શનિવારે (24 ઑગસ્ટ) વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક બોલાવવામાં આવી હતી. બેઠક દરમિયાન એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રની મોદી સરકારે એક મહત્વપૂર્ણ જાહેરાત કરતાં નવી પેન્શન યોજનાની ઘોષણા કરી છે. જેનું નામ યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS) હશે. મોદી સરકારની કેબિનેટમાં સહમતીથી આ યોજના પર મહોર લગાવવામાં આવી છે. આ યોજના હેઠળ, જો કોઈ સરકારી કર્મચારીએ ઓછામાં ઓછા 25 વર્ષ સુધી કાર્ય કર્યું તો રિટાયરમેન્ટ પહેલાંના છેલ્લા 12 મહિના બેસિસ પર તેમને 50% વેતન પેન્શન તરીકે આપવામાં આવશે. તે સિવાય પણ આ યોજનામાં અનેક મહત્વપૂર્ણ જોગવાઈઓ કરવામાં આવી છે.
યુનિફાઇડ પેન્શન યોજના હેઠળ જો કોઈ પેન્શનરનું મૃત્યુ થાય છે, તો તેના પરિવારને કર્મચારીના મૃત્યુના સમય સુધી મળેલા પેન્શનના 60% આપવામાં આવશે. આ ઉપરાંત જો કોઈ કર્મચારી 10 વર્ષ પછી નોકરી છોડી દે છે, તો તેને 10,000 પેન્શન તરીકે આપવાની પણ જોગવાઈ કરવામાં આવી છે. UPSનો મુખ્ય ઉદ્દેશ્ય સરકારી કર્મચારીઓને ખાતરીપૂર્વકનું પેન્શન, કુટુંબ પેન્શન અને ખાતરીપૂર્વકનું લઘુત્તમ પેન્શન આપવાનો છે. વડાપ્રધાન મોદીએ X પર પોસ્ટ કરીને આ યોજનાને કર્મચારીઓની ગરિમા અને આર્થિક સુરક્ષા સુનિશ્ચિત કરનારી ગણાવી છે.
देश की प्रगति के लिए कठिन परिश्रम करने वाले सभी सरकारी कर्मचारियों पर हमें गर्व है। यूनिफाइड पेंशन स्कीम (UPS) इन कर्मचारियों की गरिमा और आर्थिक सुरक्षा को सुनिश्चित करने वाली है। यह कदम उनके कल्याण और सुरक्षित भविष्य के लिए हमारी सरकार की प्रतिबद्धता को दर्शाता है।…
— Narendra Modi (@narendramodi) August 24, 2024
આ ઉપરાંત કર્મચારીઓને મોંઘવારી ઈન્ડેક્સેશનનો લાભ પણ આપવામાં આવશે, તે સિવાય રિટાયરમેન્ટ પર ગ્રેચ્યુટી ઉપરાંત ભેગી થયેલી રાશિ અલગથી આપવામાં આવશે. દર 6 મહિનાની સેવાના બદલે માસિક વેતન (વેતન+DA)નો દસમો ભાગ જોડાઈને રિટાયરમેન્ટ પર આપવામાં આવશે. નોંધવા જેવુ છે કે, 1 એપ્રિલ, 2025થી આ યોજના લાગુ કરવામાં આવશે. આ યોજનાથી અંદાજિત 23 લાખ કેન્દ્રીય સરકારી કર્મચારીઓને સીધો લાભ મળશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ અંગેની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, કર્મચારીઓને રાષ્ટ્રીય પેન્શન યોજના (NPS) અને યુનિફાઇડ પેન્શન યોજના (UPS) વચ્ચે પસંદગી કરવાનો વિકલ્પ પણ આપવામાં આવશે.
એશ્યોર્ડ પેન્શન, એશ્યોર્ડ ફેમિલી પેન્શન અને એશ્યોર્ડ મિનિમમ પેન્શનને મોંઘવારી ઈન્ડેક્સેશનનો લાભ મળશે. મોંઘવારી રાહત ઔદ્યોગિક કામદારો માટે ‘ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ’ (AICPI-IW) પર આધારિત હશે, જેમ કે સેવા આપતા કર્મચારીઓના કિસ્સામાં લાગુ છે. ગ્રેચ્યુઇટી ઉપરાંત, નિવૃત્તિ પર એક સામટી ચુકવણી કરવામાં આવશે. સેવાના દર છ મહિના માટે માસિક મહેનતાણાનો દસમો ભાગ એટલે કે પગાર અને મોંઘવારી ભથ્થું નિવૃત્તિની તારીખે આપવામાં આવશે. આ ચુકવણીથી ખાતરીપૂર્વકના પેન્શનની રકમમાં ઘટાડો થશે નહીં.