કોલકાતા મહિલા ડૉક્ટરના રેપ-મર્ડર કેસને લઈને પ્રથમ વખત રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે નિવેદનમાં જણાવ્યું છે કે, તેઓ ઘટનાને લઈને ખૂબ જ નિરાશ છે અને ખૂબ ભયભીત પણ છે. આ સાથે જ તેમણે કહ્યું હતું કે, હવે આ બધુ બહુ થઈ ગયું છે. સાથે સમાજને ટકોર કરતાં તેમણે કહ્યું હતું કે, સમાજને આવી બધી ઘટનાઓ ભૂલી જવાની ખરાબ આદત પડી ગઈ છે. નોંધવા જેવું છે કે, પશ્ચિમ બંગાળમાં વિદ્યાર્થીઓ ‘નબન્ના પ્રદર્શન’ હેઠળ રસ્તા પર ઉતર્યા બાદ બંગાળ પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. જે ઘટના બાદ જ રાષ્ટ્રપતિની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ ‘વિમેન્સ સેફ્ટી: ઇનફ ઈઝ ઇનફ’નામનો એક લેખ લખ્યો હતો. જેના પર તેમણે મંગળવારે (27 ઑગસ્ટ) PTI સાથે ચર્ચા કરી હતી. દરમિયાન તેમણે પ્રથમ પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, કોઈ પણ સભ્ય સમાજ પોતાની બહેનો અને દીકરીઓ પર આ રીતના અત્યાચારની પરવાનગી નથી આપી શકતો. તેમણે વધુમાં કહ્યું કે, “કોલકાતામાં એક ડૉક્ટર પર દુષ્કર્મ અને હત્યાની ઘટનાએ આખા દેશને હલાવીને રાખી દીધો. જ્યારે મને આ વિશે જાણ થઈ ત્યારે હું સ્તબ્ધ અને ભયભીત હતી.”
President Droupadi Murmu releases a statement on the RG Kar Medical College and Hospital rape-murder incident.
— ANI (@ANI) August 28, 2024
"The gruesome incident of rape and murder of a doctor in Kolkata has left the nation shocked. I was dismayed and horrified when I came to hear of it. What is more… pic.twitter.com/JL74czCvKa
તેમણે વધુમાં કહ્યું કે, “તેનાથી પણ વધુ નિરાશાજનક વાત એ છે કે, આ આવી તે એકમાત્ર ઘટના નથી, તે મહિલા વિરુદ્ધ થયેલા અત્યાચારોની એક શૃંખલાનો ભાગ છે. કોલકાતામાં જ્યારે વિદ્યાર્થીઓ, ડૉક્ટરો અને નાગરિકો વિરોધ કરી રહ્યા હતા, ત્યારે પણ અપરાધીઓ અન્ય જગ્યા પર ફરી રહ્યા હતા. પીડિતોમાં કિંડરગાર્ટનની યુવતીઓ પણ સામેલ છે. કોઈપણ સભ્ય સમાજ દીકરીઓ અને બહેનો પર આ રીતના અત્યાચારની અનુમતિ આપી શકે નહીં. રાષ્ટ્રનું રોષે ભરાવું વ્યાજબી છે અને મારું પણ.”
તેમણે વધુમાં કહ્યું કે, “આપણી દીકરીઓ પ્રત્યેની આપણી એ જવાબદારી છે કે, આપણે તેના ભયથી મુક્ત થવાના માર્ગ પર આવતી તમામ સમસ્યાઓને દૂર કરીએ. ત્યારબાદ આપણે આવતા રક્ષાબંધન પર તે બાળકીઓની માસૂમ જિજ્ઞાસાનો દ્રઢ ઉત્તર આપી શકીશું. આવો આપણે સાથે મળીને કહીએ કે, બસ.. હવે બહુ થઈ ગયું.” રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ નિર્ભયા કાંડ બાદ થયેલી આ બધી ઘટનાઓને સમાજની સામૂહિક ભૂલ ગણાવી હતી અને તેમાં સુધાર લાવવા માટે સૌએ સાથે મળીને આગળ વધવું તેવી અપીલ કરી હતી.
તેમણે લોકોને અપીલ કરતાં કહ્યું હતું કે, “બસ.. હવે બહુ થયું, હવે સમય આવી ગયો છે કે ભારત મહિલાઓ વિરુદ્ધ થતાં અપરાધોની વિકૃતિઓ પ્રત્યે સજાગ થાય અને તે માનસિકતાને પડકારે, જે મહિલાઓને શક્તિહિન અને અસક્ષમ ગણે છે.” તેમણે મહિલાઓને માત્ર એક વસ્તુ ગણનારી માનસિકતાને ડામવા માટેની હાકલ કરી છે. આ સાથે જ તેમણે ભૂતકાળની ઘટનામાંથી શીખીને નવી યોજના બનાવવા માટેની પણ વાત કરી હતી.