વડાપ્રધાન બનતાંની સાથે જ નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા ‘સ્વચ્છ ભારત મિશન’ને 2 ઑક્ટોબર, 2024ના રોજ 10 વર્ષ પૂર્ણ થશે. ત્યારે 10 વર્ષમાં આ મિશન કેટલું સફળ થયું અને જમીન પર તેની શું અસર થઈ તેની ઉપર સંશોધન કરીને પ્રતિષ્ઠિત ઇન્ટરનેશનલ સાયન્સ જર્નલ ‘નેચર’માં એક અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો છે. આ અભ્યાસ અનુસાર, આ સ્વચ્છ ભારત મિશનના કારણે શિશુઓના મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો અને તેના કારણે વાર્ષિક 60થી 70 હજાર શિશુઓને બચાવી લેવામાં આવ્યાં. પાંચ સંશોધકોએ તૈયાર કરેલા અહેવાલનું શીર્ષક છે- ‘સ્વચ્છ ભારત મિશન હેઠળ શૌચાલય નિર્માણ અને ભારતમાં બાળ મૃત્યુદર.’
2 ઑક્ટોબર, 2014ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘સ્વચ્છ ભારત મિશન’ની શરૂઆત કરી હતી. આ મિશનનો ઉદ્દેશ્ય 2020 સુધીમાં ભારતના લોકોને ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્ત કરવાનો હતો. સરકારે આટલાં વર્ષોમાં 100 મિલિયનથી વધુ ઘરોમાં શૌચાલયની સુવિધા પહોંચાડી હતી તથા 6 લાખથી વધુ ગામોને ખુલ્લામાં શૌચથી મુક્ત જાહેર કરવામાં આવ્યાં છે.
ઇન્ટરનેશનલ સાયન્સ જર્નલમાં પ્રકાશિત થયેલા અહેવાલ અનુસાર, આ મિશનનો અમલ શરૂ થયા બાદ શિશુ અને બાળમૃત્યુદરમાં (5 વર્ષથી ઓછી ઉંમરના) અગાઉનાં વર્ષો કરતાં ઝડપી ઘટાડો જોવા મળ્યો હતો. આ અહેવાલ માટે પાંચ સંશોધકોએ સંશોધન હાથ ધર્યું હતું. આ પાંચ સંશોધકોમાં સંશોધકો, સુમન ચક્રવર્તી, સોયરા ગુને, ટિમ એ બ્રુકનર, જુલી સ્ટ્રોમિંગર અને પાર્વતી સિંહનો સમાવેશ થાય છે.
લેખ અનુસાર ભારતમાં ‘સ્વચ્છ ભારત મિશન’ અને શિશુ મૃત્યુ દર અને બાળ મૃત્યુદર વચ્ચેના જોડાણની તપાસ કરવા માટે અર્ધ-પ્રાયોગિક અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ અભ્યાસ અંતર્ગત વર્ષ 2010-2020ના દસ વર્ષના સમયગાળા માટે ભારતનાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો અને 640 જિલ્લાઓના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.
આ લેખનો અભ્યાસ જણાવે છે કે, “ભારતમાં સ્વચ્છ ભારત મિશન પહેલાં અને પછીના સમયગાળાની સરખામણી કરવામાં આવે તો શિશુ અને બાળ મૃત્યુદરમાં ઝડપી ઘટાડો જોવા મળ્યો છે. અભ્યાસ પરથી કરવામા આવેલાં અનુમાનોના આધારે શૌચાલયની વ્યવસ્થાએ અંદાજે વાર્ષિક 60,000-70,000 બાળમૃત્યુને ટાળવામાં ફાળો આપ્યો હશે.” આગળ કહેવામાં આવ્યું કે, ભારતમાં અગાઉ ખુલ્લામાં શૌચનું પ્રમાણ ખૂબ વધારે હતું, પરંતુ સ્વચ્છ પાણી તેમજ સેનિટેશન સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના કારણે મૃત્યુદરમાં ઘટાડો નોંધાયો છે. ખુલ્લામાં શૌચના કારણે ડાયેરિયા જેવા ચેપ લાગી શકે અને તે નાનાં બાળકો માટે જીવલેણ નીવડી શકે છે. આ મિશન હેઠળ સેનિટેશન સુવિધા ઉપલબ્ધ થવાના કારણે આ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓમાં પણ ઘટાડો થયો અને તે દર્શાવે છે કે મધ્યમ આવક ધરાવતા દેશોમાં જનસ્વાસ્થ્ય માટે સેનિટેશનનું મહત્વ કેટલું છે.
અભ્યાસમાં થ્રેશોલ્ડ ઈફેક્ટના પણ પ્રમાણ મળ્યાં હોવાનું કહીને અહેવાલમાં જણાવવામાં આવ્યું કે, જિલ્લા સ્તરે 30 ટકા કે તેથી વધુ શૌચાલય કવરેજના કારણે બાળ મૃત્યુદરમાં સીધો ઘટાડો જોવા મળ્યો છે. આ અધ્યયન ભારતમાં વ્યાપક સ્તરે શરૂ કરવામાં આવેલા રાષ્ટ્રીય સ્વચ્છતા કાર્યક્રમ બાદ શિશુ મૃત્યુદરમાં આવેલ ઘટાડાનાં પ્રમાણ દર્શાવે છે, જે સ્વચ્છ ભારત મિશનની પરિવર્તનકારી ભૂમિકા પણ દર્શાવે છે.
આ લેખ અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આનંદ વ્યક્ત કરતાં X પર પોસ્ટ કરી હતી. તેમણે લખ્યું હતું કે “સ્વચ્છ ભારત મિશન જેવા પ્રયત્નોની અસરને પ્રકાશિત કરતું સંશોધન જોઈને આનંદ થયો. શિશુ અને બાળ મૃત્યુદર ઘટાડવામાં શૌચાલયની યોગ્ય જગ્યાએ પહોંચ નિર્ણાયક ભૂમિકા ભજવે છે. સ્વચ્છ, સલામત સ્વચ્છતા જાહેર આરોગ્ય માટે ગેમ-ચેન્જર બની છે. અને મને આનંદ છે કે ભારતે આમાં આગેવાની લીધી છે.”
Happy to see research highlighting the impact of efforts like the Swachh Bharat Mission. Access to proper toilets plays a crucial role in reducing infant and child mortality.
— Narendra Modi (@narendramodi) September 5, 2024
Clean, safe sanitation has become a game-changer for public health. And, I am glad India has taken the…
ઉલ્લેખનીય છે કે આ અહેવાલ અનુસાર વર્ષ 2003માં મોટાભાગના જિલ્લાઓમાં જન્મેલા બાળકોનો બાળ મૃત્યુદર 1000એ 60 હતો. આ જિલ્લાઓમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, ઓડિશા, તેલંગાણા, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, આસામ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશના જિલ્લાઓનો સમાવેશ થાય છે. વર્ષ 2020માં દર 1000 બાળકોએ બાળ મૃત્યુદર 30 થવા પામ્યો હતો.