કોમનવેલ્થ ગેમ્સમાં એક પછી એક ભારતીય ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. શનિવારે નવમા દિવસે ભારતે ચાર ગોલ્ડ મેડલ જીત્યા હતા. જેમાં ગુજરાતનાં ભાવિના પટેલે પેરા ટેબલર ટેનિસ મહિલા વર્ગમાં ગોલ્ડ મેડલ જીતીને ભારતને ટેબલ ટેનિસમાં પહેલો ગોલ્ડ અપાવ્યો હતો. આ સાથે ભારતે જીતેલા ગોલ્ડ મેડલની સંખ્યા 13 પર પહોંચી છે.
ગુજરાતનાં 35 વર્ષીય ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલે કોમનવેલ્થ ગેમ્સમાં મહિલા વર્ગ 3-5ની ફાઇનલ મેચમાં નાઈજીરિયાની ખેલાડીને 12-10, 11-2, 11-9થી હરાવી દીધી હતી અને સુવર્ણ પદક જીત્યો હતો. ભાવિનાને પહેલી મેચમાં ટક્કર મળી હતી, પરંતુ તેઓ 12-10થી જીત મેળવવામાં સફળ રહ્યાં હતાં. જે બાદ બીજી મેચમાં સરળતાથી જીત મેળવી લીધી હતી અને ત્રીજી મેચમાં પણ પ્રતિસ્પર્ધી ખેલાડીએ ટક્કર આપવાના પ્રયત્નો કર્યા, પરંતુ ભાવિનાએ હરાવીને 3-0થી જીત મેળવી લીધી હતી.
Congratulations! 🇮🇳 Paralympian Para paddler @BhavinaOfficial clinches #GoldMedal in #TableTennis Women's singles Classes 3-5 by defeating 🇳🇬 Ifechukwude Ikpeoyi @birminghamcg22#TeamINDIA #CWG2022 #Cheer4India #B2022 #Praise4Para @birminghamcg22 @ianuragthakur @NisithPramanik pic.twitter.com/zXsmGMxI5a
— Paralympic India 🇮🇳 🏅#Praise4Para (@ParalympicIndia) August 6, 2022
ભાવિના પટેલ આ પહેલાં ટોક્યો પેરાલમ્પિકમાં સિલ્વર મેડલ જીતી ચૂક્યાં છે. જોકે, ફાઇનલમાં તેઓ ચીની ખેલાડી સામે હારી ગયાં હતાં, પરંતુ આ વખતે તેમણે ગોલ્ડ મેડલ જીતી લીધો છે. કોમનવેલ્થ ગેમ્સમાં આ તેમનો પહેલો ગોલ્ડ મેડલ છે. આ રીતે ભાવિના પેરાલમ્પિકમાં સિલ્વર મેડલ અને કોમનવેલ્થમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યાં છે.
ભાવિના પટેલનો જન્મ મહેસાણાના વડનગરના એક ગામમાં થયો હતો. માત્ર એક વર્ષની ઉંમરમાં તેમને પોલિયો થઇ ગયો હતો. પરિવારની આર્થિક સ્થિતિ પણ ઠીક ન હતી, જેથી સારવાર થઇ શકે. જે બાદ આખું જીવન તેમણે વ્હીલ ચેર જ અપનાવવી પડી. એ સ્થિતિમાં પણ તેમણે 12 ધોરણદ સુધીનો અભ્યાસ કર્યો હતો. જે બાદ ગુજરાત યુનિવર્સીટીમાંથી સ્નાતક ડિગ્રી પણ મેળવી હતી.
ભાવિનાએ શોખ તરીકે ટેબલ ટેનિસ રમવાનું શરૂ કર્યું હતું, જે પછીથી તેમનું પેશન બની ગયું અને તેમાં વધુ આગળ જવાનું નક્કી કર્યું. બેંગ્લોરમાં પેરા ટેબલ ટેનિસમાં પહેલો ગોલ્ડ મેડલ જીતીને તેમણે ઓળખ બનાવવાની શરૂ કરી હતી. 2011 પીટીટી થાઈલેન્ડ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ જીત્યા બાદ તેમની વર્લ્ડ રેન્કિંગ 2 પર પહોંચી ગઈ હતી. ઓક્ટોબર 2013માં બેઇજિંગ એશિયન પેરા ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં પણ તેમણે સિલ્વર જીત્યો હતો.
2018માં તેમણે એશિયન પેરા ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 2019 માં પોતાનો પહેલો આંતરરાષ્ટ્રીય ગોલ્ડ જીત્યો હતો. જે બાદ ગત વર્ષે ટોક્યો પેરાલમ્પિક્સમાં સિલ્વર અને હવે કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ જીતીને ગુજરાત અને ભારતનું નામ રોશન કર્યું છે.
ભાવિના પટેલ સિવાય, શનિવારે સોનલબેન પટેલે પણ ટેબલ ટેનિસમાં બ્રોન્ઝ જીત્યો હતો. તેમણે ઇંગ્લેન્ડના ખેલાડીને 11-5, 11-2, 11-3થી હરાવ્યો હતો. આ ઉપરાંત, રવિ દહિયા, વિનેશ ફોગટ અને નવીન કુમારે પણ નવમા દિવસે ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યા હતા.