તાજેતરમાં જ સુરતમાં ગણપતિ પંડાલ પર પથ્થરમારો કરવાની ઘટના સામે આવી હતી. આ બાદ તંત્રએ તાત્કાલિક કાર્યવાહી કરીને 32 મુસ્લિમ આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાંથી 26ને 10 સપ્ટેમ્બરે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. સુરત પોલીસે આરોપીઓના 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, જયારે સુરત કોર્ટે આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજુર કર્યાં છે. બંને પક્ષની દલીલો બાદ કોર્ટે 12 સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મંજુર કર્યાં છે. સરકારી વકીલે કોર્ટમાં 17 મુદ્દાઓની દલીલો રજૂ કરી હતી.
સમગ્ર ઘટના સુરતમાં આવેલ સૈયદપુરા વિસ્તારની છે. રવિવારે રાત્રે મુસ્લિમોના ટોળાએ ભેગા થઇ ગણપતિ પંડાલ પર પથ્થરમારો કર્યો હતો. ટોળામાંથી 32 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ તેમાંથી અમુક કિશોર હોવાથી 27 આરોપીઓને કોર્ટમાં રજુ કરી તેમના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. ત્યારે નદીમ નામક આરોપી દિવ્યાંગ હોવાથી તેને નોટિસ આપી છોડી મુકવામાં આવ્યો હતો. જયારે બાકીના આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા.
સરકારી વકીલે 17 મુદ્દાઓ પર કરી દલીલો
ઉલ્લેખનીય છે કે આ મામલે બંને પક્ષોએ અઢી કલાક સુધી દલીલો કરી કરી હતી. પોલીસે દલીલ કરી હતી કે પથ્થરમારાને અંજામ આપવાનું કાવતરું કોણે ઘડ્યું હતું અંગે તપાસ કરવી ખૂબ જરૂરી છે. પોલીસે અલગ-અલગ 5 મુદ્દાઓ પર તપાસ કરવા માટે થઈને આરોપીઓના 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. સરકારી વકીલે એવી પણ દલીલ કરી હતી કે પથ્થરમારો આયોજન પૂર્વક કરાયો છે, કારણ કે ઘટનાસ્થળ પર ઘણી માત્રામાં પથ્થરો અને લાકડા મળી આવ્યા હતા. કુલ 17 મુદ્દાઓ પર દલીલો રજુ કર્યા બાદ આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા. ત્યારે રિમાન્ડ બાદ ઘણા ઘસ્ફોટ થવાની સંભાવના છે.
તંત્રએ કરી ત્વરિત કાર્યવાહી
ઉલ્લેખનીય છે કે સમગ્ર ઘટના મામલે શરૂઆતથી જ તંત્ર એલર્ટ જોવા મળ્યું હતું. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ઘટના સ્થળની મુલાકાત પણ તાત્કાલિક ધોરણે લીધી હતી. આટલી ત્વરિત કાર્યવાહી તંત્રની સચોટતા દર્શાવે છે. હર્ષ સંઘવીએ મુસ્લિમ સમાજના લોકોને સલાહ પણ આપી હતી, કે યુવાનોને સાચી દિશા આપવામાં આવે. તેમણે એમ પણ કહ્યું હતું કે મદરેસા કે મસ્જિદ કોઈ પણ જગ્યા હોય યુવાનોને સાચું માર્ગદર્શન મળવું જોઈએ. આ સિવાય તેમણે ‘કાયદામાં રહેશો તો, ફાયદામાં રહેશો’ એવું નિવેદન આપીને સ્પષ્ટ કરી જ દીધું હતું કે તંત્ર આ મામલે કોઈ જ બાંધછોડ કરવા માંગતુ નથી.