પશ્ચિમ બંગાળના કોલકાતામાં મહિલા ડૉક્ટર સાથે દુષ્કર્મ બાદ હત્યાની ઘટનાએ આખા દેશને હચમચાવી નાખ્યો હતો. ઘટના સામે આવ્યા બાદથી જ મેડિકલ સાથે સંકળાયેલા અલગ-અલગ સંગઠનોએ હડતાળની જાહેરાત કરી હતી. શરૂઆતમાં પશ્ચિમ બંગાળના તમામ જિલ્લાઓમાં ડૉક્ટરો હડતાળ પર ઉતર્યા હતા, જે બાદ આક્રોશના વમળમાં આખો દેશ આવ્યો હતો અને દેશભરમાં હડતાળો ચાલુ થઈ ગઈ હતી. જેના કારણે સામાન્ય નાગરિકો અને દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી. હવે જાણવા મળી રહ્યું છે કે, રેસિડેન્ટ ડૉક્ટરોએ પોતાની દેશવ્યાપી હડતાળ પરત ખેંચી લીધી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા સાથેની મુલાકાત બાદ FORDA (Federation of Resident Doctors’ Association)એ આ અંગેનું એલાન કર્યું છે.
‘ફેડરેશન ઓફ રેસિડેન્ટ ડૉક્ટર્સ એસોસિયેશન’ (FORDA)ના પ્રતિનિધિમંડળે મંગળવારે (13 ઑગસ્ટ) કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. FORDAના અધ્યક્ષ અવિરલ માથુરે જેપી નડ્ડા સાથેની મુલાકાત બાદ જણાવ્યું હતું કે, “કોલકાતામાં મહિલા ડૉક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાની ઘટનાને લઈને અમે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી અને અમારી માંગણીઓ તેમની સમક્ષ રાખી હતી. તેમણે અમને આશ્વાસન આપ્યું છે કે, તેઓ ડૉક્ટરો માટે સુરક્ષિત માહોલ તૈયાર કરશે. તેમણે ખાતરી આપી છે કે, અમારી માંગણી પર સમયબદ્ધ રીતે કડક કાર્યવાહી પણ થશે. એક કમિટી બનાવવામાં આવશે, જેમાં અમે પણ સામેલ હશું. અમારી તમામ માંગો સ્વીકારી લેવામાં આવી છે, તેથી રેસિડેન્ટ ડૉક્ટરોએ અને FORDAએ દેશવ્યાપી હડતાળ પરત ખેંચવાનો નિર્ણય લીધો છે.”
Press release regarding call off of strike.
— FORDA INDIA (@FordaIndia) August 13, 2024
In our fight for the sad incident at R G Kar, the demands raised by us have been met in full by the @OfficeofJPNadda , with concrete steps in place, and not just verbal assurances.
Central Healthcare Protection Act ratification… pic.twitter.com/OXdSZgM1Jc
CBIની ટીમ પહોંચી કોલકાતા
જોકે, FORDA સિવાયના મેડિકલ ક્ષેત્રના અન્ય સંગઠનો હડતાળ ચાલુ જ રાખશે. બીજી તરફ આ ઘટનાને લઈને કલકત્તા હાઈકોર્ટના આદેશ અનુસાર, CBI તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે. બુધવારે (14 ઑગસ્ટ) CBIની ટીમે કોલકાતા પોલીસ પાસેથી આ કેસને લઈને આ અંગેની તપાસ શરૂ કરી દીધી છે.
#WATCH | RG Kar Medical College and Hospital rape-murder case | Members of the CBI team from Delhi reach CGO Complex in Kolkata, West Bengal.
— ANI (@ANI) August 14, 2024
Following Calcutta High Court order, the CBI has taken over the case and has sent a specialised medical and forensic team from Delhi. pic.twitter.com/7AKzq5Nh16
દિલ્હીથી CBI ટીમ કોલકાતા પહોંચી ચૂકી છે. આ ઉપરાંત હવે કેન્દ્રીય એજન્સી ઘટનાસ્થળ પર જઈને આ અંગેની વિસ્તૃત તપાસ હાથ ધરશે. હવે પછીની તમામ તપાસ CBI દ્વારા કરવામાં આવશે. જરૂર પડ્યે, સ્થાનિક પોલીસની મદદ પણ લેવાશે.
મહિલા ડૉક્ટર સાથે દુષ્કર્મ બાદ હત્યા
કોલકાતાની સરકારી હોસ્પિટલમાં બનેલી આ ઘટના 8-9 ઑગસ્ટ, 2024ની હોવાનું કહેવાય રહ્યું છે. ઘટનાની વિગતો અનુસાર, કોલકાતાની સરકારી હોસ્પિટલ (આરજી કર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ)ના સેમિનાર હૉલમાં શુક્રવારે (9 ઑગસ્ટ) પોસ્ટ-ગ્રેજ્યુએટ ટ્રેની મહિલા ડૉક્ટરનો અર્ધનગ્ન હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, આરોપ છે કે મહિલા ડૉક્ટર પર દુષ્કર્મ ગુજાર્યા બાદ તેમની હત્યા કરવામાં આવી હતી. પોલીસ અનુસાર, 8-9 ઑગસ્ટની રાત્રે નાઈટ ડ્યુટી દરમિયાન મહિલા ડૉક્ટર તેમના જુનિયર સાથી મિત્રો સાથે બેસીને નીરજ ચોપડાની ઓલમ્પિક ગેમ જોઈ રહી હતી. રાત્રિના લગભગ 2 વાગ્યા સુધી તેણે તેના સાથી મિત્રો સાથે વાતચીત કરી હતી અને ત્યારબાદ એપ પરથી ઓર્ડર કરીને ભોજન કર્યું હતું. ત્યારબાદ મિત્રોને જાણ કરીને સેમિનાર હૉલમાં આરામ કરવા માટે ગઈ હતી.
હૉલમાં જઈને તેણે શરૂઆતમાં થોડું વાંચન કર્યું અને ત્યારબાદ 3 વાગ્યાની આસપાસ ઊંઘી હતી. પરંતુ બીજા દિવસે શુક્રવારે (9 ઑગસ્ટ) સવારે સેમિનાર હૉલમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો, જે અર્ધનગ્ન હાલતમાં હતો. મોંઢામાંથી, આંખોમાંથી અને ગુપ્તાંગના ભાગેથી લોહી પણ વહી રહ્યું હતું હતું. પોલીસ ટીમે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોસ્ટમોર્ટમમાં શરૂઆતી સમયે દુષ્કર્મની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં દુષ્કર્મ બાદ હત્યા થઈ હોવાનું કહેવામાં આવ્યું હતું. આ મામલે પોલીસ અધિકારીઓએ પણ નિવેદન આપીને આ બાબતની પુષ્ટિ કરી હતી.
CCTV કેમેરા અને અન્ય તપાસના આધારે પોલીસે શનિવારે (10 ઑગસ્ટ) એક વ્યક્તિની ધરપકડ કરી હતી. તેનું નામ સંજય રૉય હોવાનું સામે આવ્યું હતું. આરોપ છે કે, તેણે જ ટ્રેની મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું અને ત્યારબાદ તેની હત્યા કરી નાખી હતી. આરોપીની ધરપકડ બાદ તરત જ તેને 14 દિવસના પોલીસ રિમાન્ડ હેઠળ મોકલવામાં આવ્યો હતો. જ્યાં તેણે પોતે ગુનો કર્યો હોવાની તમામ કબૂલાત પણ કરી લીધી હતી. હાલ પણ આ મામલે કાર્યવાહી ચાલી રહી હોવાનું સામે આવ્યું છે. આરોપી પર BNSની કલમ 64 (દુષ્કર્મ) અને 103 (હત્યા) હેઠળ ગુનો નોંધાયો છે. હાલ CBI આ કેસની તપાસ કરી રહી છે.