પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) શુક્રવાર 23 ઓગસ્ટના રોજ યુક્રેન (Ukraine) પહોંચ્યા હતા. PM મોદી યુક્રેનમાં સાત કલાક રોકાય તેવી શક્યતા છે. કડક સુરક્ષા હેઠળ લગભગ 10 કલાક સુધી ટ્રેનમાં મુસાફરી કર્યા બાદ યુક્રેનની રાજધાની કીવ (Kyiv) ખાતે પહોંચ્યા હતા. જ્યાં PM મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ ઝેલેન્સકી (Volodymyr Zelenskyy) સાથેની મુલાકાત દરમિયાન બંને નેતાઓ એકબીજાને ભેટ્યા હતા.
23 ઓગસ્ટે સવારે 10 વાગ્યા આસપાસ PM મોદી યુક્રેનની રાજધાની કીવ ખાતે પહોંચ્યા હતા. જ્યાં ભારતીયો અગાઉથી જ તેમના સ્વાગત માટે હાજર હતા. ભારતીય સમુદાયના લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું. તેમના સ્વાગત દરમિયાન યુક્રેનની ભૂમિ પર ‘જય શ્રીરામ’ અને ‘ભારત માતા કી જય’ તથા ‘મોદી મોદી’ એવા નારા લાગ્યા હતા. આ બાદ PM નરેન્દ્ર મોદી ભારતીયોને મળ્યા હતા.
બંને રાષ્ટ્રાધ્યક્ષો ભેટી પડ્યા
આ બાદ PM મોદી રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને મળ્યા હતા. PM મોદી અને રાષ્ટ્રપતિ ઝેલેન્સકી દ્વારા યુક્રેન ખાતે આવેલ રશિયાના આક્રમણમાં જે બાળકો મૃત્યુ પામ્યા તેમના સ્મારકની મુલાકાત લેવામાં આવી હતી. તેમણે મૃત બાળકોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન બંનેએ એકબીજા સાથે હાથ મિલાવ્યા હતા અને ગળે મળ્યા હતા. તેમની આ મુલાકાતનો વિડીયો રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ X પર પોસ્ટ કર્યો હતો. જેમાં બંને નેતાઓ એકબીજાને ભેટતા દેખાઈ રહ્યા છે. ઉપરાંત રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી અને PM મોદીને બાળકોને શ્રદ્ધાંજલિ અર્પિત કરતાં દેખાઈ રહ્યા છે.
Today in Kyiv, Prime Minister @NarendraModi and I honored the memory of the children whose lives were taken by Russian aggression.
— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) August 23, 2024
Children in every country deserve to live in safety. We must make this possible. pic.twitter.com/gKdjqcL5iz
21-22 ઓગસ્ટ PM મોદી પૉલેન્ડની યાત્રા પર હતા. તેઓ પૉલેન્ડથી ‘રેલ ફોર્સ વન’ ટ્રેનમાં સવાર થઈને કીવ પહોંચ્યા હતા. જેમાં તેમને પલેન્ડથી યુક્રેન પહોંચતા 10 કલાકનો સમય લાગયો હતો. નોંધનીય છે કે વર્ષ 2022માં યુક્રેનનું રશિયા સાથે યુદ્ધ શરૂ થયા બાદ PM મોદી પ્રથમ વાર યુક્રેનની યાત્રા પર ગયા છે. PM મોદી યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીના આમંત્રણ પર યુક્રેન પહોંચ્યા છે. મુલાકાત પહેલા PM મોદીએ કહ્યું હતું કે તેઓ યુક્રેનના નેતા સાથે વર્તમાનમાં ચાલી રહેલા સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલ અંગે તેમના વિચારો વ્યક્ત કરશે.
યુક્રેન પહેલા રશિયા પણ ગયા હતા PM મોદી
ઉલ્લેખનીય છે કે લગભગ 6 અઠવાડિયા પહેલા PM મોદી રશિયાની યાત્રા પર પણ ગયા હતા. ત્યાં પણ તેમણે રાષ્ટ્રપતિ પુતિન સાથે રશિયા-યુક્રેન યુદ્ધ મામલે વાતચીત કરી હતી. ત્યાં PM મોદીએ ભારતીય સમુદાયને સંબોધન પણ કર્યું હતું. મોદી-પુતિનની મુલાકાત બાદ પશ્ચિમી દેશો રશિયા-યુક્રેન યુદ્ધ અટકાવવા મામલે ભારત તરફ આશાભરી નજરે જોઈ રહ્યા છે. ત્યારે હવે PM મોદી રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે આ મામલે વાતચીત કરવાના છે.