતિ હર્ષ લિમ્બચીયાનો પણ તેમાં સમાવેશ થાય છે.
તેમના ઉપરાંત એલ્વિશ યાદવ, અભિષેક મલ્હાન, પૂરવ ઝા, લક્ષ્ય ચૌધરી, આદર્શ સિંહ, અમિત અને દિલરાજસિંહ રાવતના નામનો સમાવેશ થાય છે. આ તમામ એવા લોકો છે જેઓ વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા કમ્યુનીટીમાં મોટું નામ ધરાવે છે. લાખો-કરોડો લોકો તેમને ફોલો કરે છે અને તેમના મિલિયન્સમાં સબસ્ક્રાઈબર્સ છે. માનવામાં આવી રહ્યું છે કે આ તમામ લોકોએ HIBOXનું માર્કેટિંગ કરીને લોકોને તેમાં રોકાણ કરવા માટે પ્રેરિત કર્યા હતા. તેમ પણ કેવા આવી રહ્યું છે કે એક સાથે 30 હજાર લોકોનું છેતરાવું એટલા માટે જ શક્ય બન્યું, કારણ કે તેમાંથી મોટાભાગના લોકોએ આ પ્રકારના ઇન્ફ્લ્યુએન્સર્સને જોઇને રોકાણ કર્યું. જે ફરિયાદો સામે આવી છે, તેમના મોટા ભાગના લોકોએ માન્યું છે કે તેમણે જે-તે પ્લેટફોર્મ પર જે-તે વ્યક્તિને જોઇને જ રોકાણ કર્યા હતા. આ તમામ લોકોને સમન્સ ફટકારીને હાજર થવાના ફરમાન જાહેર કરવામાં આવ્યા છે.
30 વર્ષનો માસ્ટર માઈન્ડ, શરૂઆતમાં આપ્યું ધોમ વળતર
પોલીસ તપાસમાં જે હકીકત ખુલીને સામે આવી, તે વાસ્તવમાં ચોંકાવનારી છે. HIBOX એપ કૌભાંડ કેસનો મુખ્ય આરોપી ચેન્નઈમાં રહે છે અને તે માત્ર 30 વર્ષનો છે. તેણે ચાલુ વર્ષ 2024માં જ આ એપ્લીકેશન લોન્ચ કરી હતી અને દેશમાં અનેક ઠેકાણે પોતાની ઓફીસ સ્થાપી હતી. તેણે ભેજું કસીને શરૂઆતમાં રોકાણકારોને એ હદે વળતર આપ્યું, કે તેના કોમ્પિટિશનમાં રહેલા લોકોને તેણે પાછળ મૂકી દીધા.
ઊંચું રોકાણ મળી રહ્યું હોવાની જાણ થતા જ અન્ય લોકો પણ લાલચમાં આવ્યા અને HIBOXમાં રોકાણ કરવા લાગ્યા. જોકે ગત જુલાઈ મહિનાથી જ રોકાણકારોને વળતર મળવામાં ધાંધિયા શરૂ થઈ ગયા હતા. HIBOXએ તેના ગ્રાહકોને ટેકનિકલ ઈશ્યુ, કાયદાકીય અડચણો અને GSTના ડખાના નામે વળતર આપવામાં આનાકાની કરવાનું શરૂ કરી દીધું હતું.
નફો તો દૂર, લોકોની મૂડી પણ ડૂબી ગઈ… ફરિયાદીઓનો રાફડો ફાટ્યો
જેવા HIBOXએ ધાંધિયા શરૂ કર્યા કે લોકોને શંકા જવા લાગી. કેટલાક લોકોએ તેની નોઇડા સ્થિત ઓફિસે જઈને તપાસ કરતા ખબર પડી કે તેને ક્યારની બંધ કરી દેવામાં આવી છે. રોકાણ કરનાર લોકોને નફો તો દૂર રહ્યો, પરંતુ હવે મૂડી પણ ખતરામાં દેખાવા લાગી. ધીમે-ધીમે એક પછી એક ફરિયાદીઓ સામે આવતા ગયા અને છેતરાયેલા લોકોનો આંકડો વધતો ગયો. શરૂઆતમાં તો ઉત્તર-પૂર્વમાં 30, શાહદરામાં 24 અને નોઇડા બહારથી 35 ફરિયાદો મળી. થોડા જ સમયમાં ફરિયાદોનો રાફડો ફાટ્યો અને આંકડો 500ને પાર થઈ ગયો. પોલીસ સમજી ચૂકી હતી કે આ બહુ મોટું કૌભાંડ છે અને પછી તપાસનો ધમધમાટ શરૂ થયો. કહેવામાં આવી રહ્યું છે કે આ કૌભાંડી એપમાં 30 હજારથી વધુ લોકોએ આમાં રોકાણ કર્યું છે.
હાલ પોલીસે મુખ્ય માસ્ટર માઈન્ડને ઉઠાવી લીધો છે અને તેની પૂછપરછ ચાલી રહી છે. તેના બેંકના ખાતામાં પડેલી કરોડોની રકમને હાલ ફ્રીઝ કરી દેવામાં આવી છે. બીજી તરફ જે કલાકારો અને સોશિયલ મીડિયાના ‘સ્ટાર્સ’ના નામ સામે આવ્યા છે, તેમને પણ સમન્સ ફટકારીને પૂછપરછ માટે બોલાવવામાં આવી રહ્યા છે. બીજી તરફ ફરિયાદીઓ તે આશામાં છે કે તમણે જે પોતાના પરસેવાની કમાણી ઝડપથી કરોડપતિ બનાવની લાલચમાં લગાવી દીધી, તે તેમને પરત મળી જાય. નોંધવું જોઈએ કે છેલ્લા કેટલાક સમયથી આ પ્રકારના કૌભાંડો સતત વધી રહ્યા છે અને તેમ છતાં લોકો છેતરાતા જ જઈ રહ્યા છે, તે ખરેખર ચિંતાનો વિષય છે.