ઈઝરાયેલની સેનાએ લેબનાનની રાજધાની બૈરુતમાં એકયુરેટ એર સ્ટ્રાઈક કરીને આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહના ચીફ નસરલ્લાહને ફૂંકી માર્યો હતો. આ કાર્યવાહી બાદથી જ મધ્ય-પૂર્વમાં ‘ડરનો માહોલ’જોવા મળી રહ્યો છે. રોયટર્સે આપેલા એક અહેવાલ અનુસાર, ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખુમૈનીએ સુરક્ષિત સ્થાને આશરો લઈ લીધો છે. તેમણે જે જગ્યાએ આશરો લીધો છે ત્યાં સુરક્ષા ખૂબ જ વધારી દેવામાં આવી છે. માત્ર ઈરાનના સુપ્રીમ લીડરે સુરક્ષિત જગ્યા નથી શોધી, પરંતુ અન્ય નેતાઓ પણ સુરક્ષિત સ્થાનો શોધીને આશરો લઈ રહ્યા હોવાનું કહેવાય રહ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ઈરાન લેબનાનના આતંકી સંગઠન હિઝબુલ્લાહ અને અન્ય સમૂહોના સંપર્કમાં હતું. કહેવામાં તેવું પણ આવી રહ્યું છે કે, તેઓ આગામી સમયમાં ઈઝરાયેલ પર કેવી રીતે હુમલો કરવો તેનો રોડમેપ તૈયાર કરી રહ્યા હતા. જોકે, તે પહેલાં જ ઈઝરાયેલે ભીષણ હુમલો કરીને હિઝબુલ્લાહને હચમચાવી નાખ્યું. આ હુમલા બાદ ઈઝરાયેલ દ્વારા માહિતી જાહેર કરવામાં આવી કે, હિઝબુલ્લાહ ચીફ હવે આ દુનિયામાં નથી રહ્યો. આ ઘટના પહેલાં ખુમૈનીએ પોતાના નિવાસસ્થાન પર દેશની સર્વોચ્ચ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની ઇમરજન્સી બેઠક બોલાવી હતી. ન્યૂ યોર્ક ટાઇમ્સે બેઠકની જાણકારી રાખનારા બે ઈરાની અધિકારીઓને ટાંકીને તેના પર એક અહેવાલ પણ પ્રકાશિત કર્યો હતો.
ઈઝરાયેલે શનિવારે (28 સપ્ટેમ્બર) દાવો કર્યો છે કે, શુક્રવારના રોજ બૈરૂતમાં કરેલા હવાઈ હુમલામાં સટીક નિશાન સાથે હિઝબુલ્લાહ ચીફને ઉડાવી દેવામાં આવ્યો છે. આ ઘટનાના પડઘા એવા પડ્યા કે, હવે મધ્ય-પૂર્વના અન્ય કટ્ટરવાદી નેતાઓમાં પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. તે જ ઘટનાક્રમ વચ્ચે ઈરાનના સુપ્રીમ લીડરે પોતાના જ દેશમાં જ કોઈ સુરક્ષિત સ્થળે આશરો લઈ લીધો છે. નોંધનીય છે કે, ઈઝરાયેલની સેનાએ લેબનાનની રાજધાની બૈરુતમાં (Beirut) કરેલા હવાઈ હુમલામાં આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહનો ચીફ નસરલ્લાહ (Nasrallah) માર્યો ગયો હતો. ઈઝરાયેલી ડિફેન્સ ફોર્સીસ (IDF) દ્વારા આ બાબતની પુષ્ટિ કરવામાં આવી છે.
એક X પોસ્ટમાં IDFએ લખ્યું, ‘હસન નસરલ્લાહ હવે દુનિયામાં આતંક ફેલાવી શકશે નહીં.’
Hassan Nasrallah will no longer be able to terrorize the world.
— Israel Defense Forces (@IDF) September 28, 2024
ઉલ્લેખનીય છે કે, આ પહેલાં ઈઝરાયેલી સેનાએ જણાવ્યું હતું કે, તેમણે જે રીતે બૈરુતમાં હિઝબુલ્લાહના હેડક્વાર્ટર પર હુમલો કર્યો છે, તેને જોતાં નસરલ્લાહ જીવિત બચ્યો હોવાની સંભાવનાઓ અત્યંત ઓછી છે. પરંતુ અગાઉ તેની સ્થિતિ વિશે જાણકારી સ્પષ્ટ ન હતી. તે માર્યો ગયો હોવાની પુષ્ટિ થયા બાદ IDF દ્વારા આધિકારિક રીતે તેના મોત વિશેની માહિતી આપવામાં આવી હતી. નસરલ્લાહ સિવાય હિઝબુલ્લાહ સાઉધર્ન ફ્રન્ટ કમાન્ડર અલી કારાકી પણ આ હુમલામાં માર્યો ગયો હોવાનું કહેવાયું છે.
આ અગાઉ હિઝબુલ્લાહે નસરલ્લાહ જીવિત હોવાની વાત કહી હતી, પરંતુ ‘ટાઈમ્સ ઑફ ઈઝરાયેલ’ના એક રિપોર્ટ અનુસાર, આતંકવાદી સંગઠનનાં નજીકનાં સૂત્રોએ જણાવ્યું કે, શુક્રવાર રાત્રિથી જ હસન નસરલ્લાહનો સંપર્ક સ્થાપિત થઈ શક્યો નથી.