સ્વતંત્રતા દિવસ અગાઉ એજન્સી NIAએ દિલ્હીમાંથી આતંકવાદી સંગઠન ISIS સાથે સબંધ ધરાવતા એક ઈસમની ધરપકડ કરી લીધી હતી. મોહસીન અહમદ નામના આ ઈસમ વિરુદ્ધ આતંકવાદી સંગઠન માટે ભંડોળ એકત્રિત કરવાનો આરોપ લાગ્યો છે. એક તરફ એજન્સી તેની પૂછપરછ કરી રહી છે, ત્યાં બીજી તરફ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાન આ આતંકવાદીના બચાવમાં ઉતરી આવ્યા છે.
દિલ્હીના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાને એક ટ્વિટ કરીને મોહસીનની ધરપકડ ગેરબંધારણીય ગણાવી દીધી છે. સાથે ભાજપ અને આરએસએસ પર પણ આરોપ લગાવ્યા છે. એટલું જ નહીં, તેમણે આરોપી આતંકવાદીના બચાવમાં ઉતરી આવીને તેને નિર્દોષ પણ ગણાવી દીધો છે!
NIA द्वारा जामिया के छात्र मोहसिन की गिरफ्तारी सरा-सर गलत और असंवैधानिक है।
— Amanatullah Khan AAP (@KhanAmanatullah) August 7, 2022
भाजपा और RSS वालों ने ISIS के नाम पर मुसलमानों को बदनाम और परेशान करने का नया तरीका निकाला है, मोहसिन बेकसूर है और उसका किसी भी असामाजिक तत्व के साथ कोई सम्बंध नही रहा है।
मोहसिन को जल्द रिहा किया जाए..
અમાનતુલ્લાહ ખાને કહ્યું કે, NIAએ મોહસીનની કરેલી ધરપકડ ખોટી અને બંધારણ વિરુદ્ધ છે. ભાજપ અને આરએસએસ આઈએસઆઈએસના નામે મુસ્લિમોને બદનામ અને હેરાન કરવાના નવા ઉપાયો શોધી કાઢે છે. મોહસીન નિર્દોષ છે અને તેનો કોઈ પણ અસામાજિક તત્વ સાથે કોઈ સબંધ રહ્યો નથી. સાથે અમાનતુલ્લાહે મોહસીનને જલ્દીથી છોડી મૂકવાની માંગ કરી હતી.
દેશમાં કોઈ પણ પોલીસ કે એજન્સી જ્યાં સુધી વ્યક્તિ વિરુદ્ધ પૂરતા સબૂતો નહીં મળે ત્યાં સુધી કોઈ પણ આધાર વગર તેની ધરપકડ કરતી નથી. ઉપરાંત, આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં કોર્ટે પણ આરોપોની ગંભીરતાને જોતાં તેની કસ્ટડી મંજૂર કરી હતી. તેમ છતાં ‘આપ’ના ધારાસભ્યે આ પ્રક્રિયાઓ અવગણીને આરોપીને નિર્દોષ ગણાવી દીધો હતો અને તેને છોડી મૂકવાની માંગ કરી હતી.
ઉલ્લેખનીય છે કે એજન્સીએ આ મામલે સુઓમોટો લઈને કેસ દાખલ કર્યો હતો. જે બાદ દિલ્હીના બાટલા હાઉસ ખાતેના મોહસીનના રહેઠાણ પર દરોડા પાડ્યા હતા અને તેની ધરપકડ કરી લીધી હતી. એજન્સી અનુસાર, મોહસીન ભારત અને વિદેશમાંથી આતંકવાદી સંગઠન ISIS માટે ભંડોળ એકઠું કરતો હતો અને જેને ક્રીપ્ટોકરન્સી મારફતે સીરિયા અને અન્ય દેશોમાં મોકલવામાં આવતું હતું. આ ભંડોળનો ઉપયોગ આતંકવાદી ગતિવિધિઓ માટે કહેવામાં આવતો હતો.
આ મામલે NIAની તપાસ હાલ ચાલી રહી છે. એજન્સી એ જાણવાનો પ્રયત્ન કરી રહી છે કે તે અન્ય કોના સંપર્કમાં હતો અને આ ગતિવિધિઓમાં અન્ય કોણ-કોણ સંડોવાયેલું છે તેમજ અત્યાર સુધીમાં મોહસીને કેટલી રકમ સીરિયા મોકલી છે. તેના ઘરમાંથી કેટલીક આપત્તિજનક વસ્તુઓ પણ મળી આવી છે, તેમજ જાણવા મળ્યું છે કે તે ISIS ના 35 કમાન્ડરોના સંપર્કમાં હતો.
મોહસીનની ધરપકડ બાદ તેના પરિવારે તેને ‘બાળક’ ગણાવીને તેનો બચાવ કર્યો હતો અને કહ્યું હતું કે તેઓ તેની ધરપકડને કોર્ટમાં પડકારશે. બીજી તરફ, હવે આમ આદમી પાર્ટી ધારાસભ્ય પણ તેના બચાવમાં આવ્યા છે.