કેરળમાં આવેલ ગુરુવાયુર દેવસ્વોમ શ્રીકૃષ્ણ મંદિરમાં (Guruvayur Sree Krishna Temple) વિડીયોગ્રાફીની (Videography) છૂટને લઈને કેરળ હાઈકોર્ટે (Kerala High Court) મહત્વનો આદેશ આપ્યો હતો. 18 સપ્ટેમ્બરે કેરળ હાઈકોર્ટે ગુરુવાયુર દેવસ્વોમ મંદિરના નાડાપંથલમાં (Nadapanthal) (બાહ્ય આંગણા) વ્લોગર્સ દ્વારા કરવામાં આવતી વિડીયોગ્રાફી પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે. મંદિરમાં આવતા ભક્તો દ્વારા આ મામલે કોર્ટમાં અરજી કરવામાં આવી હતી.
ગુરુવાયુર શ્રીકૃષ્ણ મંદિરના ભગવાન ગુરુવાયુરપ્પનના ભક્તોએ કોર્ટમાં એક અરજી કરી હતી. જેમાં તેઓએ ગુરુવાયુર મંદિર અને તેના નાડાપંથલ સહિત તેના પરિસરમાં મુસ્લિમ મહિલા સહિત બિનહિંદુઓના પ્રવેશને રોકવાની બાબતનો ઉલ્લેખ કર્યો હતો. આ સિવાય અરજદારોએ એક વિડીયો પણ રજૂ કર્યો હતો જેમાં એક મહિલા મંદિરના પ્રાંગણમાં દર્શન માટે રાહ જોઈ રહેલા ભક્તો સાથે ઝગડો કરી રહી હતી.
વિડીયો અનુસાર મહિલા નાડાપંથલમાં કેક કાપીને તેનો જન્મદિવસ ઉજવી રહી હતી. અરજદારોએ આરોપ મૂક્યો હતો કે આ મહિલાએ મંદિર પરિસરમાં પ્રવેશ અને વિડિયોગ્રાફી કરીને કેરળ હિંદુ પ્લેસીસ ઓફ પબ્લિક વર્શીપ એક્ટ, 1965 અને કેરળ હિંદુ પ્લેસીસ ઓફ પબ્લિક વર્શીપ નિયમો, 1965નું ઉલ્લંઘન કર્યું હતું.
ત્યારે આ મામલે હિંદુ ભક્તોની અરજીને ધ્યાનમાં લઇ કેરળ હાઈકોર્ટે મહત્વની ટિપ્પણી કરી હતી, તથા એક આદેશ આપ્યો હતો. જસ્ટિસ અનિલ કે નરેન્દ્રન અને જસ્ટિસ પી જી અજિતકુમારની ખંડપીઠે અવલોકન કર્યું હતું કે મંદિરના નાડાપંથલ અને અન્ય આંતરિક સ્થળોએ વ્લોગર્સને વિડીયોગ્રાફીની પરવાનગી આપી શકાય નહીં, કારણ કે મંદિર એ એક વિશેષ સુરક્ષા ક્ષેત્ર છે.
વ્લોગર્સ કે સેલીબ્રીટીને નહીં મળે વિડીયોગ્રાફીની પરવાનગી
કોર્ટે આદેશ આપતા કહ્યું હતું કે, “અમે ગુરુવાયુર દેવસ્વોમ વ્યવસ્થાપન સમિતિ અને પ્રશાસકને ગુરુવાયુર શ્રી કૃષ્ણ મંદિરના નાડાપંથલમાં લગ્ન સમારંભો અને અન્ય ધાર્મિક સમારંભો સિવાય અન્ય વિડીયોગ્રાફીની મંજૂરી નથી તેની ખાતરી કરવા માટે જરૂરી પગલાં લેવા નિર્દેશ આપીએ છીએ. નાડાપંથલમાં વ્લોગર્સ કે કોઈ પણ સેલીબ્રીટીને વિડિયોગ્રાફીની પરવાનગી આપવામાં આવશે નહીં.”
કોર્ટે વધુમાં કહ્યું હતું કે, “ગુરુવાયુર શ્રીકૃષ્ણ મંદિર એ કેરળ પોલીસ અધિનિયમ, 2011ની કલમ 83(1)ની જોગવાઈઓ હેઠળનું એક વિશેષ સુરક્ષા ક્ષેત્ર છે. મંદિરના આંતરિક સ્થળો, અને ખાસ કરીને પૂર્વીય ‘દીપસ્તંભમ’ની વિડીયોગ્રાફીની પરવાનગી આપી શકાય નહીં.”
‘મંદિરમાં ન કરી શકાય ભક્તોને ખલેલ પહોંચાડતી પ્રવૃત્તિ’
કોર્ટે ભક્તો અંગે કહ્યું હતું કે, “ગુરુવાયુર દેવસ્વોમની સુરક્ષા શાખા દ્વારા, મેનેજિંગ કમિટીએ ખાતરી કરવી જોઈએ કે, ગુરુવાયુર શ્રીકૃષ્ણના નાડાપંથલમાં નાના વયના બાળકો, વરિષ્ઠ નાગરિકો અને વિકલાંગ વ્યક્તિઓ સહિત ભક્તોને ખલેલ પહોંચાડતી કોઈપણ પ્રવૃત્તિ ન થાય.” હાઈકોર્ટે કહ્યું કે “મંદિરની વ્યવસ્થાપન સમિતિ ‘ઉપાસકો ભગવાન ગુરુવાયુરપ્પનની પૂજા યોગ્ય રીતે કરી શકે’ તે માટે મંદિરમાં સુવિધાઓ પ્રદાન કરવા માટે ‘ફરજમાં બંધાયેલ’ છે.
મંદિરનું નાડાપંથલ કેક કાપવાની જગ્યા નથી
આદેશમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, “દરેક ભક્તને સામાન્ય રીતે મંદિરની પ્રથા તથા પરંપરાને આધીન રહીને ગુરુવાયુર શ્રીકૃષ્ણ મંદિરમાં પોતાના પૂજાના અધિકારનો ઉપયોગ કરવાનો અધિકાર છે. વિડીયોમાં દેખાય છે એ રીતે નાડાપંથલમાં ભક્તો સાથે ઝઘડો કરવા માટે કોઈ વ્યક્તિને મંજૂરી આપી શકાતી નથી. એ જ રીતે, મંદિરનું નાડાપંથલ એ જન્મદિવસની કેક કાપવાની જગ્યા નથી.”
ઉપરાંત મંદિર કમિટીને વિડીયોગ્રાફીના કોઈ નિયમનું ઉલ્લંઘન થાય તો પોલીસની મદદ લેવા સૂચવ્યું હતું, તથા પોલીસે ને પણ તે મામલે સહયોગ આપવા સૂચન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે વિડીયોમાં કેક કાપતી દેખાતી મહિલાને કોર્ટે નોટિસ આપી છે, તથા અગામી સુનાવણી 18 ઓક્ટોબરે કરવાનું સૂચવ્યું હતું.
કેરળ હાઈકોર્ટે હિંદુ સંસ્કૃતિની પરંપરાઓને ધ્યાનમાં રાખીને ગુરુવાયુર મંદિરમાં વિડીયોગ્રાફી પર પ્રતિબંધ મુક્યો હતો. ઉલ્લેખનીય છે કે હિંદુ સંસ્કૃતિ અને તેના સંસ્કાર અંગે અલ્હાબાદ હાઇકોર્ટ દ્વારા મહત્વની ટિપ્પણી કરવામાં આવી હતી. કોર્ટે કહ્યું હતું કે હિંદુ લગ્ન એક સંસ્કાર છે તેથી કરારની જેમ ભંગ કે સમાપ્ત કરી શકાતા નથી.