Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઇઝરાયેલની ગાઝા પર એરસ્ટ્રાઈક: આતંકી સંગઠનોનાં ઠેકાણાંને નિશાન બનાવ્યાં, ઇસ્લામિક જેહાદના ટોપ...

    ઇઝરાયેલની ગાઝા પર એરસ્ટ્રાઈક: આતંકી સંગઠનોનાં ઠેકાણાંને નિશાન બનાવ્યાં, ઇસ્લામિક જેહાદના ટોપ કમાન્ડર સહિત 15નાં મોત

    હમાસના એક આતંકવાદીની ધરપકડ બાદ હુમલાની આશંકાને જોતાં ઇઝરાયેલી સેનાએ હુમલો કરી દીધો હતો.

    - Advertisement -

    ઇઝરાયેલે ફરી ગાઝા પટ્ટી પર એરસ્ટ્રાઈક કરવાનું શરૂ કર્યું છે. શુક્રવારે ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સે ગાઝા વિરુદ્ધ સૈન્ય ઓપરેશન શરૂ કર્યું હતું, જેમાં ઇઝરાયેલની એરસ્ટ્રાઈકમાં ઇસ્લામિક જેહાદના એક સિનિયર કમાન્ડર માર્યો ગયો છે. આ ઉપરાંત, આ કાર્યવાહીમાં અન્ય 15 લોકોનાં મોત થયાં હોવાનું કહેવાય છે. 

    ઇઝરાયેલની સેના તરફથી કહેવામાં આવ્યું છે કે તેમણે એરસ્ટ્રાઈક કરીને ગાઝામાં પેલેસ્ટાઇન ઇસ્લામિક જેહાદ મુવમેન્ટ સાથે જોડાયેલાં ઠેકાણાંને નિશાન બનાવ્યાં હતાં અને બૉમ્બમારો કર્યો હતો. આ એરસ્ટ્રાઈકમાં 15 માર્યા ગયા હોવાની પુષ્ટિ થઈ છે જ્યારે સ્થાનિક આરોગ્ય અધિકારીઓએ 40થી વધુ લોકો ઈજાગ્રસ્ત હોવાનું કહ્યું છે. 

    ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સના એક અધિકારીએ મીડિયાને જણાવ્યું કે, “ઓપરેશનમાં 15 લોકો માર્યા ગયા હોવાનું અમારું અનુમાન છે. જોકે, હજુ ઓપરેશન સમાપ્ત થયું નથી.” સેનાએ જણાવ્યું કે, અમે સંઘર્ષ ઇચ્છતા નથી, પરંતુ જરૂર પડી તો અમારા નાગરિકોની સુરક્ષા કરવામાં કોઈ કસર બાકી રાખવામાં આવશે નહીં. 

    - Advertisement -

    વાસ્તવમાં, સોમવારે વેસ્ટ બેન્કમાં એક રેડ દરમિયાન હમાસના એક આતંકવાદીની ધરપકડ કરી લેવામાં આવી હતી. જે બાદ ઇઝરાયેલ ઉપર હુમલાની  આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. જેથી ઇઝરાયેલ સરકારે સાવચેતીના ભાગરૂપે ગાઝાની આસપાસનો વિસ્તાર બંધ કરીને સૈન્ય ખડકી દીધું હતું. જોકે, આતંકી સંગઠનો કોઈ પગલું ભરે તે પહેલાં જ ઇઝરાયેલી સેનાએ હુમલો કરી દીધો હતો. 

    અમારા નાગરિકોની સુરક્ષા માટે જે કંઈ કરવું પડે એ કરીશું: ઇઝરાયેલ પીએમ 

    ઇઝરાયેલના વડાપ્રધાન યૈર લેપિડે એક સંબોધનમાં જણાવ્યું કે, “સેનાએ હુમલાની આશંકા અને જોખમને જોતાં કાઉન્ટર ટેરર ઓપરેશન ચલાવ્યું છે. અમારી લડાઈ ગાઝાના નિર્દોષ નાગરિકો સાથે નથી. પરંતુ ઇસ્લામિક જેહાદ ઈરાનની મદદથી ઇઝરાયેલને નષ્ટ કરવા માંગે છે અને અમારા નિર્દોષ નાગરિકોને મારવા માંગે છે. અને અમે અમારા નાગરિકોની સુરક્ષા માટે જે કંઈ પણ કરવું પડે તે કરીશું.” તેમણે ઉમેર્યું કે, “ઇઝરાયેલને નુકસાન પહોંચાડવાના ઈરાદા રાખનારાઓ યાદ રાખે કે અમે ગમે ત્યાંથી તમને શોધી કાઢીશું.”

    બીજી તરફ, પેલેસ્ટાઇનમાં સક્રિય હમાસના સાથી સંગઠન ઇસ્લામિક જેહાદે એક નિવેદન જારી કરીને તેનો ટોપ કમાન્ડર અલ-જાબરી માર્યો ગયો હોવાની પુષ્ટિ કરી હતી. ઇઝરાયેલી સેના અનુસાર, જાબરી હમાસ અને ઇસ્લામિક જેહાદ વચ્ચેનો મુખ્ય કૉ-ઓર્ડિનેટર હતો. 

    પેલેસ્ટાઇન તરફથી ઇઝરાયેલ પર રોકેટમારો કરાયો

    ઇઝરાયેલની એર-સ્ટ્રાઈક બાદ પેલેસ્ટાઇનના આતંકી સંગઠનોએ પણ ઇઝરાયેલ તરફ રોકેટમારો ચલાવ્યો હતો. ઇસ્લામિક જેહાદે ઇઝરાયેલના તેલ-અવીવ પર હુમલો કરવાની ધમકી પણ આપી છે. બીજી તરફ, ઇઝરાયેલની સેનાએ ગાઝા પર હુમલો કરીને આતંકીઓના ઠેકાણાં નષ્ટ કરવાનાં ચાલુ રાખ્યાં છે. 

    ગાઝા ઇઝરાયેલની પશ્ચિમે આવેલો એક ચાળીસેક કિલોમીટર લાંબો વિસ્તાર છે. જે હાલ આતંકવાદી સંગઠન હમાસના નિયંત્રણ હેઠળ છે. હમાસે 2007માં ગાઝા પર કબજો કરી લીધો હતો. આટલા નાના વિસ્તારમાં લગભગ 20 લાખથી વધુ લોકો વસવાટ કરે છે. જેમાંથી મોટાભાગના લોકો ગાઝા શહેરમાં જ વસે છે, જેથી વસ્તીગીચતા પણ બહુ વધારે છે. 

    ઇઝરાયેલ અને ગાઝા વચ્ચે 2009 થી અત્યાર સુધીમાં પાંચેક વખત નાની-મોટી લડાઈ થઇ હતી. જેમાં સૌથી મોટું યુદ્ધ ગત વર્ષે મે મહિનામાં થયું હતું, જ્યારે ઇઝરાયેલની સેનાએ મોટાપાયે ઓપરેશન શરૂ કરીને ગાઝા પર હુમલો કરી દીધો હતો. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં