Friday, September 20, 2024
More
    હોમપેજદેશ‘પોર્ટ બ્લેયર’ નહીં હવે ‘શ્રી વિજયપુરમ’ કહો: જ્યાં નેતાજીએ સૌપ્રથમ ફરકાવ્યો હતો...

    ‘પોર્ટ બ્લેયર’ નહીં હવે ‘શ્રી વિજયપુરમ’ કહો: જ્યાં નેતાજીએ સૌપ્રથમ ફરકાવ્યો હતો તિરંગો, જ્યાં સાવરકરે રચી હતી ક્રાંતિ, તે સ્થળનું નામ મોદી સરકારે બદલ્યું

    ગૃહમંત્રી શાહે લખ્યું કે, “દેશને ગુલામીનાં તમામ પ્રતીકોમાંથી મુક્તિ આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પથી પ્રેરિત થઈને આજે ગૃહ મંત્રાલયે પોર્ટ બ્લેયરનું નામ ‘શ્રી વિજયપુરમ’ કરવાનો નિર્ણય કર્યો છે."

    - Advertisement -

    કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે આંદામાન અને નિકોબાર ટાપુઓની રાજધાની ‘પોર્ટ બ્લેયર’નું નામ બદલીને ‘શ્રી વિજયપુરમ’ કરવાનો નિર્ણય કર્યો છે. ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે (13 સપ્ટેમ્બર) આ બાબતની જાણકારી આપી. 

    તેમણે X પર એક પોસ્ટ કરતાં લખ્યું કે, “દેશને ગુલામીનાં તમામ પ્રતીકોમાંથી મુક્તિ આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પથી પ્રેરિત થઈને આજે ગૃહ મંત્રાલયે પોર્ટ બ્લેયરનું નામ ‘શ્રી વિજયપુરમ’ કરવાનો નિર્ણય કર્યો છે. ‘શ્રી વિજયપુરમ’ નામ આપણા સ્વાધીનતા સંઘર્ષ અને તેમાં આંદામાન નિકોબારના યોગદાનને દર્શાવે છે. 

    તેમણે આગળ કહ્યું કે, “આ દ્વીપ આપણા દેશની સ્વાધીનતા અને ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન રહ્યો છે. ચોલ સામ્રાજ્યમાં નૌસેના અડ્ડાની ભૂમિકા નિભાવનારો આ દ્વીપ આજે દેશની સુરક્ષા અને વિકાસને ગતિ આપવા માટે તૈયાર છે.” 

    - Advertisement -

    ગૃહ મંત્રી શાહ આગળ લખે છે કે, “આ દ્વીપ નેતાજી સુભાષ ચંદ્ર બોઝ દ્વારા સૌથી પહેલો તિરંગો ફરકાવવાથી લઈને સેલ્યુલર જેલમાં વીર સાવરકર અને અન્ય સ્વતંત્રતા સેનાનીઓ દ્વારા મા ભારતીની સ્વાધીનતા માટે સંઘર્ષનું પણ સ્થાન છે.”

    પોર્ટ બ્લેયર એ આંદામાન-નિકોબાર દ્વીપસમૂહનું પાટનગર છે. જે દક્ષિણ આંદામાનમાં સ્થિત છે. તેને આંદામાન નિકોબારનું પ્રવેશદ્વાર પણ કહેવાય છે અને ભારત સાથે દરિયાઈ અને હવાઈ માર્ગે જોડાયેલું છે.

    બ્રિટીશ શાસન દરમિયાન પોર્ટ બ્લેયર અગત્યનું સ્થળ હતું. અહીં અંગ્રેજોએ એક ‘સેલ્યુલર જેલ’ બનાવડાવી હતી, જેમાં કાળાપાણીની સજા પામેલા ભારતના ક્રાંતિવીરોને રાખવામાં આવતા હતા. વીર વિનાયક સાવરકર આ જેલમાં 11 વર્ષ રહ્યા હતા. જ્યાં પણ તેમણે સ્વાધીનતા માટેના પ્રયાસો ચાલુ રાખ્યા હતા. સ્વતંત્રતા બાદ આ જેલને સ્મારકમાં ફેરવી નાખવામાં આવી. આજે પણ તેની મુલાકાત લઇ શકાય છે અને પોર્ટ બ્લેયરનું એક અગત્યનું પર્યટન સ્થળ બની ગઈ છે.

    આ જ ટાપુનું કનેક્શન નેતાજી સુભાષ ચંદ્ર બોઝ સાથે પણ ખરું. અહીં તેમણે આઝાદ હિન્દ ફૌજના વડા તરીકે મુલાકાત લીધી હતી. વર્ષ 2018માં અહી વડાપ્રધાન મોદીએ નેતાજીને શ્રદ્ધાંજલિ આપવા માટે ત્રણ ટાપુઓનું નામકરણ કર્યું હતું. જેમાં દ્વીપોને ‘સુભાષચંદ્ર બોઝ દ્વીપ’, ‘શહીદ દ્વીપ’ અને ‘સ્વરાજ દ્વીપ’ નામ આપવામાં આવ્યાં હતાં. આ ત્રણેય મુખ્ય પર્યટન સ્થળો પૈકીના છે.

    ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી દેશમાંથી ગુલામીનાં પ્રતીકો દૂર કરવા માટે સતત પ્રયાસરત રહે છે અને આ વાત તેમણે લાલ કિલ્લાના તેમના સ્વતંત્રતા દિવસના એક સંબોધનમાં પણ કહી હતી. આ જ ક્રમમાં સ્થળોનાં નામો બદલાતાં રહ્યાં છે. મોદી સરકાર આ પહેલાં રાજપથનું નામ ‘કર્તવ્ય પથ’ અને રાષ્ટ્રપતિ ભવનના ‘મુઘલ ગાર્ડન’નું નામ ‘અમૃત ઉદ્યાન’ કરી ચૂકી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં