રાજસ્થાનના મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગેહલોત ફરી એક વખત પોતાનાં વિવાદિત નિવેદનના કારણે ચર્ચામાં આવ્યા છે. અશોક ગેહલોતે શુક્રવારે (5 ઓગસ્ટ 2022) એક પ્રેસ કોન્ફરન્સમાં રેપ મુદ્દે વાત કરતી વખતે વિવાદાસ્પદ નિવેદન આપી દીધું હતું અને રેપ બાદ હત્યાના કેસોના વધતા જતા પ્રમાણ માટે કેન્દ્ર સરકારને જવાબદાર ઠેરવી હતી.
અશોક ગેહલોતે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન દાવો કરતાં કહ્યું હતું કે, નિર્ભયા કેસ બાદ કેન્દ્ર સરકારે બળાત્કારના ગુનેગારોને ફાંસીની સજા સંભળાવવાનું શરૂ કર્યું, જેના કારણે દેશમાં રેપ બાદ હત્યા કરવાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે.
પ્રેસ કોન્ફરન્સમાં અશોક ગેહલોતે વિવાદાસ્પદ નિવેદન આપતાં કહ્યું કે, દેશમાં તણાવ અને હિંસા વધી રહ્યા છે. બાળકીઓ સાથે રેપ થઇ રહ્યા છે. અને જ્યારથી નિર્ભય કાંડ બાદ ગુનેગારોને ફાંસીની સજા આપવાનું શરૂ કરવામાં આવ્યું છે ત્યારથી હત્યાનું પ્રમાણ ઘણું વધી ગયું છે. રેપ કરનાર વિચારે છે કે પીડિતા સાક્ષી બની જશે, તેથી તેઓ રેપ પણ કરે છે અને હત્યા પણ કરી નાંખે છે. આખા દેશમાં આ ખતરનાક મુદ્દો બન્યો છે. આ લોકશાહી માટે સંકટનો સમય છે. અમે આવો સમય ક્યારેય જોયો નથી.”
નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરોના આંકડાઓ અનુસાર, રાજસ્થાન બળાત્કારના કેસમાં સૌથી આગળ છે. વર્ષ 2020માં રાજસ્થાનમાં રેપના કુલ 5,310 કેસ નોંધાયા હતા. જ્યારે વર્ષ 2019માં 5,997 કેસ નોંધાયા હતા. ગૃહમંત્રાલયના એક રિપોર્ટ અનુસાર, વર્ષ 2020માં આ ગુનેગારોમાંથી માત્ર 45.4 ટકાને સજા મળી હતી. એટલે કે વર્ષ 2020માં નોંધાયેલા કુલ રેપ કેસમાંથી અડધાથી ઓછા કેસમાં જ સજા થઇ શકી હતી.
ગુનાઓની વધતી સંખ્યા એ દર્શાવે છે કે રાજસ્થાનમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. જોકે, એક મુખ્યમંત્રી તરીકે અશોક ગેહલોત આ વ્યવસ્થા સુધારવા કે પોલીસતંત્ર વધુ મજબૂત બનાવવાની જગ્યાએ વધતા બળાત્કારના કેસ માટે બહાનું શોધી કાઢ્યું છે અને દોષ કેન્દ્ર પર નાંખી દીધો છે.
જોકે, આ પહેલો કિસ્સો નથી જ્યારે અશોક ગેહલોતે પોલીસતંત્ર પોતાની પાસે હોવા છતાં કેન્દ્ર સરકારને પગલાં લેવા કહ્યું હોય. ગત જૂનમાં રાજસ્થાનના ઉદયપુરમાં થયેલી કન્હૈયાલાલની હત્યા બાદ પણ અશોક ગેહલોતે એક નિવેદન આપીને કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન કરવું જોઈએ.
જોકે, અશોક ગેહલોતનો દાવો પણ ખોટો છે. કારણ કે બળાત્કારના ગુનાના દરેક દોષીને ફરજીયાત ફાંસી આપવાનો કોઈ કાયદો નથી. 2018માં કઠુઆ અને ઉન્નાવ રેપ કેસ બાદ મોદી સરકારે ક્રિમિનલ લૉ (સુધારો) એક્ટ પસાર કરીને 1860ના ઇન્ડિયન પીનલ કોડ અને 2012ના પોક્સો એક્ટમાં સુધારો કર્યો હતો અને રેપના ગુનેગારોને અપાતી સજા વધુ કડક કરવાના પ્રાવધાન સામેલ કર્યા હતા. જેમાં બળાત્કારના ગુનામાં ઓછામાં ઓછી સજા 7 વર્ષથી વધારીને 10 વર્ષની કરી દેવામાં આવી હતી.
આ ઉપરાંત, સરકારે 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સાથે થતા રેપ અને ગેંગરેપના કેસમાં પણ સજામાં વધારો કર્યો હતો અને આઇપીસી કલમ 376માં એક ખંડ ઉમેરીને સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું કે 12વર્ષથી ઓછી ઉંમરની બાળકી સાથે રેપના કેસમાં ગુનેગારને ઓછામાં ઓછી 20 વર્ષની જેલની સજા થશે અને જેને આજીવન કેદ સુધી પણ લંબાવી શકાશે.
બળાત્કારના ગુનામાં પીડિતના એક ચોક્કસ સમૂહ (>12) માટે મૃત્યુદંડનો પ્રાવધાન રાખવામાં આવ્યો છે, પરંતુ તેનો અર્થ દરેક ગુનેગારને ફરજીયાત મૃત્યુદંડ આપવામાં આવશે જ એવો થતો નથી. ગુનેગારને શું સજા કરવી તે ન્યાયતંત્ર નક્કી કરે છે. અને ભારતની અદાલતો કોઈ ગુનેગારને મૃત્યુદંડ આપવા માટે ‘રેરેસ્ટ ઑફ ધ રેર કેસ’ના સિદ્ધાંતનું પાલન કરે છે. જેમાં કેસની ગંભીરતાને જોતાં કેટલાક ગુનેગારોને મૃત્યુદંડ આપવામાં આવે છે, તો અમુકને માફ કરીને સજા આજીવન કેદમાં પણ બદલી શકાય છે. છેલ્લા 20 વર્ષમાં ભારતમાં બે વખત તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે- હેતલ પારેખ કેસ અને નિર્ભયા કેસ.