મધ્ય પૂર્વના દેશ લેબનાનમાં (Lebanon) મંગળવારે (17 સપ્ટેમ્બર) એકસાથે હજારો બ્લાસ્ટ (Blast) થયા હોવાના સમાચાર સામે આવ્યા હતા. આ ધમાકા મેસેજ મોકલવા અને પ્રાપ્ત કરવા માટે વપરાતા ઇલેક્ટ્રોનિક ડિવાઇસ પેજરમાં (pager Blast) થયા હતા. લેબનોન અને પાડોશી દેશ સિરીયામાં (Syria) એકસાથે હજારો પેજર બ્લાસ્ટ થઈ ગયા હતા. આ કારણે લભાગ 3000 લોકો ઘાયલ થયા છે અને 9 લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. ઘાયલ થનારા અને મૃતકો મોટાભાગના ઇસ્લામી આતંકી સંગઠન (Islamic Terrorist Organization) હિઝબુલ્લાહના (Hezbollah) સભ્યો હતા. આતંકી સંગઠન હિઝબુલ્લાહે આ ભયાનક ઓપરેશન માટેનો આરોપ ઇઝરાયેલી (Israel) એજન્સી મોસાદ (Mossad) પર લગાવ્યો છે. અન્ય ન્યૂઝ એજન્સીઓએ પણ આ ઓપરેશન મોસાદનું (Mossad’s Operation) હોવાનો દાવો કર્યો છે.
પેજર ફાટ્યા બાદ (Pager Explosion)ઘાયલ થયેલા લોકોમાં ઈરાની રાજદૂત મોજીતબા અમાની પણ સામેલ છે. આ ધમાકાઓને હિઝબુલ્લાહની સુરક્ષામાં હમણાં સુધીની સૌથી મોટી ચૂક ગણવામાં આવી રહી છે. હિઝબુલ્લાહે નિવેદન જારી કરીને કહ્યું છે કે, આ બ્લાસ્ટ પાછળ ઇઝરાયેલ અને તેની ગુપ્તચર એજન્સી મોસાદનો હાથ છે. અન્ય મીડિયામાં પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, હિઝબુલ્લાહના પેજરમાં બ્લાસ્ટ થવા પાછળ ઇઝરાયેલી એજન્સી મોસાદનું ગુપ્ત ઓપરેશન છે. સોશિયલ મીડિયા પર બ્લાસ્ટના ઘણા વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે. લેબનોનના સ્વાસ્થ્ય મંત્રીએ નાગરિકોને પેજરનો ત્યાગ કરવા માટેની સલાહ આપી છે.
Foreign reports: Israel just took out Hezbollah operatives' radios using cutting-edge tech—remotely!
— Hananya Naftali (@HananyaNaftali) September 17, 2024
High-tech defense in action! pic.twitter.com/W7uSacoiuD
મંગળવારે હિઝબુલ્લાહના આતંકીઓના પેજર એકસાથે બ્લાસ્ટ થયા હતા. હજુ સુધી તે સ્પષ્ટ નથી થઈ શક્યું કે, એકસાથે કેટલા પેજરોમાં બ્લાસ્ટ થયો હતો. આ ઘટનાને લઈને અલગ-અલગ થિયરી ચલાવવામાં આવી રહી છે. ઘણા કહી રહ્યા છે કે, પેજરોમાં એક સિગ્નલ મોકલીને તેને એકસાથે બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા તો ઘણા અન્ય ઓપરેશનની વાત કરી રહ્યા છે. લેબનોનના લોકોએ આ ઘટના માટે ઇઝરાયેલને જવાબદાર ઠેરવ્યું છે. જોકે, ઇઝરાયેલી સેના કે એજન્સી તરફથી હજુ સુધી આ અંગેનું કોઈ નિવેદન સામે નથી આવ્યું.
બેટરી ગરમ કરીને કર્યા બ્લાસ્ટ?
લેબનોનની અંદર થયેલા ધમાકામાં એક વસ્તુ નોંધવામાં આવી છે કે, પેજર એકસાથે વધુ ગરમ થઈને વિસ્ફોટ થતા જોવા મળ્યા હતા. જોરદાર વિસ્ફોટ થયા અને તેને રાખનાર વ્યક્તિ તેમજ આસપાસના લોકોને પણ તેની અસર થઈ હતી. જેના કારણે મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા હતા.
સૌપ્રથમ એવું કહેવામાં આવ્યું હતું કે, ઇઝરાયેલે આ હજારો પેજર્સ વચ્ચેના સિગ્નલોને હેક કર્યા હતા અને એવી ફ્રીક્વન્સી પર સિગ્નલ મોકલ્યા હતા કે તેમની બેટરીઓ વધુ ગરમ થઈ ગઈ અને વિસ્ફોટ થયો. જોકે, આ થિયરીના વિરોધમાં એવી દલીલ આપવામાં આવી રહી છે કે, બેટરીઓ ગરમ થઈને બ્લાસ્ટ નહોતી થઈ, પરંતુ તેની જાતે જ સીધી બ્લાસ્ટ થઈ ગઈ હતી.
પેજર સાથે કરી છેડછાડ?
પેજર્સમાં ખામી પાછળ બીજી એક થિયરી આપવામાં આવી રહી છે કે, ઇઝરાયેલે આ પેજર્સને સપ્લાય કરતી વખતે જ તેની સાથે છેડછાડ કરી હતી. અહેવાલ છે કે 5,000 પેજર તાઇવાનથી મંગાવવામાં આવ્યા હતા અને આ વર્ષની શરૂઆતમાં હિઝબુલ્લાહ સુધી પહોંચ્યા હતા. લેબનોન સાથે જોડાયેલા લોકોએ મીડિયાને જણાવ્યું કે, ઇઝરાયેલી જાસૂસી એજન્સી મોસાદે આ પેજર્સની અંદર એક બોર્ડ લગાવ્યું હતું, જેના કારણે વિસ્ફોટ થયો હતો. આ બોર્ડ સરળતાથી ઓળખી શકાતું નથી અને તેથી હિઝબુલ્લાહ તેનાથી અજાણ રહ્યું હતું.
Hezbollah pagers go…
— The Mossad: Satirical and Awesome (@TheMossadIL) September 17, 2024
POP! pic.twitter.com/EAWtLqLGkV
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, ઇઝરાયેલે આ પેજર હિઝબુલ્લાહ સુધી પહોંચે તે પહેલાં જ તેની સાથે છેડછાડ કરી હતી અને જ્યારે તે હિઝબુલ્લાહના લોકો સુધી પહોંચ્યું ત્યારે તેણે વિસ્ફોટ કર્યો હતો. લેબનોનના લોકોએ જણાવ્યું હતું કે, જ્યારે મોસાદે આ પેજર્સની અંદરના બોર્ડને કોડેડ મેસેજ મોકલ્યો ત્યારે તે બ્લાસ્ટ થવા લાગ્યા હતા. જોકે, હજુ સુધી એવી કોઈ માહિતી સામે નથી આવી કે, આ પેજર બનાવતી ફેક્ટરીમાં છેડછાડ કરવામાં આવી હતી કે પછી રસ્તામાં ક્યાંક તેમાં બોર્ડ નાખવામાં આવ્યા હતા.
એવું પણ બહાર આવ્યું છે કે, હિઝબુલ્લાના લોકો પાસે રહેલા પેજર્સમાં 3 ગ્રામ વિસ્ફોટક પદાર્થ રાખવામાં આવ્યો હતો. એવું કહેવાય છે કે, પેજરની અંદર મૂકવામાં આવેલા વિસ્ફોટકો એટલા નાના હતા કે હિઝબુલ્લાહ તેને ઓળખી શક્યું ન હતું અને પેજર્સ પોતાના લોકોમાં વહેંચી દીધા હતા. આ પછી જ્યારે ઇઝરાયેલે યોગ્ય તક જોઈ તો તેણે વિસ્ફોટ શરૂ કર્યા હતા. જોકે, આ થિયરી અંગે હજુ સુધી કોઈ પુષ્ટિ થઈ નથી, પરંતુ આ વિસ્ફોટના મુખું ટાર્ગેટમાં હિઝબુલ્લાહના લોકો હતા, તેથી તમામ શંકા ઇઝરાયેલ તરફ ઈશારો કરી રહી છે.
પેજરનો ઉપયોગ શા માટે કરે છે હિઝબુલ્લાહ?
હિઝબુલ્લાહ પર થયેલા આ પેજર હુમલા વચ્ચે એ સવાલ પણ ઊભો થયો કે, હજારો કરોડની સંપત્તિનું માલિક આ આતંકવાદી સંગઠન દાયકાઓ જૂની ટેક્નોલોજી પર કેમ નિર્ભર છે? એવું જાણવા મળ્યું છે કે, હિઝબુલ્લાહે તેના આતંકવાદીઓ અને અન્ય લોકો પર ઘણા વર્ષોથી ફોનનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ એટલા માટે છે કારણ કે ઇઝરાયેલ મોબાઈલ હેક કરી શકે છે અને વાતચીત સાંભળીને ભારે નુકસાન પણ પહોંચાડી શકે છે. પેજરનો ઉપયોગ એટલા માટે કરવામાં આવેલા છે, કારણ કે તેની ટેક્નોલોજી સરળ છે અને તેને સરળતાથી હેક કરી શકાતા નથી. પરંતુ, ઇઝરાયેલે હિઝબુલ્લાહના આ પ્રણાલી પર પણ પાણી ફેરવી દીધું છે.
કંપનીએ નકાર્યા દાવા, હિઝબુલ્લાહે કહ્યું- બદલો લઈશું
જે તાઈવાની કંપની પાસેથી આ પેજર્સ ખરીદવામાં આવ્યા હોવાનું કહેવાય છે, તેણે આ તમામ દાવાઓને નકારી કાઢ્યા છે. તાઈવાનની ગોલ્ડ એપોલો કંપનીએ કહ્યું છે કે, તેણે હિઝબુલ્લાહ સુધી પહોંચનારા પેજર્સ નથી બનાવ્યા. ગોલ્ડ એપોલોએ જણાવ્યું છે કે, એક યુરોપિયન કંપની પેજર બનાવે છે અને તેણે ગોલ્ડ એપોલો પાસેથી જ લાઇસન્સ લીધું છે. એટલા માટે જ વિસ્ફોટ થયેલા પેજર્સ પર ગોલ્ડ એપોલોનું સ્ટીકર હતું અને ડિઝાઇન પણ ગોલ્ડ અપોલો પેજર્સ જેવી જ હતી. આ ઘટના બાદ હિઝબુલ્લાએ કહ્યું છે કે, તે બદલો લેશે અને આ ઘટના માટે તેણે ઇઝરાયેલને જ જવાબદાર ગણાવ્યું છે.