ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં એક સગીર દલિત બાળકીના ધર્મપરિવર્તન અને નિકાહ સંબંધમાં રવિવારે (11 ઓગસ્ટ, 2024) એક મૌલવી સહિત બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પીડિતાના પિતાના મોત બાદ તેની માતાને લાલચ આપીને તેના મુસ્લિમ યુવક સાથે બાળલગ્ન કરાવી દેવામાં આવ્યા હતા. બાદમાં બાળકને જન્મ આપતી વખતે પીડિતાનું હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. તેના મૃત્યુ બાદ પીડિતાને છાનામાના ઇસ્લામિક રીતિ-રિવાજો અનુસાર દફનાવી દેવામાં આવી હતી. આ મામલે પીડિતાની માતા અને મુર્તઝાની ધરપકડ પહેલાં જ થઈ ચૂકી છે.
આ ઘટના લખનૌ કમિશનરેટના દક્ષિણ ઝોનના મોહનલાલગંજ પોલીસ સ્ટેશનની હદમાં બની હતી. 30 જૂન, 2024ના રોજ, અનુસૂચિત જાતિના એક વ્યક્તિએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ આપનાર વ્યક્તિએ જણાવ્યું હતું કે, તેના મોટાભાઈનું 2 વર્ષ પહેલા મોત થયું હતું. આરોપ છે કે, મૃતકની પત્નીને પાડોશમાં રહેતા મુર્તઝા નામના યુવક સાથે અવૈધ સંબંધ હતા. મુર્તઝા અનેકવાર મૃતકની પત્નીને મળવા આવતો-જતો રહેતો હતો. આ દરમિયાન મુર્તઝાની ગંદી નજર મૃતકની 15 વર્ષની દીકરી પર પડી હતી. તેણે સગીરા સાથે નિકાહ કરવાની જીદ કરી હતી.
મુર્તઝા સાથે પ્રેમની જાળમાં ફસાયેલી સગીરની માતા આખરે તેની વાત સાથે સંમત થઈ ગઈ હતી. વર્ષ 2023માં સગીરા કરતા અનેક વર્ષો મોટા મુર્તઝાએ તેની સાથે નિકાહ કરી લીધા હતા. આ નિકાહ બાદ તરત જ પીડિતાને ઈસ્લામ કબૂલ કરાવી દેવામાં આવ્યો હતો. સગીરાના નિકાહ અને ધર્મ પરિવર્તન યુપીના બહરાઇચ જિલ્લાની એક મસ્જિદમાં કરવામાં આવ્યા હતા. આ મસ્જિદનો મૌલવી મોહમ્મદ અહમદ પણ આ કૃત્યોમાં સક્રિય રીતે સામેલ હતો. ઇસ્લામ કબૂલ કરાવડાવ્યા બાદ પીડિતાને મસ્જિદમાં જ નવું નામ સાનિયા આપવામાં આવ્યું હતું. ઑપઇન્ડિયા પાસે FIRની નકલ ઉપલબ્ધ છે.
આ સમગ્ર મામલે પીડિતાના કાકાએ જણાવ્યું હતું કે, તે સમયે તેમણે બધાએ ધર્માંતરણ અને બાળનિકાહનો વિરોધ કર્યો હતો. ત્યારબાદ આરોપીઓએ તેમને મોં બંધ રાખવાની ધમકી પણ આપી હતી. સગીરા નિકાહના થોડા દિવસોમાં જ ગર્ભવતી થઈ ગઈ હતી. જોકે, બાળકને જન્મ આપતા પહેલાં તે બીમાર પડી અને મૃત્યુ પામી હતી. તેના મૃત્યુ બાદ પીડિતાને ગુપ્ત રીતે ઇસ્લામિક રીતિ-રિવાજો અનુસાર દફનાવી દેવામાં આવી હતી. આ મામલે જયારે ફરિયાદીએ પૂછપરછ કરી તો આરોપીઓએ તેમને ધમકાવીને પોતાના કામથી-કામ રાખવા કહ્યું હતું.
આરોપ છે કે, મુર્તઝા અપરાધિક સ્વભાવ અને હિંદુ છોકરીઓ પર ગંદી નજર રાખનાર વ્યક્તિ છે. આ ફરિયાદ પર પોલીસે 30 જૂન 2024ના રોજ જ FIR નોંધી હતી. આ કેસ IPCની કલમ 376 અને 504ની સાથે SC/ST અને પોક્સો એક્ટ હેઠળ નોંધવામાં આવ્યો છે. આરોપી સામે બાળલગ્ન અધિનિયમ હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી છે. 2 જુલાઈ 2024ના રોજ, પોલીસે આરોપી મુર્તઝા અને મૃતકની માતાની ધરપકડ કરી હતી અને તેમને જેલમાં મોકલી દીધા હતા.
તપાસ દરમિયાન મૌલવી મોહમ્મદ અહમદ અને મુર્તઝાના અબ્બુ મુસ્તાક અલીની પણ ગુનામાં સંડોવણી સામે આવી હતી. રવિવાર (11 ઓગસ્ટ)ના રોજ પોલીસે આ બંને આરોપીઓને પણ પકડીને જેલમાં ધકેલી દીધા હતા. આ મામલે તપાસ અને અન્ય કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.