લેબનાન સ્થિત આતંકી સંગઠન હિઝબુલ્લાહ (Hezbollah) દ્વારા ઉપયોગમાં લેવાતાં પેજરમાં એકસાથે બ્લાસ્ટ (Pager Blast) થયા હોવાના સમાચાર હજી તાજા જ છે, ત્યાં હવે બીજો રાઉન્ડ શરૂ થયો છે. લેબનાનના પાટનગર બૈરુત સહિત અનેક સ્થળોએ હવે હિઝબુલ્લાહ આતંકીઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતાં વૉકી-ટૉકી અને હેન્ડ રેડિયોમાં બ્લાસ્ટ થવાના શરૂ થયા છે. એટલું જ નહીં, અમુકના ઘરની સોલાર સિસ્ટમો પણ ફાટી છે. જેના કારણે નવેકનાં મોત થયાં હોવાનું કહેવાય છે અને બાકીના અનેકને ઈજા પહોંચી છે.
અહેવાલો અનુસાર, 18 સપ્ટેમ્બરે બેરૂત, બેકા વેલી અને દક્ષિણ લેબનાન સહિતના વિસ્તારોમાં એક સાથે વૉકી-ટૉકી વિસ્ફોટ થયા હતા. આ બ્લાસ્ટમાં 3 લોકો મૃત્યુ પામ્યા હોવાનું સામે આવ્યું હતું. આ સિવાય બેરૂતના કેટલાક ઘરોમાં સોલાર એનર્જી સિસ્ટમમાં પણ વિસ્ફોટ થયા હોવાનું સામે આવ્યું હતું. આ વિસ્ફોટ પાછળ પણ આરોપ ઈઝરાયેલી એજન્સી મોસાદનો હાથ હોવાનું રટણ હિઝબુલ્લાહે શરૂ કરી દીધું છે.
ઉલ્લેખનીય છે કે મંગળવારે (17 સપ્ટેમ્બર) જ આતંકી સંગઠન હિઝબુલ્લાહ દ્વારા ઉપયોગમાં લેવાતા પેજરમાં એકસાથે અનેક બ્લાસ્ટ થયા હતા, જેમાં હિઝબુલ્લાહના 3,000 લોકો ઘાયલ થયા હોવાનું અને 12 લોકોનાં મૃત્યુ થયાં હોવાનું સામે આવ્યું હતું. ત્યારે આજે ફરીથી થયેલ વૉકી-ટૉકી વિસ્ફોટોમાં 100થી વધુ ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
🚨BREAKING: HEZBOLLAH WALKIE-TALKIES EXPLODE AT FUNERAL IN LEBANON (VIDEO)
— Mario Nawfal (@MarioNawfal) September 18, 2024
The blasts occurred during the funeral of 4 Hezbollah operatives killed in last night’s explosions.
Source: X, Live Stream https://t.co/mWHrKF8f3M pic.twitter.com/1aTgyxm0mE
અહેવાલો અનુસાર, હેન્ડ હેલ્ડ વાયરલેસ રેડિયો અને વૉકી-ટૉકી લગભગ પાંચ મહિના પહેલાં એ જ સમયે ખરીદવામાં આવ્યાં હતાં, જ્યારે પેજરની ખરીદી થઈ હતી. નોંધવું જોઈએ કે આ પહેલાં એક થિયરી એવી સામે આવી ચૂકી છે કે જે પેજરમાં બ્લાસ્ટ થયા તે તાઇવાનથી લેબનાન પહોંચ્યાં તે પહેલાં મોસાદે તેમાં 3 ગ્રામ વિસ્ફોટકો ભરી દીધા હતા. જોકે, આની સત્તાવાર પુષ્ટિ થઈ નથી .
આ હુમલા બાદ વૉકી-ટૉકી અને હેન્ડ હેલ્ડ રેડિયો બ્લાસ્ટ થવાની માહિતી સામે આવી હતી. 18 સપ્ટેમ્બરે સાંજે રોઇટર્સ ન્યૂઝ એજન્સીના બૈરુત સ્કાયલાઇનના લાઇવ સ્ટ્રીમમાં સમગ્ર શહેરમાં અનેક સ્થળોએ ધુમાડાના ગોટેગોટા ઉડતા નજરે પડ્યા. આ ઉપરાંત બૈરુત અને દક્ષિણ લેબનાનના દક્ષિણી સબઅર્બનમાં ઘરોની અંદર ‘જૂના પેજર’ પણ બ્લાસ્ટ થયાં હતાં.
Timelapse of the last 15 minutes of the #Beirut skyline. Plumes of smokes can be seen all over the place #pager #hezbollah #israel pic.twitter.com/yh2LvD4ekO
— Don't Tell Gus! (@DontTellGus) September 18, 2024
દક્ષિણ બેકામાં જેડીડેટ માર્જેયુનમાં કબ્રસ્તાન નજીક એક કારની અંદર એક પેજરમાં વિસ્ફોટ થયો હતો. આ સિવાય બીજો વિસ્ફોટ બેરુતના દહિયાહમાં થયો હતો, જ્યાં મંગળવારના પેજર વિસ્ફોટમાં માર્યા ગયેલા ચાર લોકોની અંતિમયાત્રામાં ભીડ એકઠી થઈ હતી.
ઉલ્લેખનીય બાબત છે કે હિઝબુલ્લાહને US, ઇઝરાયેલ સહિતના અનેક દેશો દ્વારા પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ઘોષિત કરવામાં આવ્યું છે, પરંતુ લેબનાનમાં તેને એક રાજકીય અને લશ્કરી સંસ્થા ગણવામાં આવે છે તથા તેને ઈરાનનું સમર્થન પ્રાપ્ત છે. હિઝબુલ્લાહ આતંકી સંગઠન હમાસનું પણ સમર્થક છે.