લગભગ છેલ્લાં અઢી વર્ષથી રશિયા-યુક્રેન (Russia-Ukraine) વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધની અસર આ બે દેશો સિવાય વ્યાપારિક અને રાજનીતિક રીતે જોડાયેલા વિશ્વના અનેક દેશોને થઈ અને યુદ્ધ અટકે તે માટેના પ્રયાસો પણ થયા, પરંતુ હજુ સુધી યુદ્ધવિરામ થયો નથી. આ બધા વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને (Vladimir Putin) એક કાર્યક્રમમાં અગત્યની વાત કહી. તેમણે કહ્યું કે તેઓ યુક્રેન સાથે વાતચીત કરવા તૈયાર છે અને ભારત, ચીન અને બ્રાઝિલ જેવા દેશો વાટાઘાટો માટે મધ્યસ્થતા કરી શકે એમ છે.
ગુરુવારે (5 સપ્ટેમ્બર) એક કાર્યક્રમ દરમિયાન પુતિને રશિયા-યુક્રેન યુદ્ધ પર ચર્ચા દરમિયાન આ વાતો કહી હતી. તેમણે કહ્યું હતું કે, રશિયા અને યુક્રેન વચ્ચે જ્યારે યુદ્ધ શરૂ થયું તેના એક અઠવાડિયા બાદ ઇસ્તંબૂલમાં વાટાઘાટો થઈ હતી અને જેમાં પ્રારંભિક અમુક બાબતો પર સહમતી પણ થઈ હતી, પરંતુ આ બાબતોનો પછી ક્યારેય અમલ થયો ન હતો. તેમણે ઉમેર્યું કે, હવે જો મધ્યસ્થી મંત્રણા ફરી શરૂ કરવામાં આવે તો ઇસ્તંબૂલમાં થયેલી આ પ્રાથમિક તબક્કાની વાટાઘાટોને આધાર બનાવીને આગળ ચર્ચા કરી શકાય તેમ છે.
રશિયાના વ્લાદિવોસ્તોક શહેરમાં રશિયાના ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમમાં એક સવાલ-જવાબના સત્રમાં બોલતાં પુતિને કહ્યું કે, “શું અમે તેમની (યુક્રેન) સાથે વાટાઘાટો કરવા તૈયાર છીએ? અમે મંત્રણા કરવાનો ક્યારેય ઇનકાર કર્યો નથી. પરંતુ મંત્રણા કેટલીક ક્ષણિક માંગણીઓના આધારે થવી જોઈએ નહીં. મંત્રણા ઇસ્તંબૂલમાં નક્કી થયેલા દસ્તાવેજોના આધારે થવી જોઇએ, જે તે સમયે લાગુ કરવામાં આવ્યા નહોતા.”
યુદ્ધની વાટાઘાટોની મધ્યસ્થતા કોણ કરી શકે, તે જણાવતાં પુતિને ઉમેર્યું હતું કે, તેઓ આ દેશોના વડાઓ સાથે સતત સંપર્કમાં રહ્યા છે. “અમને અમારા મિત્રો, સાથીઓ પ્રત્યે આદર છે, જેમને મને લાગે છે કે આ વિવાદનો અંત લાવવામાં ખરેખર રસ છે. જેમાં પીપલ્સ રિપબ્લિક ઑફ ચાઈના, બ્રાઝિલ અને ભારતનો સમાવેશ થાય છે. આ બાબત પર હું સતત નેતાઓની સાથે સંપર્કમાં રહ્યો છું અને કોઇ શંકા નથી કે આ દેશના નેતાઓ સાથે આપણા મૈત્રીપૂર્ણ સંબંધો રહ્યા છે અને તેઓ આ જટિલ પ્રક્રિયામાં તમામ મદદ કરવા માટે તૈયાર છે અને પ્રયાસો કરી રહ્યા છે.”
વધુમાં પુતિને કહ્યું કે, “સમગ્ર મુદ્દો એ છે કે અમને કરાર સુધી પહોંચવામાં સફળતા મળી છે. આ કરારની શરૂઆત કરનાર યુક્રેનના પ્રતિનિધિમંડળના વડાના હસ્તાક્ષર સાક્ષી આપે છે કે યુક્રેનિયન પક્ષ થયેલા કરારોથી સંતુષ્ટ હતો.” આગળ તેમણે યુરોપિયન દેશો પર નિશાન સાધતાં કહ્યું કે, “તે કરાર માત્ર એટલા માટે અમલમાં નથી આવ્યા કારણ કે યુનાઇટેડ સ્ટેટ્સ, યુરોપના કેટલાક યુરોપિયન દેશો રશિયાની વ્યૂહાત્મક હાર જોવા માંગતા હતા અને તેથી યુક્રેનને કરાર પર અમલ ન કરવા માટે કહેવામાં આવ્યું હતું.”
અહીં નોંધવું જોઈએ કે તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક મહિનાના સમયગાળામાં આ બંને દેશોની મુલાકાત લીધી હતી. તેઓ પ્રથમ રશિયાની મુલાકાતે ગયા હતા અને ત્યારબાદ ગત ઑગસ્ટ મહિનામાં જ યુક્રેનની યાત્રાએ પણ હતા. બંને દેશોમાં તેમનું ઉષ્માપૂર્ણ સ્વાગત થયું હતું અને બંને રાષ્ટ્રાધ્યક્ષોએ તેમની સાથે યુદ્ધથી માંડીને દ્વિપક્ષીય સંબંધો વગેરે મામલે વિગતે ચર્ચા કરી હતી.