Thursday, September 19, 2024
More
    હોમપેજદુનિયાપયગંબરના અપમાનના આરોપસર હિંદુ યુવકનું મૉબ લિન્ચિંગ થયું હોવાના સમાચાર પ્રકાશિત કરીને...

    પયગંબરના અપમાનના આરોપસર હિંદુ યુવકનું મૉબ લિન્ચિંગ થયું હોવાના સમાચાર પ્રકાશિત કરીને બાંગ્લાદેશી મીડિયાએ હટાવ્યા, સરકારે કહ્યું- હુમલો થયો હતો, પણ હાલ યુવક સારવાર હેઠળ

    કોલેજમાં અભ્યાસ કરતા 18 વર્ષીય યુવક ઉત્સવ મંડલને પહેલાં પયગંબરના અપમાનના આરોપસર પકડીને પોલીસ મથકે લઇ જવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં ઇસ્લામી કટ્ટરપંથીઓનાં ટોળાં એકઠાં થઈ ગયાં હતાં અને તેને સોંપી દેવાની માંગ ઉઠી રહી હતી.

    - Advertisement -

    ઈશનિંદાના નામે ટોળાં હિંદુ અને અન્ય લઘુમતીઓની હત્યા કરી નાખે તેવા મામલાઓ અત્યાર સુધી પાકિસ્તાનમાં સામે આવતા હતા ત્યારે હવે નવી વચગાળાની સરકાર બન્યા બાદ બાંગ્લાદેશ પણ નવું પાકિસ્તાન બની રહ્યું હોય તેમ જણાય રહ્યું છે. તાજેતરમાં બાંગ્લાદેશમાં એક મોબ લિન્ચિંગનો મામલો સામે આવ્યો. જેમાં મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો કે એક હિંદુ યુવકની પયગંબર પર ટિપ્પણી કરવાના આરોપસર ટોળાએ હત્યા કરી નાખી. પરંતુ થોડા જ કલાકોમાં અહેવાલો હટાવી લેવામાં આવ્યા અને હવે જાણવા મળ્યા અનુસાર યુવક જીવિત છે અને હૉસ્પિટલમાં સારવાર લઇ રહ્યો છે.

    હટાવી લેવામાં આવેલા આ અહેવાલોમાં અપાયેલી વિગતો અનુસાર, કોલેજમાં અભ્યાસ કરતા 18 વર્ષીય યુવક ઉત્સવ મંડલને પહેલાં પયગંબરના અપમાનના આરોપસર પકડીને પોલીસ મથકે લઇ જવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં ઇસ્લામી કટ્ટરપંથીઓનાં ટોળાં એકઠાં થઈ ગયાં હતાં અને તેને સોંપી દેવાની માંગ ઉઠી રહી હતી. આખરે ટોળાએ હિંદુ યુવકને પોલીસના કબજામાંથી ઉઠાવી લઈને હત્યા કરી નાખી હતી. ઘટના બાંગ્લાદેશના ખુલના જિલ્લાના સોનાડાંગાની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. 

    સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અહીંની આઝમ ખાન કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતા એક ઉત્સવ મંડલ (18) નામના યુવક પર સોશિયલ મીડિયા પર પયગંબર મોહમ્મદનું અપમાન કરવાનો આરોપ લગાવી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ અમુક યુવકો તેને પકડી લઈને ડેપ્યુટી પોલીસ કમિશનરની કચેરીએ લઇ ગયા હતા. 

    - Advertisement -

    બીજી તરફ, થોડા સમય બાદ અહીં ટોળાં એકઠાં થવા માંડ્યાં હતાં અને યુવક સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠવા માંડી. રિપોર્ટ્સ જણાવી રહ્યા છે કે પરિસ્થિતિ તંગ બનતાં સેના અને નેવીની ટીમો પણ સ્થળ પર પહોંચી હતી. પોલીસનું કહેવું છે કે જ્યારે યુવકને પોલીસ મથકની બહાર લઇ જવામાં આવી રહ્યો હતો ત્યારે ટોળાંએ તેને ખેંચી કાઢીને મારપીટ શરૂ કરી દીધી હતી. ઘટનાના અમુક વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. 

    એક સ્થાનિક મીડિયાના રિપોર્ટ અનુસાર, આરિફ નામના એક તે જ કોલેજમાં અભ્યાસ કરતા ઇસમે આ મોબ લિન્ચિંગને યોગ્ય ઠેરવીને કહ્યું કે, “કોલેજના પહેલા જ વર્ષમાં આ પ્રકારની હિંમત ક્યાંથી આવે છે? મેં તેને પહેલાં પણ ચેતવણી આપી હતી, પણ તેણે સાંભળ્યું ન હતું.” અન્ય એક મુસ્લિમ યુવકે પણ આ કૃત્યનો બચાવ કરતાં કહ્યું કે, ઉત્સવે એવી ભાષામાં પયગંબરનું અપમાન કર્યું હતું, જે ભાષામાં લોકો પણ એકબીજા સાથે વાત નથી કરતા. 

    આ બધા વચ્ચે પોલીસે પણ હાથ ઉંચા કરી દીધા હોય તેમ જણાય રહ્યું છે. અધિકારીઓએ કહ્યું કે, “અમે લોકોને કડક કાર્યવાહીનું આશ્વાસન આપ્યું હતું, પણ ઉશ્કેરાયેલા ટોળાએ તેની હત્યા કરી નાખી.” ટોળા સામે કોઇ કાર્યવાહી કરવામાં આવી હોવાનું હજુ સુધી કંઈ જાણવા મળ્યું નથી. 

    નોંધનીય છે કે અત્યાર સુધી પાકિસ્તાનમાં આવા ઘણા કિસ્સાઓ સામે આવતા હતા. અહીં ઈશનિંદા અને ઈસ્લામના અપમાનના નામે હિંદુઓ કે અન્ય લઘુમતીઓને પહેલાં પોલીસ મથકે લઇ જવામાં આવે છે અને ત્યારબાદ ટોળું એકઠું થઈને પોલીસ મથક ઘેરી લે છે. પોલીસ જે-તે આરોપીને સોંપી દે છે અને ટોળું મોબ લિન્ચિંગ કરી નાખે છે. બાંગ્લાદેશમાં પણ હવે આવું શરૂ થયું છે. એક તરફ વચગાળાની સરકાર જેમના વડપણ હેઠળ ચાલી રહી છે એ મોહમ્મદ યુનુસ હિંદુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાની વાત કરે છે, પણ જમીન પર પરિસ્થિતિ જુદી જણાય રહી છે. 

    બાંગ્લાદેશી મીડિયાએ હટાવી લીધા સમાચારો

    આ મામલે બાંગ્લાદેશની ત્રણ મીડિયા સંસ્થાઓએ અહેવાલો પ્રકાશિત કર્યા હતા અને ઉપરની તમામ વિગતો તેમાંથી જ લેવામાં આવી હતી. પરંતુ થોડા જ કલાકોમાં આ ત્રણેય રિપોર્ટ વારાફરતી હટાવી દેવામાં આવ્યા. જેમાં ‘ઢાકા પોસ્ટ’, ‘એસખોબોર’ અને ‘સમકાલ’નો સમાવેશ થાય છે. હાલ આ ત્રણેય અહેવાલો ખોલતાં ‘એરર 404’ જોવા મળે છે. રિપોર્ટ શા માટે હટાવવામાં આવ્યા તે પાછળ કોઈ કારણ જાણવા મળ્યું નથી. બીજી તરફ ઘટનાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

    યુવક જીવિત, સારવાર લઇ રહ્યો છે: સરકારનું નિવેદન

    તાજા જાણકારી અનુસાર, આ યુવક હાલ જીવિત છે અને હૉસ્પિટલમાં સારવાર લઇ રહ્યો છે. અધિકારિક નિવેદનમાં જણાવવામાં આવ્યું કે, 4 સપ્ટેમ્બરના રોજ 22 વર્ષીય યુવકની પયગંબર મોહમ્મદનું અપમાન કરતી સોશિયલ મીડિયા પોસ્ટ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ 3થી 5 હજાર લોકોનું ટોળું પોલીસ મથકે ધસી આવ્યું હતું અને વ્યક્તિને જાહેરમાં સજા આપવાની માંગ કરી હતી. પરિસ્થિતિ જોતાં સશસ્ત્ર સેનાઓ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી. 

    આગળ કહેવામાં આવ્યું કે, ટોળામાંથી અમુક ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસની ઑફિસમાં ઘૂસી ગયા હતા અને આ વ્યક્તિ પર હુમલો કરી દીધો હતો. પરંતુ સેનાએ પછીથી તેને બચાવી લીધો હતો. હાલ તે સેનાની દેખરેખ હેઠળ સારવાર લઇ રહ્યો છે. નિવેદનમાં કહેવામાં આવ્યું કે, સ્વસ્થ થયા બાદ યુવકને તપાસ કરતી એજન્સીઓને સોંપી દેવામાં આવશે. 

    (નોંધ: તાજા જાણકારી અને સરકારના અધિકારિક નિવેદનના આધારે રિપોર્ટને અપડેટ કરવામાં આવ્યો છે.)

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં