શનિવારે (10 ઑગસ્ટ) હિંડનબર્ગનો એક રિપોર્ટ બહાર પડ્યો હતો. જેમાં અદાણી ગ્રુપ અને SEBI ચેરપર્સન પર આરોપ લગાવવામાં આવ્યા હતા. બંને વચ્ચે સાંઠગાંઠ હોવાનું રિપોર્ટમાં કહેવાયું હતું. જોકે, SEBI અને અદાણી સમૂહે આ રિપોર્ટને સદંતર ખોટો ગણાવીને સ્પષ્ટીકરણ પણ આપી દીધું છે. તેમ છતાં તેવી ચર્ચાઓ વહેતી થઈ હતી કે, હિંડનબર્ગના રિપોર્ટના કારણે સોમવારે શેર માર્કેટમાં ભારે નુકશાન થઈ શકે છે, અદાણી ગ્રુપ સહિતની અનેક કંપનીઓને આ રિપોર્ટના કારણે ભારે નુકશાનનો સામનો કરવો પડી શકે છે. પરંતુ, સોમવારે શરૂઆતમાં થોડું નુકશાન થયા બાદ માર્કેટ ઝડપથી રિકવર પણ થઈ ગયું હતું અને હાલ સતત આગળ પણ વધી રહ્યું છે. અદાણી સમૂહના બે શેરો સતત આગળ વધી રહ્યા છે.
શનિવારે હિંડનબર્ગનો રિપોર્ટ સામે આવ્યા બાદ સોમવારે શેર માર્કેટમાં ઘણો ઉતાર-ચડાવ જોવા મળ્યો હતો, પરંતુ તે શરૂઆતી તબક્કા સુધી જ સીમિત રહ્યો હતો. માર્કેટ ઓપન થયાના એક કલાક સુધી સ્થિતિ થોડી ગંભીર જણાતી હતી, પરંતુ ત્યારબાદ સેન્સેક્સ-નિફ્ટીએ જોરદાર સ્પીડ પકડી લીધી હતી. જો અદાણીના શેરની વાત કરવામાં આવે તો, આ વખતે હિંડનબર્ગના રિપોર્ટની તેના પર કોઈ અસર નથી થઈ. ભારતીય રોકાણકારોને પણ હવે વિદેશી ફર્મ કરતાં ભારતીય ઉદ્યોગપતિઓ પર વધુ વિશ્વાસ છે. અદાણી સમૂહની બે કંપનીઓના શેર પ્રારંભિક તબક્કામાં નુકશાનમાં હતા, પરંતુ ઝડપથી જ રિકવર થઈને ગ્રીન ઝોનમાં પ્રવેશ કરી ગયા હતા.
ગૌતમ અદાણીની આગેવાની હેઠળની અદાણી સમૂહની 10 કંપનીઓ શેર માર્કેટમાં લિસ્ટેડ છે અને સોમવારે શરૂઆતના ટ્રેડમાં તમામ 10 શેર રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. પરંતુ જેવો સન્સેક્સ-નિફ્ટીએ વળાંક માર્યો, તેવી જ અદાણી શેર્સની સ્થિતિ પણ બદલાઈ ગઈ હતી. અદાણી ગ્રીન એનર્જીનો શેર શરૂઆતના ટ્રેડમાં 4%થી પણ વધુ તૂટ્યો હતો, પરંતુ બપોરે 2 વાગ્યાની આસપાસ તે અચાનક ગ્રીન ઝોનમાં આવી ગયો હતો. અદાણી ગ્રીનની સાથે ગૌતમ અદાણીની સિમેન્ટ કંપની અંબુજા સિમેન્ટના શેર પણ રેડ ઝોનમાંથી બહાર નીકળીને ગ્રીન ઝોનમાં ટ્રેડિંગ કરતાં જોવા મળ્યા હતા.
નોંધનીય છે કે, શેર માર્કેટમાં ટ્રેડની શરૂઆત સાથે જ BSEના સેન્સેક્સ 300થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે 79,330.12ના લેવલથી શરૂઆત કરતાં જોવા મળ્યા હતા. એવી આશા સેવાઇ રહી હતી કે, શનિવારે જારી કરેલા હિંડનબર્ગના રિપોર્ટના કારણે સન્સેક્સ અને નિફ્ટી પર અવળી અસર પડશે અને પ્રારંભિક ટ્રેડમાં તે જોવા પણ મળ્યું હતું. પરતું હિંડનબર્ગના રિપોર્ટની અસર વધુ સમય સુધી જોવા મળી નહોતી. ટૂંકમાં ભારતીય શેર માર્કેટે આ વખતે હિંડનબર્ગના રિપોર્ટને મૂળથી જ હલાવી દીધો છે.