Tuesday, October 1, 2024
More
    હોમપેજરાજકારણ'ઈરાની સિક્રેટ એજન્સીનો હેડ પોતે હતો એક મોસાદનો એજન્ટ': ઈરાનના પૂર્વ રાષ્ટ્રપતિનો...

    ‘ઈરાની સિક્રેટ એજન્સીનો હેડ પોતે હતો એક મોસાદનો એજન્ટ’: ઈરાનના પૂર્વ રાષ્ટ્રપતિનો દાવો, કહ્યું- 20 અન્ય જાસૂસો પણ હતા ઇઝરાયેલી, તેમણે જ ચોર્યા હતા ન્યુક્લિયર દસ્તાવેજ

    ઈરાનના પૂર્વ રાષ્ટ્રપતિ મહમૂદ અહમદીનેજાદે દાવો કર્યો છે કે, મોસાદે ઘણા ઈરાની સિક્રેટ અધિકારીઓ, ખાસ કરીને સિનિયર અધિકારીઓને પોતાના પક્ષમાં લીધા હતા. તેમણે કહ્યું કે, લગભગ 20 ઈરાની અધિકારીઓ ડબલ એજન્ટની ભૂમિકામાં હતા.

    - Advertisement -

    ઈરાનના (Iran) પૂર્વ રાષ્ટ્રપતિ મહમૂદ અહમદીનેજાદે (Mahmoud Ahmadinejad) CNN-Turkeyને આપેલા એક ઇન્ટરવ્યૂમાં મોટો દાવો કર્યો છે. અહમદીનેજાદે કહ્યું છે કે, ઇઝરાયેલી ગુપ્તચર સંસ્થા મોસાદે (Mossad) ઈરાની સિક્રેટ સર્વિસમાં (Iranian Secret Service) ઘૂસણખોરી કરી હતી. મોસાદે તે ઈરાની એજન્સીના હેડને જ પોતાની તરફ વાળી લીધો હતો, જેનું કામ જ ઇઝરાયેલ (Israel) પર નજર રાખવાનું હતું. તેમણે વધુમાં દાવો કરતાં કહ્યું હતું કે, “અમે ઇઝરાયલનો સામનો કરવા માટે એક સ્પેશ્યલ ટીમ બનાવી હતી, પરંતુ તેનો હેડ જ મોસાદનો એજન્ટ નીકળ્યો.” તેમના મતે ઈરાની સિક્રેટ એજન્સીનો હેડ મોસાદનો એજન્ટ હતો.

    ઈરાનના પૂર્વ રાષ્ટ્રપતિ મહમૂદ અહમદીનેજાદે દાવો કર્યો છે કે, મોસાદે ઘણા ઈરાની સિક્રેટ અધિકારીઓ (Iranian Secret Officials), ખાસ કરીને સિનિયર અધિકારીઓને પોતાના પક્ષમાં લીધા હતા. તેમણે કહ્યું કે, લગભગ 20 ઈરાની અધિકારીઓ ડબલ એજન્ટની ભૂમિકામાં હતા, જેઓ એક તરફ ઈરાન માટે કામ કરતા હતા અને બીજી તરફ ઇઝરાયેલને ગુપ્ત માહિતી પણ આપતા હતા. મોસાદના આ ઓપરેશનનો ટાર્ગેટ ઈરાનના પરમાણુ કાર્યક્રમ (Iranian Nuclear Program) સાથે જોડાયેલી મહત્વપૂર્ણ માહિતી મેળવવાનો હતો. તેમણે કહ્યું કે, 2021માં કાઉન્ટર યુનિટના વડાની ઓળખ ઇઝરાયેલના જાસૂસ તરીકે થઈ હતી, તે મોસાદનો એજન્ટ હતો.

    હિઝબુલ્લાહ ચીફના મોત બાદ મોટા ખુલાસા

    લેબનાનમાં હિઝબુલ્લાહના મુખ્ય નેતા હસન નસરલ્લાહની ઇઝરાયલે હત્યા કર્યા બાદ અહમદીનેજાદે આ ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો. તેણે એમ પણ કહ્યું છે કે, મોસાદનો એક એજન્ટ ઈરાનની અંદર એક મહત્વપૂર્ણ કાઉન્ટર ઇઝરાયેલ યુનિટમાં સામેલ છે, જે ઇઝરાયેલને સતત માહિતી પૂરી પાડી રહ્યો છે. તેમણે કહ્યું કે, આ એજન્ટો ઈરાની પરમાણુ દસ્તાવેજોની ચોરી અને 2018માં ઈરાની પરમાણુ વૈજ્ઞાનિકોની ટાર્ગેટ હત્યા માટે જવાબદાર હતા.

    - Advertisement -

    અહમદીનેજાદે વધુમાં કહ્યું કે, ઈરાનના મોસાદ વિરોધી એકમનો હેડ 2021માં ઇઝરાયેલનો જાસૂસ હોવાનું બહાર આવ્યું હતું. તેમણે આરોપ લગાવ્યો કે, “ઇઝરાયેલે ઈરાનની અંદર જટિલ ઓપરેશનો કર્યા છે. તેમના માટે માહિતી મેળવવી ખૂબ જ સરળ બની ગઈ છે. ઈરાનમાં હજુ પણ આ અંગે કોઈ નથી બોલી રહ્યું.” નોંધવા જેવું છે કે, મહમૂદ અહમદીનેજાદ 2005થી 2013 સુધી બે વખત ઈરાનના રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે. આ વર્ષે પણ તેમણે રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમનું નામાંકન નકારી કાઢવામાં આવ્યું હતું અને તેઓ પ્રારંભિક રાઉન્ડમાં જ બહાર થઈ ગયા હતા.

    મોસાદે ઈરાનમાં મોટા સિક્રેટ ઓપરેશનોને આપ્યો હતો અંજામ

    આ પહેલીવાર નથી જ્યારે ઇઝરાયેલ પર ઈરાનની જાસૂસી કરવાનો આરોપ લાગ્યો હોય. 2018માં, ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ખુલાસો કર્યો હતો કે, ઈરાનના પરમાણુ કાર્યક્રમ સાથે સંબંધિત ઘણા દસ્તાવેજો ઇઝરાયેલી એજન્ટો દ્વારા ચોરી કરવામાં આવ્યા હતા. નેતન્યાહુએ હાઈ-પ્રોફાઈલ ભાષણમાં દસ્તાવેજો બતાવ્યા હતા અને દાવો કર્યો હતો કે, તેઓ સાબિત કરે છે કે, ઈરાન ગુપ્ત રીતે પરમાણુ હથિયારોનો કાર્યક્રમ ચલાવી રહ્યું છે. ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી (IAEA)એ પછીથી પુષ્ટિ કરી કે દસ્તાવેજો તેહરાનમાં એક સિક્રેટ ઓપરેશન દરમિયાન કબજે કરવામાં આવ્યા હતા.

    અહેવાલો અનુસાર, તે ઓપરેશન દરમિયાન મોસાદના એજન્ટો તેહરાનમાં એક વેરહાઉસમાં ઘૂસી ગયા હતા અને ઘણા લોકરો તોડી પાડ્યા હતા. તે સમયે ઇઝરાયેલી એજન્ટોએ 100,000થી વધુ ગુપ્ત દસ્તાવેજો કબજે કરી લીધા હતા. આ ઓપરેશનમાં બે ડઝનથી વધુ એજન્ટ સામેલ હતા અને તે છ કલાક સુધી ચાલ્યું હતું. આ દસ્તાવેજોમાં ઈરાનના પરમાણુ હથિયારોના વિકાસને લગતી વ્યાપક માહિતી હતી, જેણે ઈરાનના પરમાણુ કાર્યક્રમની દિશા વિશે સમગ્ર વિશ્વમાં નવી ચર્ચા જગાવી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં