બિહારના બેગૂસરાય જિલ્લામાં જનતા દરબાર દરમિયાન કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંઘ પર એક યુવકે હુમલો કરી દીધો હતો. આરોપીએ કેન્દ્રીય મંત્રીને મુક્કો મારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સુરક્ષાકર્મીઓએ ઘટનાસ્થળે જ તેને દબોચી લીધો હતો. પોલીસે હાલ આરોપીને કસ્ટડીમાં લીધો છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. તેની ઓળખ AAP નેતા મોહમ્મદ સૈફી તરીકે થઈ હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંઘે આમ આદમી પાર્ટી (AAP)ના પૂર્વ જિલ્લા અધ્યક્ષ મોહમ્મદ સૈફી પર હોબાળો કરીને હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર વિડીયો પોસ્ટ કરીને પણ આ ઘટના વિશેની માહિતી આપી છે. હાલ વધુ તપાસ ચાલી રહી હોવાનું સામે આવ્યું છે.
ઘટનાની વિગતો અનુસાર, શનિવારે (31 ઑગસ્ટ) કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંઘ બલિયા સબ ડિવિઝન કાર્યાલયમાં આયોજિત જનતા દરબારમાં લોકો સાથે મુલાકાત કરી રહ્યા હતા અને લોકોની સમસ્યાઓને સાંભળી રહ્યા હતા. તે જ સમયે AAP નેતા મોહમ્મદ સૈફી ત્યાં આવી પહોંચ્યો હતો. પહેલાં તો તેણે માઇક છીનવી લીધું હતું અને પછી બેફામ વાણીવિલાસ શરૂ કરી દીધું હતું. દરમિયાન તેણે આપત્તિજનક નારા પણ લગાવ્યા હતા. ભાજપના કાર્યકરો અને સામાન્ય લોકોએ તેનો વિરોધ કર્યો તો આરોપીએ ગિરિરાજ સિંઘ તરફ મુક્કો ફેરવી દીધો હતો. જોકે, સ્થળ પર હાજર સુરક્ષાકર્મીઓએ તેને તાત્કાલિક ઝડપી પાડ્યો હતો.
‘હું ડરવાનો નથી’- ગિરિરાજ સિંઘ
કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંઘ પર હુમલો થયો હોવાના સમાચાર વહેતા થયા બાદ તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વિડીયો પોસ્ટ કરીને પોતાનું નિવેદન જારી કર્યું છે. તેમણે વિડીયોના કેપશનમાં લખ્યું કે, “હું ગિરિરાજ સિંઘ છું અને હંમેશા સમાજના હિતો માટે બોલતો રહીશ, સંઘર્ષ કરતો રહીશ. આ હુમલાઓથી હું ડરવાનો નથી. દાઢી-ટોપી જોઈને તેમને પંપાળવાવાળા લોકો આજે જોઈ લે કે, કઈ રીતે બેગૂસરાય, બિહાર સહિત આખા દેશમાં લેન્ડ જેહાદ – લવ જેહાદ અને સાંપ્રદાયિક તણાવ પેદા કરવામાં આવી રહ્યો છે.”
मैं गिरिराज हूँ और मैं हमेशा समाज के हितों के लिए बोलता रहूंगा,संघर्ष करता रहूंगा।
— Shandilya Giriraj Singh (@girirajsinghbjp) August 31, 2024
इन हमलों से मैं डरने वाला नहीं।
दाढ़ी-टोपी देखकर उनको पुचकारने और सहलाने वाले लोग आज देख लें कि किस प्रकार बेगुसराय बिहार सहित पूरे देश में लेंड जिहाद-लव जिहाद और साम्प्रदायिक तनाव पैदा किया जा… pic.twitter.com/iqu8ccnGuc
ઘટનાને લઈને પોતાના નિવેદનમાં ગિરિરાજ સિંઘે કહ્યું કે, “જનતા દરબારમાં તમામ અધિકારીઓ જનતાની સમસ્યાઓ સાંભળીને જવા લાગ્યા હતા. પહેલાં તો તેણે (આરોપી મોહમ્મદ સૈફીએ) બળજબરીથી માઇક લઈ લીધું અને બેફામ વાતો કરવા લાગ્યો. અમે સહન કરતાં-કરતાં આગળ નીકળી ગયા હતા. પછી મારા પર હુમલો કરતો હોય તેવો વ્યવહાર કર્યો અને મુર્દાબાદના નારા લગાવવા લાગ્યો.” તેમણે વધુમાં કહ્યું કે, “ગિરિરાજ સિંઘ આવી વસ્તુઓથી ડરવાનો નથી. જે પણ સાંપ્રદાયિક સૌહાર્દને બગાડશે તેની વિરુદ્ધ અમારો અવાજ ઉઠશે જ.’ ત્યારબાદ તેમણે વક્ફ બોર્ડ અને INDI ગઠબંધન સહિત તેજસ્વી યાદવને પણ આડેહાથ લીધા હતા.