લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના (Congress) પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi) 3 દિવસીય અમેરિકા (America Visit) પ્રવાસ દરમિયાન ભારત અને ભારતીયો વિશે એલફેલ બોલી રહ્યા છે. આમ પણ તેઓ વિદેશની ધરતી પર જઈ ભારતને બદનામ કરવા માટે જાણીતા છે. ત્યારે અમેરિકા યાત્રા દરમિયાન ભાજપ, RSS બાદ હવે રાહુલ ગાંધીએ શીખ (Shikh) સમુદાય વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. જેના કારણે ભાજપ (BJP) નેતા આર.પી. સિંઘ સહિતના તમામ શીખો રોષે ભરાયા હતા અને રાહુલ ગાંધીને કોર્ટમાં ઘસેડવાની વાત ઉચ્ચારી હતી. આ સિવાય રાષ્ટ્રીય લઘુમતી આયોગના અધ્યક્ષે પણ રાહુલને શીખોનો નરસંહાર યાદ અપાવીને તેમનો ઉધડો લીધો હતો.
અમેરિકા પ્રવાસ દરમિયાન વર્જિનિયામાં સંબોધન કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, “ભારતમાં શીખોને પાઘડી પહેરવાની મંજૂરી આપવામાં આવશે કે કેમ અને તે ગુરુદ્વારાની મુલાકાત લઈ શકશે કે કેમ તે મુદ્દે લડાઈ સમાપ્ત થઈ નથી. સૌથી પહેલાં આપણે સમજવું પડશે કે લડાઈ શું છે. લડાઈ રાજકારણની નથી. તે સુપરફિસિયલ છે.”
આગળ તેમણે વિવાદ ઉભો કરતા કહ્યું કે “તમારું નામ શું છે? એક શીખ તરીકે તેને ભારતમાં પાઘડી પહેરવાની મંજૂરી આપવામાં આવશે કે કેમ, શીખ તરીકે તેને ભારતમાં કડા પહેરવાની છૂટ આપવામાં આવશે કે નહીં અથવા શીખ ગુરુદ્વારાની મુલાકાત લઈ શકશે કે નહીં તે અંગે લડાઈ ચાલી રહી છે. આ લડાઈ માત્ર તેમના માટે જ નહીં પરંતુ તમામ ધર્મોની લડાઈ છે.”
રાષ્ટ્રીય લઘુમતી આયોગના અધ્યક્ષે પણ રાહુલને ઘેર્યા
લોકસભા LoP અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના શીખો પરના નિવેદન પર રાષ્ટ્રીય લઘુમતી આયોગના અધ્યક્ષ ઈકબાલ સિંઘ લાલપુરાએ કહ્યું હતું કે, “આ ટિપ્પણીઓ તેમની માનસિકતા અને વિચાર દર્શાવે છે. નેહરુ પરિવારે ક્યારેય શીખોને આપેલા વચનો પૂરા કર્યા નથી. 1984ના શીખ વિરોધી રમખાણોના 40 વર્ષ પછી પણ રાષ્ટ્રીય લઘુમતી આયોગ પીડિતોને ન્યાય અપાવવા પ્રયાસ કરી રહ્યું છે.”
#WATCH | Delhi: On Lok Sabha LoP and Congress MP Rahul Gandhi's statements on Sikhs, Chairman of the National Commission for Minorities, Iqbal Singh Lalpura says, "These comments reflect his mentality and thinking. Nehru family never fulfilled the promises made to the… pic.twitter.com/GvPJjIxTvN
— ANI (@ANI) September 10, 2024
તેમણે વધુમાં PM મોદીના શીખો માટેના કલ્યાણકારી નિર્ણયોનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, “પીએમ મોદીએ શીખોના કલ્યાણ માટે ઘણા નિર્ણયો લીધા છે. ભાજપ હંમેશા શીખોને પ્રોત્સાહન આપે છે. હાલમાં દેશમાં શીખ સુરક્ષિત છે, ભારતમાં વારસો પિતા તરફથી મળે છે, તેથી રાહુલ ગાંધી પણ લઘુમતી છે કારણ કે તેમના દાદા ફિરોઝ ગાંધી પણ લઘુમતી સમુદાય પારસી ધર્મના હતા. બધા ધર્મો એક સમાન છે. આપણે આ પ્રકારના નિવેદનો ન આપવા જોઈએ.”
RP સિંઘે કહ્યું રાહુલને કોર્ટમાં ઘસેડીશ…
રાહુલ ગાંધીના શીખ ધર્મ પરના નિવેદન પર ભાજપ નેતા આર. પી. સિંઘ રોષે ભરાયા હતા. તેમણે રાહુલને જવાબ આપતા કહ્યું કે, “દિલ્હીમાં 3000 શીખોની હત્યા કરવામાં આવી હતી, તેમની પાઘડીઓ ઉતારવામાં આવી હતી, તેમના વાળ કાપી નાખવામાં આવ્યા હતા, તેમની દાઢી કપાવી નાખવામાં આવી હતી. તેઓ (રાહુલ ગાંધી) એમ નથી કહી રહ્યા કે જયારે તેઓ (કોંગ્રેસ) સત્તામાં હતા ત્યારે આ બધું થયું હતું. હું રાહુલ ગાંધીને પડકાર આપું છુ કે, તે શીખો વિશે જે બોલી રહ્યા છે, તે ભારતમાં આવીને બોલી બતાવે…. હું તેમની સામે કેસ કરીશ. હું તેમને કોર્ટમાં લઈ જઈશ.”
શિવરાજ સિંઘ ચૌહાણે આપ્યું વાજપેયીનું ઉદાહરણ
આ મામલે કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે રાહુલ ગાંધીને ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું ઉદાહરણ આપતા કહ્યું હતું કે, “રાહુલ ગાંધી એ LoP (Leader of Opposition) છે અને LoPનું પદ જવાબદાર પદ છે. હું રાહુલ ગાંધીને યાદ કરાવવા માંગુ છું કે જ્યારે અટલ બિહારી વાજપેયી LoP હતા ત્યારે તેમણે ક્યારેય વિદેશમાં દેશની બદનામી થાય એવું કઈ કર્યું નહોતું.” તેમણે કહ્યું હતું કે “ સતત ત્રીજી વખત હાર મળ્યા બાદ તેમના મનમાં ભાજપ વિરોધી, RSS વિરોધી અને મોદી વિરોધી ભાવનાઓ ઘર કરી ગઈ છે.”
આ સિવાય તેમણે રાહુલ ગાંધીને દેશની છબી ખરાબ કરવા માટે દેશદ્રોહી ગણાવતા કહ્યું હતું કે, “તે સતત દેશની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. દેશની છબી ખરાબ કરવી એ દેશદ્રોહ સમાન છે… બંધારણ પર કોણે હુમલો કર્યો? ઈમરજન્સી કોણે લાદી? તે ભારત જોડો યાત્રા કરે છે, પરંતુ તે ન તો ભારત સાથે જોડાઈ શકે છે ના ભારતના લોકો સાથે.”
ભાજપ પ્રવક્તા ભંડારીએ કહ્યું કોંગ્રેસ ભયભીત….
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રદીપ ભંડારીએ કોંગ્રેસ પાર્ટીના ડરનો ઉલ્લેખ કરતા કહ્યું કે, “આજે, જો ક્યાંય ભય છે, તો તે કોંગ્રેસ પાર્ટીમાં છે. જ્યારે કોંગ્રેસમાં કોઈ મહિલા કાસ્ટિંગ કાઉચની વાત કરે છે, ત્યારે તેને પાર્ટી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવે છે. કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ આજે ભયભીત છે કારણ કે તેના હાઈકમાન્ડ દ્વારા માત્ર બળાત્કારીઓને બચાવવામાં આવે છે, એટલું જ નહિ બળાત્કારના આરોપીઓના ગઠબંધન સાથે ઉભા પણ રહે છે.”
વધુમાં તેમણે કહ્યું કે, “આજે કોંગ્રેસ પાર્ટી ડરી ગઈ છે કે તેમના જુઠ્ઠાણાંની પોલ ખુલી ગઈ છે. લોકોએ 2014, 2019માં પીએમ મોદીના નેતૃત્વવાળી BJPને અને 2024માં મોદીના નેતૃત્વવાળી NDAને ચૂંટી કાઢી છે.” ઉલ્લેખનીય છે કે, આ આગાઉ રાહુલ ગાંધીએ RSS વિરોધી નિવેદન આપ્યું હતું, ત્યારે પણ ભાજપ નેતાએ તેમને બાનમાં લેતા કહ્યું હતું કે રાહુલ ગાંધીએ RSSને સમજવા કેટલાય જન્મો લેવા પડશે.