તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં (Tirupathi Prasad) જાનવરોની ચરબી અને ફિશ ઓઇલનો ઉપયોગ થયો હોવાનો ઘટસ્ફોટ થયા બાદ હવે મંદિર ટ્રસ્ટ દ્વારા પણ આ બાબતની પુષ્ટિ કરવામાં આવી છે. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) દ્વારા શુક્રવારે (20 સપ્ટેમ્બર) એક પ્રેસ કૉન્ફરન્સ કરવામાં આવી હતી, જેમાં જણાવવામાં આવ્યું કે, પ્રસાદમાં ભેળસેળ હોવાનું જણાતાં કાર્યવાહી કરવામાં આવી રહી છે અને સપ્લાયરને બ્લેકલિસ્ટ કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ, આ મામલે કેન્દ્ર સરકાર પણ સક્રિય થઈ છે અને આંધ્ર પ્રદેશ (Andhra Pradesh) સરકાર સમક્ષ રિપોર્ટ માંગવામાં આવ્યો છે.
TTDના કાર્યકારી અધિકારી શામલ રાવે પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું કે, પ્રસાદની ગુણવત્તાને લઈને સવાલો ઉઠી રહ્યા હતા, જેથી મુખ્યમંત્રી નાયડુની સૂચના બાદ લેબ ટેસ્ટ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા.
તેમણે કહ્યું, “મેં જ્યારે TTDના કાર્યકારી અધિકારી તરીકે ચાર્જ સંભાળ્યો ત્યારે મુખ્યમંત્રીએ ઘી અને તેના દ્વારા બનાવવામાં આવતા પ્રસાદના લાડુની ગુણવત્તા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આ પ્રસાદ અત્યંત પવિત્ર માનવામાં આવે છે અને ભગવાન વેંકટેશ્વર સ્વામીને પણ ચડાવવામાં આવે છે. તેની ગુણવત્તા સાથે છેડછાડ એ અપવિત્ર કાર્ય છે. તેમની (CM) સ્પષ્ટ સૂચના હતી કે મંદિરની પવિત્રતા કોઈ પણ રીતે જાળવી રાખવામાં આવે અને ઘીની ગુણવત્તા સાથે પણ કોઈ બાંધછોડ કરવામાં આવે નહીં. ત્યારબાદ અમે તેની ઉપર કામ કર્યું. પછીથી અમને જાણવા મળ્યું કે અમારી પાસે ઘીનાં સેમ્પલ તપાસવા માટે કોઈ ઇન્ટરનલ લેબ નથી.”
#WATCH | Tirupati Laddu Prasadam row | Executive officer of Tirumala Tirupathi Devastanam (TTD) Shamala Rao says, "The report says the ghee sample is adulterated with vegetable fat and also animal fat. Animal fat adulteration includes lard (pig fat), palm oil, beef tallow, and… pic.twitter.com/LPdyuCCvA3
— ANI (@ANI) September 20, 2024
તેમણે આગળ જણાવ્યું, “બહારની લેબમાં પણ ઘીની ગુણવત્તા ચકાસવા માટે આવી કોઈ સિસ્ટમ ન હતી. ટેન્ડરરો દ્વારા જે ભાવો આપવામાં આવ્યા હતા તે એટલા ઓછા હતા કે કોઈ પણ કહી શકે કે ચોખ્ખું ઘી આટલા ઓછા ભાવે ન મળી શકે. અમે તમામ સપ્લાયરોને સૂચના આપી કે જો ઘી લેબ ટેસ્ટમાં પાસ ન થયું તો તેમને બ્લેકલિસ્ટ કરવામાં આવશે. અમે તમામ સેમ્પલો લીધાં અને સરકાર સંચાલિત લેબમાં મોકલી આપ્યાં અને જે રિપોર્ટ આવ્યા તે આઘાતજનક હતા.”
TTD અધિકારીએ જણાવ્યું કે, “રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ઘીમાં ભેળસેળ કરવામાં આવી હતી અને તેમાં વેજીટેબલ ફેટ ઉપરાંત એનિમલ ફેટ (પ્રાણીની ચરબી) પણ જોવા મળી. એનિમલ ફેટમાં લાર્ડ (ડુક્કરની ચરબી), પામ ઓઇલ, બીફ ટેલો અને ફિશ ઓઇલ હોવાનું જાણવા મળ્યું છે. ઘી આ બધાનું મિશ્રણ હતું. શુદ્ધ દૂધના ફેટનું રીડિંગ 95.68થી 104.32 હોવું જોઈએ, પણ આ ઘીના નમૂનાની વેલ્યુ 20 આસપાસ જ હતી, જેનો અર્થ એ થયો કે જે ઘી મોકલવામાં આવી રહ્યું હતું તે અત્યંત ભેળસેળયુક્ત હતું.”
ટ્રસ્ટ દ્વારા સપ્લાયરોને બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હોવાનું જણાવીને તેમણે ઉમેર્યું કે, હવે અમે આંતરિક પ્રણાલી વધુ સશક્ત કરી રહ્યા છીએ, જેથી આવી સમસ્યાઓ ભવિષ્યમાં ન આવે. અમે સપ્લાયરોને દંડ પણ કર્યો છે. આ માટે એક એક્સપર્ટ કમિટી પણ બનાવવામાં આવી છે, જેથી ભવિષ્યમાં આ પ્રકારના બનાવો ન બને.
કેન્દ્ર સરકારે માગ્યો રિપોર્ટ
તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં કેન્દ્ર સરકારે પણ સંજ્ઞાન લીધું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ શુક્રવારે (20 સપ્ટેમ્બર) જણાવ્યું હતું કે, તેમણે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ સાથે વાતચીત કરીને આ મામલે સંપૂર્ણ રિપોર્ટ મંગાવ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે, કેન્દ્ર સરકાર મામલાની યોગ્ય તપાસ બાદ આવશ્યક કાર્યવાહી કરશે.
પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન તેમણે કહ્યું હતું કે, “મેં આંધ્ર પ્રદેશ CM ચંદ્રબાબુ નાયડુ સાથે વાતચીત કરી છે અને તેમની પાસેથી માહિતી લઈને જાણકારી મેળવી છે. મેં તેમની પાસે રિપોર્ટ મંગાવ્યો છે, જેથી તપાસ કરી શકાય. ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ અનુસાર યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. હાલ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ.”