Friday, November 22, 2024
More
    હોમપેજવગેરે...મનોરંજનસિનેમા, નફ્ફટાઇ અને છટકબારી….તમે છેલ્લે કોઇ ફિલ્મનું આખું ડિસ્ક્લેમર ક્યારે વાંચ્યું હતું?

    સિનેમા, નફ્ફટાઇ અને છટકબારી….તમે છેલ્લે કોઇ ફિલ્મનું આખું ડિસ્ક્લેમર ક્યારે વાંચ્યું હતું?

    ડિસ્ક્લેમર તો શરૂઆતમાં આવ્યું. સિરીઝમાંથી વચ્ચેથી ક્યાંક કોઈ દ્રશ્યની ક્લિપ્સ ઉઠાવીને ફરતી કરી દેવાઇ તો કેવું ડિસ્ક્લેમર ને કેવી સ્પષ્ટતા? તેમાં તો નામો એ જ છે, જેને લઈને વિવાદ થયો હતો. 

    - Advertisement -

    આપણે ત્યાં ફિલ્મોમાં ‘રચનાત્મક સ્વતંત્રતા’ (ક્રિએટિવ લિબર્ટી, અંગ્રેજીમાં)ના નામે કેવી-કેવી બદમાશીઓ થાય છે તે તો તમે આ વેબસાઈટ પર આવતા-જતા રહેતા હો તો પાકાપાયે માહિતગાર હોવાના. ‘ફિલ્મો સમાજનું દર્પણ કહેવાય’ એવું ધુપ્પલ ચલાવીને તેનો એક પ્રોપગેન્ડાના સાધન તરીકે વર્ષો સુધી ઉપયોગ થતો રહ્યો. પછી એક દિવસ આપણે જાણી ગયા. પછી સોશિયલ મીડિયા હાથમાં આવ્યું અને હવે આવું બધું પકડી પાડીએ છીએ. પણ લિબરલ જમાત હજુ સુધરી નથી. થોડાં વર્ષો હજુ લાગશે. ત્યાં સુધી આપણે કામ ચાલુ રાખીએ. 

    હમણાં એક સિરીઝને લઈને ભારે વિવાદ ચગ્યો. જે વ્યાજબી પણ હતો. IC814 નામની નેટફ્લિક્સ પર આવેલી આ વેબશ્રેણીમાં કથા કહેવામાં આવી છે કંધાર (કે કંદહાર) હાઈજેકની. કાઠમાંડુથી દિલ્હી આવતી ઈન્ડિયન એરલાઈન્સની ફ્લાઇટ 814ને ઇસ્લામી આતંકવાદીઓએ હાઇજેક કરી લીધી હતી. પછી આ ફ્લાઇટને અમૃતસર, લાહોર અને દુબઈ થઈને છેલ્લે અફઘાનિસ્તાનના કંધાર લઇ જવામાં આવી, જ્યાં તાલિબાનનું તે વખતે શાસન હતું. 

    પછીથી ભારત સરકાર સાથે આતંકવાદીઓએ વાટાઘાટો કરી અને બંધકોના બદલામાં ભારતની જેલમાં બંધ પાકિસ્તાનના ત્રણ આતંકવાદીઓને છોડી દેવામાં આવ્યા. આતંકવાદીઓએ વિમાનમાં એક પેસેન્જરની હત્યા કરી નાખી હતી અને બીજા અમુકને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કર્યા હતા. આખરે સાતેક દિવસ બાદ 31 ડિસેમ્બર, 1999ના રોજ મુસાફરોને બચાવી લેવાયા. આ સમગ્ર ઘટના પર વેબ સિરીઝ બનાવાઈ છે. 

    - Advertisement -

    વિવાદ થયો એનું કારણ એ છે કે તેમાં મુસ્લિમ આતંકવાદીઓનાં સાચાં નામો સંતાડવામાં આવ્યાં હતાં. સિરીઝમાં આતંકીઓ એકબીજાને ‘ભોલા’, ‘શંકર’, ‘બર્ગર’ વગેરે નામોથી સંબોધતા જોવા મળે છે. હવે અહીં બહાનું એવું કાઢવામાં આવે છે કે વાસ્તવ પરિસ્થિતિમાં પણ આતંકવાદીઓએ કોડનેમ આ જ નામોનો ઉપયોગ કર્યો હતો. સાચી વાત છે. પણ પછીથી તેમનાં સાચાં નામો પણ સામે આવ્યાં હતાં એ કોણ કહેશે? આ નામો હતાં- ઇબ્રાહિમ અખ્તર, શહીદ અખ્તર સઈદ, સની અહમદ કાઝી, ઝહૂર મિસ્ત્રી અને શાકિર. (આ ઝહૂર મિસ્ત્રી માર્ચ, 2022માં પાકિસ્તાનના કરાંચીમાં ‘અજાણ્યા બંધૂકધારીઓ’ના હાથે ચડી ગયો હતો એ એક સારા સમાચાર તમને આપી દીધા.)

    કંધાર હાઈજેક વિશે જૂની પેઢીને તો ખબર હોવાની, છતાં હવે ઘણાં વર્ષ થઈ ગયાં છે. હમણાંની નવી અને યુવા પેઢી તો ઘણીખરી અજાણ હોય એ દેખીતી વાત છે. આ પરિસ્થિતિમાં વેબ સિરીઝ જોનાર માણસ આતંકવાદીઓને હિંદુ સમજી લે તેની શક્યતા કેટલી? ઘણી બધી. નિર્માતાઓને નામ જો સાચાં રાખવાની જ એટલી ચળ હતી તો અધિકારીઓનાં નામો પણ એ જ રખાય. પછીથી દલીલો એવી પણ આપવામાં આવી કે ભારત સરકારના વિદેશ મંત્રાલયની એક અખબારી યાદીમાં પણ આતંકવાદીઓનાં કોડનેમનો ઉલ્લેખ છે. પણ એ બીજું કશું નહીં પણ છટકબારી જ છે. આતંકવાદીઓ ભલે કોડનેમ વાપરતા દર્શાવાયા હોય, અન્ય કોઇના મોઢે પણ તેમનાં સાચાં નામો બોલાવી જ શકાયાં હોત. 

    સરળતાથી લેફ્ટિસ્ટ પ્રોપગેન્ડામાં ફસાઈ જનારા ભોળાજનોને કદાચ આ વિવાદ ફાલતુ લાગતો હશે. એક નામો માટે અને એ પણ ફિલ્મમાં, આટલી બધી માથાકૂટ શા માટે એવા વિચારો પણ આવવાના અમુકને. પણ સ્મરણ રહે કે નામોમાં આવી જ બદમાશી કરીને જ 26/11ના મુંબઈ આતંકવાદી હુમલાનું ઠીકરૂ પણ હિંદુઓના માથે જ ફોડવામાં આવવાનું હતું. પણ ઋણી રહીશું આપણે વીર તુકારામ ઓમ્બલેના જેઓ પોતે વીરગતિ પામ્યા પણ કરોડો હિંદુઓના માથે કલંક ન લાગવા દીધું. કારણ કે કસાબ અને તેની ઇસ્લામી આતંકવાદીઓની ટોળકી જે મુંબઈ પર હુમલો કરવા આવી હતી તેમની પાસે હિંદુ નામો ધરાવતાં ID હતાં, જેથી મર્યા બાદ તેમને હિંદુમાં ખપાવી દેવાય. કસાબના હાથમાં કલાવા બાંધેલો હતો, જે હિંદુઓ બાંધે છે. આટલું પાકાપાયે પ્લાનિંગ હતું તમને અને મને આતંકવાદી ચીતરવા માટે. આ વાતો એટલી સરળ હોતી નથી, જેટલી દેખાય છે. 

    વરિષ્ઠ પત્રકાર, લેખક જયવંત પંડ્યાએ તેમના એક લેખમાં બહુ સરસ વાત કહી. તેઓ લખે છે કે, નજીકનો ભૂતકાળ જે લોકો તેમાં લેફ્ટ-લિબરલ ફિલ્મકારો આટલાં ચેડાં કરી શકતા હોય તો વિચાર કરો કે ઇતિહાસકારો નાલંદા જેવા પ્રાચીન ઇતિહાસમાં શું-શું કરતા હશે! આ વિચારવા જેવી બાબત છે. વર્ષો સુધી આવી બદમાશીઓ થકી જ આપણને અવળા ઇતિહાસનું જ્ઞાન પીરસવામાં આવતું રહ્યું. 

    આ નામો જ નહીં, વેબ સિરીઝમાં બીજી ઘણી બાબતોમાં પ્રોપગેન્ડા ચલાવાયો છે. જોઈને આપણને લાગે કે આ બધામાં સૌથી ડાહ્યો અને સમજદાર માણસ પેલો તાલિબાની જ હતો, જે કાયમ અમને લોહી વહે તે પસંદ નથી એવું કહ્યા કરે છે. ભલા માણસ, તાલિબાની, તને લોહી પસંદ નથી? આ હાઈજેકમાં પાકિસ્તાની ISIનો સીધો હાથ હતો, પણ અહીં જ્યારે ઓસામા બિન લાદેન છૂટેલા આતંકવાદીઓ સાથે ઉજવણી કરે છે ત્યારે ISIને બાકાત રાખે છે, જેથી સંદેશ શું જાય? કે ISIએ આમાં કશું જ કર્યું ન હતું. 

    આતંકવાદીઓને માનવતાવાદી બતાવવામાં આવ્યા છે એવી પણ જોનારાઓની ફરિયાદ છે. સતત કહેતા રહે છે કે મુસાફરોને ઈજા પહોંચાડવાનો તેમનો ઈરાદો નથી. આ જ આતંકવાદીઓએ પછીથી રૂપિન કત્યાલની હત્યા કરી હતી એ વાત અલગ છે. હાઈજેકર આતંકવાદીઓને એટલા ડાહ્યાડમરા બતાવવામાં આવ્યા છે કે એક એર હોસ્ટેસને ઘરે પિતાના હાલચાલ પૂછવા કોલ કરવા માટે પણ પરવાનગી આપે છે અને મજાની વાત હજુ બાકી છે. તેઓ મુસાફરો સાથે વિમાનમાં અંતાક્ષરી પણ રમે છે. સાથે સરકારી ખાતું પણ બેદરકાર બતાવાયું છે અને રૉ અને NSA અજિત ડોભાલના ચિત્રણમાં પણ ખામી છે. 

    આ બધું થયું તો સરકાર પણ બેઠી થઈ અને નેટફ્લિક્સ અને ફિલ્મ નિર્માતાઓને નોટિસ પાઠવીને જવાબ માગ્યો. આખરે નેટફ્લિક્સે એક ‘ડિસ્ક્લેમર’ નાખવાની તૈયારી બતાવી અને પછી તેવું કર્યું પણ ખરું. તેમાં શરૂઆતમાં આતંકવાદીઓનાં સાચાં નામો દર્શાવવામાં આવ્યાં. પણ આમાં રાજી થવા જેવું કશું જ નથી. 

    ડિસ્ક્લેમર ફિલ્મ કે સિરીઝની શરૂઆતમાં થોડી સેકન્ડો માટે ફ્લેશ થાય છે. તમે કહો છેલ્લે ક્યારે આખું ડિસ્કલેમર વાંચ્યું હતું? આપણે અતિ મહત્વનાં ડૉક્યુમેન્ટ્સ પણ સંપૂર્ણ વાંચ્યા વગર નીચે સહી કરી દેનારા લોકો છીએ, તો શું કોઇ ફિલ્મ જોવા બેઠેલો માણસ આખું અસ્વીકરણ વાંચવાની તસ્દી લે? પ્લસ, મોટાભાગનાં OTT માધ્યમો પર એક સુવિધા હોય છે- ‘સ્કિપ ધ ઈન્ટ્રો’. એટલે શરૂઆતની થોડી ક્ષણો તમે કુદાવીને સીધા મુદ્દા પર આવી શકો. હવે કહો કે ડિસ્ક્લેમર ચાલતું હોય ત્યારે કયો માણસ ‘સ્કિપ ધ ઈન્ટ્રો’ કરવાની ચળ દબાવીને બેસી રહેવાનો? 

    બીજું, ડિસ્ક્લેમર તો શરૂઆતમાં આવ્યું. સિરીઝમાંથી વચ્ચેથી ક્યાંક કોઈ દ્રશ્યની ક્લિપ્સ ઉઠાવીને ફરતી કરી દેવાઇ તો કેવું ડિસ્ક્લેમર ને કેવી સ્પષ્ટતા? તેમાં તો નામો એ જ છે, જેને લઈને વિવાદ થયો હતો. 

    ટૂંકમાં, આ ડિસ્કલેમર દર્શાવવાથી માંડીને પછી સ્પષ્ટતા કરવાની વાતો બેતુકી છે અને તેનો કોઇ અર્થ રહેતો નથી. એક છટકબારી સિવાય કશું જ નથી. અમે તો ડિસ્ક્લેમર નાખી દીધું, હવે છૂટ! આવું એક નહીં ભૂતકાળમાં પણ ઘણી ફિલ્મો સાથે થયું છે. પણ આ કિસ્સામાં માત્ર નામોને લઈને સ્પષ્ટતા કરવામાં આવી હોય તોપણ અંદર જે પ્રોપગેન્ડા ચલાવાયો છે તે ભૂંસાઈ જવાનો નથી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં