Thursday, September 19, 2024
More
    હોમપેજગુજરાત‘અહેવાલમાં ભૂલ હતી, બિનશરતી માફી માગીએ છીએ’: હાઈકોર્ટની નોટિસ બાદ ‘સાચી વાત...

    ‘અહેવાલમાં ભૂલ હતી, બિનશરતી માફી માગીએ છીએ’: હાઈકોર્ટની નોટિસ બાદ ‘સાચી વાત બેધડક’વાળા દિવ્ય ભાસ્કરે પણ કોર્ટ કાર્યવાહીના ખોટા રિપોર્ટિંગ બદલ માફી માંગી

    'આ અહેવાલમાં એક ભૂલ હતી. એ અહેવાલ એવી છાપ પાડતો હતો કે હાઈકોર્ટે માઉન્ટ કાર્મેલ વિ ગુજરાત રાજ્ય અને અન્યોના કેસમાં આખરી નિર્ણય ફરમાવી દીધો છે. પણ વાસ્તવમાં હાઈકોર્ટે આ મામલે કોઈ આખરી નિર્ણય કે ચુકાદો આપ્યો ન હતો અને એ હજુ પડતર છે.'

    - Advertisement -

    અંગ્રેજી અખબારો ‘ટાઈમ્સ ઑફ ઇન્ડિયા’ અને ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ બાદ હવે દિવ્ય ભાસ્કરે પણ કોર્ટની કાર્યવાહીના ખોટા રિપોર્ટિંગ બદલ વાચકો અને ગુજરાત હાઈકોર્ટની માફી માંગી છે. અગાઉ કોર્ટ ત્રણેય અખબારોને ફટકાર લગાવીને નોટિસ પાઠવી હતી. ત્યારબાદ બે અંગ્રેજી અખબારોએ માફી માંગી લીધી હતી, જ્યારે ભાસ્કરે અગાઉની નોટિસનો જવાબ ન આપતાં કન્ટેમ્પ્ટ નોટિસ ફટકારવામાં આવી હતી. 

    દિવ્ય ભાસ્કરની શનિવાર (24 ઑગસ્ટ)ની આવૃત્તિના પહેલા પાને ખૂણામાં ‘જાહેર માફી’ સાથે લખવામાં આવ્યું હતું કે, ‘અમદાવાદની તા: 13-08-2024ની આવૃત્તિમાં ‘સંચાલકને શિક્ષક પસંદ કરવાનો અધિકાર મળે તો ભાઈ-ભત્રીજાની ભરતી થશે’ શીર્ષકથી અહેવાલ પ્રસિદ્ધ થયો હતો. આ અહેવાલમાં એક ભૂલ હતી. એ અહેવાલ એવી છાપ પાડતો હતો કે હાઈકોર્ટે માઉન્ટ કાર્મેલ વિ ગુજરાત રાજ્ય અને અન્યોના કેસમાં આખરી નિર્ણય ફરમાવી દીધો છે. પણ વાસ્તવમાં હાઈકોર્ટે આ મામલે કોઈ આખરી નિર્ણય કે ચુકાદો આપ્યો ન હતો અને એ હજુ પડતર છે.’

    આગળ લખ્યું છે, ‘આ અહેવાલના કારણે વાચકોમાં કોર્ટ પ્રોસિડિંગ બાબતે ખોટી સમજ ઉભી થઈ હોય તો તે બદલ અમે અમારા વાચકોની માફી માંગીએ છીએ. આ અખબાર હાઈકોર્ટની ગરિમા અને દરજ્જાને શ્રેષ્ઠતમ આદર અને માન આપે છે અને અમે અમારા ખોટા રિપોર્ટિંગના કારણે ન્યાય પાલિકા અને ન્યાયતંત્રની છબી અને ગરિમાને હાનિ પહોંચી હોય તો દિલગીરી વ્યક્ત કરીએ છીએ અને બિનશરતી માફી માગીએ છીએ.’ ભાસ્કરે અંતે લખ્યું કે, ‘ભવિષ્યમાં આ પ્રકારની ભૂલ કે ક્ષતિ ન થાય તે માટે અમે હવેથી વધુ સજાગ અને સાવધ રહીશું તેની ખાતરી આપીએ છીએ.’ 

    - Advertisement -

    નોંધનીય છે કે અગાઉ શુક્રવારની આવૃત્તિમાં ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ અને ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ દ્વારા પણ પહેલા પાને આ જ પ્રકારે માફી માંગવામાં આવી હતી. 

    શું છે સમગ્ર મામલો? 

    વાસ્તવમાં આ મામલો ગત 12-13 ઑગસ્ટનો છે. ગુજરાત હાઈકોર્ટ લઘુમતીઓ દ્વારા સંચાલિત શિક્ષણ સંસ્થાઓને નિયંત્રિત કરવા માટે રાજ્ય સરકારે બનાવેલા કાયદાને પડકારતી એક સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન પર સુનાવણી કરી રહી છે. 12 ઑગસ્ટની સુનાવણી બાદ બીજા દિવસે છાપાંઓએ કોર્ટનાં અવલોકનો પરથી અહેવાલો પ્રકાશિત કર્યા હતા. 

    આ રિપોર્ટિંગનો મામલો પછીથી કોર્ટમાં પહોંચ્યો હતો. કોર્ટે નોંધ્યું હતું કે, ‘આ ન્યૂઝ આઇટમો એવી રીતે તૈયાર કરવામાં આવી છે, જે વાંચીને એવું લાગી શકે કે પોતાની પસંદગીના શિક્ષકોની નિમણૂક કરવાના લઘુમતી સંસ્થાઓના અધિકારો તેમજ લઘુમતીઓ દ્વારા ચાલતી શિક્ષણ સંસ્થાઓને નિયંત્રિત કરવાની રાજ્ય સરકારની સત્તા મામલે કોર્ટે પોતાનો અભિપ્રાય બનાવી લીધો છે.’ કોર્ટનું કહેવું હતું કે તેમનાં અવલોકનોને ખોટી રીતે રિપોર્ટ કરવામાં આવ્યાં હતાં. 

    ત્યારબાદ 13 ઑગસ્ટના રોજ કોર્ટે ત્રણેય અખબારોને નોટિસ પાઠવી હતી. જેના આદેશમાં જણાવવામાં આવ્યું હતું કે, ‘કોર્ટનાં અવલોકનોના સનસનાટીભર્યા રિપોર્ટિંગથી સામાન્ય જનતાને એવો સંદેશ જશે કે કોર્ટે મામલામાં પોતાનો અભિપ્રાય બનાવી લીધો છે, જે બીજું કશું જ નહીં પણ કોર્ટની કાર્યવાહીનું અવળું અર્થઘટન છે. આ પ્રકારે જે કોર્ટ કેસમાં સુનાવણી ચાલી રહી હોય તેના આવા સનસનાટીભર્યા રિપોર્ટિંગ પર ધ્યાન આપવામાં આવે તે જરૂરી છે. આથી અમે ‘ધ ટાઈમ્સ ઑફ ઇન્ડિયા’, ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ અને ‘દિવ્ય ભાસ્કર’ના તંત્રીઓને નોટિસ પાઠવી રહ્યા છીએ.’ 

    નોટિસ મળ્યા બાદ 22 ઑગસ્ટની સુનાવણીમાં બે અંગ્રેજી અખબારોના વકીલો કોર્ટમાં હાજર રહે હતા અને કોર્ટ સમક્ષ એફિડેવિટ દાખલ કર્યું હતું. જોકે, કોર્ટે કહ્યું હતું કે આવા એફિડેવિટ કે માફીનો કોઇ અર્થ નથી અને તેઓ અખબારના પહેલા પાને બિનશરતી માફી માગે. ત્યારબાદ અંગ્રેજી અખબારોએ તેમ કરવાની તૈયારી દર્શાવી હતી. બીજી તરફ, નોટિસ મળ્યા બાદ પણ દિવ્ય ભાસ્કર તરફથી કોર્ટમાં કોઇ હાજર ન રહેતા આદેશના ઉલ્લંઘન બદલ કન્ટેમ્પ્ટ ઑફ કોર્ટની કાર્યવાહી કેમ શરૂ ન કરવામાં આવે તેનો ખુલાસો માંગતી નોટિસ ફટકારવા માટે આદેશ કરવામાં આવ્યો હતો. આખરે ભાસ્કરે પણ માફી માંગી લીધી છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં