Tuesday, November 19, 2024
More
    હોમપેજરાજકારણઈમરજન્સી - ભારતીય ઇતિહાસનું કાળું પ્રકરણ: જ્યારે ઈન્દિરા સરકારના 'તુગલકી' આદેશો ન...

    ઈમરજન્સી – ભારતીય ઇતિહાસનું કાળું પ્રકરણ: જ્યારે ઈન્દિરા સરકારના ‘તુગલકી’ આદેશો ન માનવા પર કિશોર કુમારને રેડિયો પર કરાયા હતા પ્રતિબંધિત… અને વધુ….

    વાસ્તવમાં 'તાનાશાહ' કોણ? નરેન્દ્ર મોદી કે ઈન્દિરા ગાંધી? ઈન્દિરા સરકાર એક કલાકારની કલાને તો ના બિરદાવી શકી, પરંતુ ઉલ્ટાની તેના પર કાર્યવાહી કરીને તેને લાચાર કરી દીધા અને આજે કલાના પૂજારીઓને સ્વયં વડાપ્રધાન એવોર્ડ આપીને સન્માનિત કરી રહ્યા છે.

    - Advertisement -

    ઇતિહાસ કોઈપણ દેશના ભવિષ્યને સારી રીતે આગળ વધવા પ્રેરિત કરતો હોય છે. કોઈ એક એવી ઘટના અથવા તો વિશેષ ઉપલબ્ધિ ઇતિહાસના ગ્રંથોમાં અનુક્રમે કાળા અને સુવર્ણ અક્ષરે મઢાઈ જતી હોય છે. તે જ રીતે ઈન્દિરા ગાંધીએ દેશમાં થોપેલી ઈમરજન્સી ભારતીય ઇતિહાસનો એક કાળો અધ્યાય છે. ઈમરજન્સી દરમિયાન થયેલા અનેક અત્યાચારોમાં એક અત્યાચાર ભારતીય અભિનેતા પર પણ થયો હતો. વાત છે ભારતના સદાબહાર અભિનેતા કિશોર કુમારની. તાજેતરમાં જ 4 ઑગસ્ટના રોજ તેમનો 92મો જન્મદિવસ ગયો હતો. કિશોર કુમારનું મૂળ નામ આભાસ કુમાર ગાંગુલી હતું, પરંતુ લોકોએ પ્રેમથી તેમને ‘કિશોર દા’ કહીને વધાવ્યા હતા. તેઓ પ્લેબેક સિંગર, સંગીત નિર્દેશક, ગીતકાર, ફિલ્મ નિર્દેશક, નિર્માતા, પટકથા લેખક અને અભિનેતા પણ હતા.

    કિશોર કુમારને 1975માં ઈમરજન્સી દરમિયાન ઈન્દિરા ગાંધી દ્વારા કરવામાં આવેલા અત્યાચારો વિરુદ્ધ મક્કમ મને ઊભા રહેવાને લઈને પણ યાદ કરવામાં આવે છે. ઘણા લોકોએ તે સમયે ઈન્દિરા ગાંધી સરકારના દબાણ હેઠળ આવીને પોતાની જાતને સમર્પિત કરી દીધી હતી. તેમાંથી માત્ર અમુક લોકો જ ‘તાનાશાહી’ શાસન વિરુદ્ધ મક્કમ બનીને ઊભા રહી ગયા હતા. તેમાં એક નામ પ્રસિદ્ધ અભિનેતા કિશોર કુમારનું પણ હતું. જેના પરિણામે કિશોર કુમારને ઈન્દિરા ગાંધીના તિરસ્કારનો ભોગ પણ બનવું પડ્યું હતું.

    ‘તાનાશાહી’ સરકારના આદેશોનું પાલન ન કરવા પર કિશોર કુમારને સરકારી પ્રસારણ આકાશવાણી અને દૂરદર્શન રેડિયોમાં પ્રતિબંધિત કરી દેવામાં આવ્યા હતા. તે સમયે આકાશવાણી અને દૂરદર્શન જ કલાકારો માટે પ્રસારણના એકમાત્ર વિકલ્પો હતા અને તેમાં કોઈ અભિનેતાને પ્રતિબંધિત કરવા જે-તે અભિનેતા માટે મરવા સમાન હતું. કારણ કે, તેમની પાસે અન્ય કોઈ વિકલ્પ પણ નહોતો.

    - Advertisement -

    કિશોર કુમારે ઈન્દિરા ગાંધી સરકારના આદેશનું પાલન કરવાનો કર્યો હતો ઇનકાર

    ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર, ઈન્દિરા ગાંધી દ્વારા ઈમરજન્સીની ઘોષણાના કેટલાક દિવસો બાદ, ઈન્દિરા ગાંધીના નજીકના સહયોગી એવા તત્કાલીન માહિતી અને પ્રસારણ મંત્રી વીસી શુક્લા એવું ઈચ્છતા હતા કે, બૉલીવુડ ઑલ ઇન્ડિયા રેડિયો અને દૂરદર્શન પર સરકારના પ્રોગ્રામનો પ્રચાર કરે. ત્યારબાદ વીસી શુક્લાએ તે સમયના પ્રસિદ્ધ ફિલ્મ નિર્માતાઓ અને કલાકારોને વ્યક્તિગત રીતે કોલ કરીને પૂછ્યું હતું કે, તેઓ સરકારના પક્ષમાં પ્રચાર કરવા માટે કઈ રીતે ‘સહયોગ’ આપી શકશે.

    જોકે, ઈન્દિરા ગાંધીના શાસનના જાણીતા આલોચક કિશોર કુમારે કોંગ્રેસ નેતા વીસી શુક્લાનો કોલ જ રિસીવ નહોતો કર્યો. ત્યારબાદ તત્કાલીન સૂચના અને પ્રસારણ મંત્રાલયના સંયુક્ત સચિવ સીબી જૈને થોડા દિવસો બાદ તેમને ફોન કર્યો હતો અને તેમને જણાવ્યું હતું કે, સરકાર તેમના આવાસ પર તેમની સાથે મુલાકાત કરવા માંગે છે. આશ્ચર્યની વાત તો તે છે કે, કિશોર કુમારે તે માટે પણ ઇનકાર કરી દીધો હતો. ત્યારે તેમણે જણાવ્યું હતું કે, તેમને હ્રદયરોગની બીમારી છે, તેથી ડૉક્ટરોએ કોઈપણ વ્યક્તિ સાથે મુલાકાત ન કરવાની સલાહ આપી છે.

    મોરારજી દેસાઈના નેતૃત્વવાળી જનતા પાર્ટી સરકાર દ્વારા ઈમરજન્સીના અતિરેકની તપાસ માટે એક કમિટી રચવામાં આવી હતી. જેને શાહ કમિશન તરીકે ઓળખવામાં આવે છે. શાહ કમિશનના રિપોર્ટ અનુસાર, કિશોર કુમારે જૈનને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે, તેઓ કોઈપણ સંજોગોમાં રેડિયો અથવા ટીવી પર સરકારના પ્રચાર માટે ગાવા નથી માંગતા. શાહ કમિશને તે સિવાય પણ અનેક ઘટસ્ફોટ કર્યા હતા.

    આકાશવાણી/દૂરદર્શન પર પ્રતિબંધ અને તેમના ગીતોને પણ હટાવી દેવાયા

    કિશોર કુમારના વ્યવહારથી સીબી જૈન રોષે ભરાયા હતા. ત્યારબાદ તેમણે I&B સચિવ એસએમએચ બર્નીને જણાવ્યું હતું કે, ગાયક કિશોર કુમારે મળવાનો ઇનકાર કર્યો તે ખૂબ જ ‘અશિષ્ટતાપૂર્ણ’ છે. કિશોર કુમારના વલણથી ગુસ્સે ભરાયેલી ઈન્દિરા સરકારે હવે દાવ ખેલવાના શરૂ કરી દીધા હતા. સૌથી પહેલાં તો સૂચના અને પ્રસારણ મંત્રાલયે કિશોર કુમારના ગીતોને આકાશવાણી અને દૂરદર્શન પરથી હટાવી દીધા હતા અને ત્યારબાદ તેમના ગીતોના પ્રસારણને પણ અટકાવી દેવામાં આવ્યું હતું. તે સિવાય તેમના ગ્રામોફોન વેચાણ પર પણ રોક લગાવી દેવામાં આવી હતી.

    કોંગ્રેસ સરકાર દ્વારા કિશોર કુમાર અને અન્ય વરિષ્ઠ કલાકારો પર લગાવાયેલા પ્રતિબંધ કારગર સાબિત થયા. આખરે, 14 જુલાઈ, 1976ના રોજ, કિશોર કુમારે થાકી-હારીને મંત્રાલયને એક પત્ર લખ્યો કે, તેઓ સહકાર આપવા તૈયાર છે. કિશોર કુમારે કોંગ્રેસ પક્ષની માંગણીઓ સ્વીકારી હોવાથી, I&B મંત્રાલયે તેમના પરના પ્રતિબંધોને હટાવવાની માંગણી પણ સ્વીકારી લીધી હતી. મંત્રાલયે કહ્યું હતું કે, તે ગાયક દ્વારા આપવામાં આવેલા સહકારને લઈને તેમના પરથી પ્રતિબંધ હટાવી શકે છે.

    શાહ કમિશને પછીથી ખુલાસા કર્યા હતા કે, સૂચના અને પ્રસારણ સચિવની ટિપ્પણી અનુસાર, આ કાર્યવાહીનો ફિલ્મ નિર્માતાઓ પર કઠોર પ્રભાવ પડ્યો હતો. કારણ કે, કિશોર કુમાર વિરુદ્ધ થયેલી કાર્યવાહી માત્ર એક ગાયક વિરુદ્ધ નહોતી, પરંતુ અન્યોને લાચાર અને બેબસ કરનારી પણ હતી. તેથી આ કાર્યવાહીની અવળી અસર સીધી અન્ય ફિલ્મ નિર્માતાઓ અને કલાકારો પર પડી હતી.

    ખાસ વાત તે છે કે, થોડા વર્ષો બાદ જ વીસી શુક્લાએ શાહ કમિશન સામે પોતાની ભૂલ પણ સ્વીકારી હતી અને કહ્યું હતું કે, આ દુઃખદ ઘટનાની સંપૂર્ણ જવાબદારી માત્ર તેમની જ હતી. આ સાથે જ તેમણે કહ્યું હતું કે, કોઈપણ અધિકારીને આ માટે દોષિત ન ઠેરવવા જોઈએ. ત્યારબાદ સેવાનિવૃત સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જેસી શાહે આ ઘટનાને ‘ચોંકાવનારી ઘટના’ ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે, કોઈપણ વ્યક્તિ વિરુદ્ધ આવું ગેરવર્તન કરવું ક્યારેય વ્યાજબી નથી. શાહ કમિશને ઈન્દિરા સરકારની કાર્યવાહીને, એક પ્રસિદ્ધ ફિલ્મ કલાકાર વિરુદ્ધ પ્રતિશોધની સ્પષ્ટ કાર્યવાહી’ ગણાવી હતી.

    અસલી તાનાશાહ કોણ?

    આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકારની ટીકા કરતાં કોંગ્રેસ અને INDI ગઠબંધનના નેતાઓએ પોતાનો જ ઇતિહાસ વાંચી લેવો જોઈએ. ઈમરજન્સી દરમિયાનની ઘટનાઓને જોતાં સહજ પ્રશ્ન થઈ આવે કે, વાસ્તવમાં ‘તાનાશાહ’ કોણ? નરેન્દ્ર મોદી કે ઈન્દિરા ગાંધી? ઈન્દિરા સરકાર એક કલાકારની કલાને તો ના બિરદાવી શકી, પરંતુ ઉલ્ટાની તેના પર કાર્યવાહી કરીને તેને લાચાર કરી દીધા અને આજે કલાના પૂજારીઓને સ્વયં વડાપ્રધાન એવોર્ડ આપીને સન્માનિત કરી રહ્યા છે. ખરેખર કલાનો કદરદાન કોણ? મોદીને તાનાશાહ કહેનારી આખી જમાત ઈમરજન્સી દરમિયાનની વાતોમાં ‘અસાધારણ મૌન’ સેવીને બેસી રહે છે. અત્યારે કોઈપણ ક્ષેત્ર કે સરકારી મશીનરીમાં તાનાશાહીના લક્ષણો ન હોવા છતાં પણ આખી ઇકોસિસ્ટમ તાનાશાહીની રાડારાડ કરે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં