પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની ત્રણ દિવસીય યાત્રા પર છે. આ દરમિયાન 16 સપ્ટેમ્બરે તેમણે ગુજરાતની રાજધાની ગાંધીનગર ખાતે Re-Invest 2024 ગ્રીન એનર્જી સમિટની ચોથી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું હતું. ઉદ્ઘાટન પહેલા તે વાવોલ ખાતે સૂર્ય ઘર યોજનાના લાભાર્થીઓને પણ મળ્યા હતા. આ બાદ PM મોદીએ (PM Modi) રિન્યુએબલ એનર્જી સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન PM મોદીએ સંબોધનમાં સોલાર ઉર્જા મામલે ભારતની આગામી યોજનાઓનો ઉલ્લેખ પણ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે ગાંધીનગરમાં ચાલી રહેલ રિન્યુએબલ એનર્જી ઇવેન્ટ મીનીસ્ટ્રી ઓફ ન્યુ એન્ડ રિન્યુએબલ એનર્જી અને (MNRE) અને ઉદ્યોગ સંસ્થા કન્ફેડરેશન ઑફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ (CII) વચ્ચેનો સહયોગી પ્રયાસ છે. પ્રથમવાર આ કાર્યક્રમનું આયોજન દિલ્હીની બહારના રાજ્યમાં થઇ રહ્યું છે. આ કોન્ફરન્સમાં 44 સત્રો યોજાવાના છે.
ઉલ્લેખનીય છે કે PM મોદી આ સમિટનું ઉદ્ઘાટન કરતા પહેલા ગાંધીનગર નજીક આવેલા PM સૂર્ય ઘર મફત વીજળી યોજનાના લાભાર્થીઓને મળ્યા હતા, જ્યાં તેમણે લાભાર્થીઓ સાથે વાતચીત પણ કરી હતી. વાલોલની શાલિન સોસાયટીમાં 89 પરિવારોએ સોલર પેનલ સિસ્ટમ લગાવી છે. અહેવાલ અનુસાર PM મોદી આ સોસાયટીમાં સાત લાભાર્થીઓને મળ્યા હતા. તેમણે લાભાર્થીઓ સાથે આ યોજનાથી થતા લાભની સાથે વૃક્ષ વાવવાની અને દીકરીના અભ્યાસ અંગેની પણ વાતચીત કરી હતી.
17 શહેરોને સોલાર સીટી બનાવવાની જાહેરાત
આ ઇવેન્ટનું ઉદ્ઘાટન કરતા PM મોદીએ ઉર્જા ક્ષેત્રે ભારતની અગામી યોજનાઓને ઉલ્લેખ પણ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, “ભારતમાં 20 હજાર કરોડ રૂપિયાનું ગ્રીન હાઈડ્રોજન મિશન લોન્ચ કર્યું છે. રી-યુઝ પ્લાસ્ટિક ટેક્નોલોજીનો વિકાસ કવામાં આવશે. અયોધ્યાને મોડલ સોલર સિટી બનાવવાનું છે, જેનું કામ પૂરું થવા આવ્યું છે.” આ સિવાય 17 શહેરોને પણ સોલાર સીટી તરીકે વિકસાવવાની જાહેરાત કરી હતી.
Addressing the 4th Global Renewable Energy Investor's Meet in Gandhinagar.https://t.co/WvFwcsHeuj
— Narendra Modi (@narendramodi) September 16, 2024
PM સૂર્ય ઘર યોજનાથી ભારતનું દરેક ઘર પાવર પ્રોડ્યુસર બનશે
સૂર્ય ઘર યોજનાનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને કહ્યું હતું કે, “અમારી PM સૂર્ય ઘર વીજળી યોજનાની સ્ટડી કરવી જોઈએ. આ યોજનાથી ભારતનું એક એક ઘર પાવર પ્રોડ્યુસર બનવા જઈ રહ્યું છે. સવા ત્રણ લાખ ઘરમાં આ યોજના હેઠળ ઇન્સ્ટોલેશનનું કામ પૂરું થઈ ગયું છે. 250 યુનિટ વીજળીનો વપરાશ કરવાવાળો એક નાનો પરિવાર હવે 25 હજારની કુલ બચત કરશે. એટલે 25 હજારનો ફાયદો થશે.” ઉપરાંત આ યોજનાથી 20 લાખ રોજગારી ઉભી થવાની સંભાવનાઓ પણ દર્શાવી હતી.
ઉપરાંત PM મોદીએ 2030 સુધી 500 ગીગા વોટ એનર્જીનો ટાર્ગેટ હાંસલ કરવા સાથેના ઘણા મુદ્દાઓ પર કામગીરી ચાલુ હોવાનું પણ કહ્યું હતું. આ સિવાય PM સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ 13 મિલિયન લોકોએ લાભ લીધો હોવાનું જણાવ્યું હતું. દુનિયાને પણ લાગે છે કે, ભારત 21મી સદીનું ફિન્ટેક ફેસ્ટ છે.
વધુમાં તેમણે કહ્યું હતું કે, “છેલ્લા 100 દિવસમાં 15થી વધુ નવી મેડ ઇન ઇન્ડિયા વંદે ભારત ટ્રેન લોન્ચ કરવામાં આવી છે.” વિન્ડ એનર્જી પ્રોજેક્ટ માટે 700 કરોડથી વધુનો ખર્ચ કર્યો હોવાની જાણકારી પણ આપી હતી. PM મોદીના જણાવ્યા અનુસાર ગ્રીન હાઇડ્રોજન ક્ષેત્રે ભારત ગ્લોબલ લિડર બનવા જઈ રહ્યો છે. આ સિવાય સરકાર સ્ટાર્ટઅપ પ્રોગ્રામ્સને પણ ઘણો સહકાર આપી રહી છે.