Saturday, November 23, 2024
More
    હોમપેજક્રાઈમ20 લાખના હાથી દાંતની ડીલ કરવાની ફિરાકમાં હતી મિયાં-બીબી સહિતની ગેંગ, વન...

    20 લાખના હાથી દાંતની ડીલ કરવાની ફિરાકમાં હતી મિયાં-બીબી સહિતની ગેંગ, વન વિભાગે ખરીદદાર બનીને ઝડપી પાડી: બાલાસિનોરમાં સુલતાન સહિત 5 સામે ગુનો

    વાઈલ્ડ લાઈફ ક્રાઈમ કંટ્રોલ બ્યુરોને બાતમી મળી હતી કે મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે રહેતું એક યુગલ અને તેમના કેટલાક સાથીઓ હાથી દાંત વેચવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. આ બાતમીના આધારે લોકલ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરવામાં આવતાં વિભાગે છટકું ગોઠવીને તમામ આરોપીઓને ઝડપી લીધા હતા.

    - Advertisement -

    બાલાસિનોર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને મોટી સફળતા મળી છે. રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને તેમની ટીમે હાથી દાંત વેચવા જાતી શાહિદાબાનો નામની મહિલા અને સુલતાન અહેમદ સહિત પાંચ લોકોની ટોળકી ઝડપી પાડી છે. આ આરોપીઓ પાસેથી હાથી દાંતના નાના-મોટા ચાર અવશેષો જપ્ત કર્યા છે. હાલ તમામ વિરુદ્ધ વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમની કલમો હેઠળ ગુના નોંધી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તમામ આરોપીઓ હાલ પોલીસ કસ્ટડીમાં છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર, વાઈલ્ડ લાઈફ ક્રાઈમ કંટ્રોલ બ્યુરોને બાતમી મળી હતી કે મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે રહેતું એક યુગલ અને તેમના કેટલાક સાથીઓ હાથી દાંત વેચવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. આ બાતમીના આધારે લોકલ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરવામાં આવતાં વિભાગે છટકું ગોઠવીને તમામ આરોપીઓને ઝડપી લીધા હતા. વનવિભાગ દ્વારા સ્થાનિક પોલીસને સાથે રાખીને કરવામાં આવેલા દરોડામાં આરોપીઓના ઘરેથી હાથી દાંત મળી આવ્યા હતા.

    RFOએ ઑપઇન્ડિયાને આપી આખા ઓપરેશનની માહિતી

    આ મામલે વધુ વિગત મેળવવા ઑપઇન્ડિયાએ બાલાસિનોર RFO જૂહી ચૌધરીનો સંપર્ક કર્યો હતો. તેમણે આખા ઑપરેશન વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે, “8 તારીખે બાલાસિનોરમાં કેટલાક લોકો હાથી દાંત વેચવાનો પ્રયત્ન કરી રહ્યા હોવાના ઇનપુટ અમને મળ્યા હતા. બોડેલીમાં અગાઉ પકડાયેલા એક આરોપીના ફોનની તપાસ કરતાં તેમાંથી હાથી દાંતના ફોટા વગેરે મળી આવ્યા હતા. આ બાતમીના આધારે એક ટીમ તૈયાર કરવામાં આવી અને આરોપીઓને રંગેહાથ પકડવા વાઈલ્ડ લાઈફ ક્રાઈમ કન્ટ્રોલ બ્યુરો અને બાલાસિનોર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા એક ઑપરેશન લૉન્ચ કરવામાં આવ્યું.”

    - Advertisement -

    ફોરેસ્ટ ખાતાના અધિકારી ખરીદદાર બન્યા

    જૂહી ચૌધરીએ જણાવ્યું કે, “આ ઑપરેશનમાં અમારી એક ટીમ ખરીદદાર બની હતી. વિભાગના માણસોએ હાથી દાંત ખરીદવામાં રસ દાખવીને સારો ભાવ આપ્યો અને મુદ્દામાલ જોવા માટે મંગાવ્યો. પરંતુ આરોપીઓને અજુગતું લાગતાં તેમણે અમારી ટીમને દાંત ન બતાવ્યા. તેવામાં બાતમી પક્કી કરીને અમારી ટીમે સ્થાનિક પોલીસને સાથે રાખીને આરોપીના ઘરે દરોડા પડ્યા હતા. દરોડામાં ઇદ્રીશ નામના આરોપીએ તેના પાર્ટનર પાસે મુદ્દામાલ રાખ્યો હોવાનું જણાવતાં ટીમે તેને સાથે રાખીને સુલતાન અહેમદ ગુલામ નબીના ઘરે દરોડા પાડ્યા હતા. દરોડામાં સુલતાનની પત્ની શાહિદાબાનોએ હાથી દાંત રાખ્યા હોવાનું કબૂલ કરી લીધું હતું. પૂછપરછમાં વધુ 4 નામ ખૂલતાં તે તમામની પણ ધરપકડ કરવામાં આવી હતી.”

    તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી પાસે ઘણા લાંબા સમયથી આ મુદ્દામાલ પડ્યો હતો. કોઈએ તેમને સારો ભાવ આવશે તેમ કહેતા છેલ્લા કેટલાક સમયથી તેને વેચવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. હાલ તમામ વિરુદ્ધ વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઝડપાયેલા આરોપીઓમાં ઇદ્રીશ મહોમ્મદ શેખ, સમીર સૈફી શેખ, અખ્તર હુસૈન તાજમહોમ્મદ શેખ, શાહિદાબાનો સુલતાન શેખ અને તેના શૌહર સુલતાન અહેમદ શેખનો સમાવેશ થાય છે. RFO જૂહી ચૌધરીના જણાવ્યા અનુસાર આરોપીઓ પ્રથમવાર આ ગુનામાં ઝડપાયા છે, તેમના વિરુદ્ધ આ પહેલા કોઈ ગુનો નથી નોંધાયો. તેમની પાસે આ હાથી દાંત ક્યાંથી આવ્યા તે દિશામાં તપાસ ચાલી રહી છે.

    વન્યજીવો વિરુદ્ધ ગુનાખોરી ડામવા કડક કાયદા

    ઉલ્લેખનીય છે કે પહેલાંના જમાનામાં હાથી દાંત તથા અન્ય વન્ય જીવોના અવશેષોમાંથી ઘરેણાં સહિતની અનેક વસ્તુઓ બનાવી વપરાશમાં લેવામાં આવતી હતી. ત્યારે હવે જંગલી પ્રાણીઓના સંરક્ષણ માટે વન વિભાગ દ્વારા કડક કાયદા બનાવવામાં આવ્યા છે. આ મામલે RFO જૂહી ચૌધરીએ ઑપઇન્ડિયાના માધ્યમથી જાહેર જનતા જોગ માહિતી આપતાં જણાવ્યું હતું કે, “વન્ય જીવો કે તેને લગતા કોઈ પણ અવશેષો રાખવા કે તેની લે-વેચ કરવી તે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 મુજબ ગુનો બને છે. આથી આ પ્રકારની ગતિવિધિઓથી લોકોએ દૂર રહેવું જોઈએ.”

    જૂના રિવાજો કે ચલણને લઈને તેમણે જણાવ્યું કે, “પહેલાંના સમયમાં હાથી દાંત કે અન્ય કોઈ જીવોના અવશેષોમાંથી ઘરેણાં વગેરે બનાવવામાં આવતાં હતાં. બની શકે કે આજની તારીખમાં પણ કોઈ વ્યક્તિ પાસે તે હોય. માની લો કે કોઈ વ્યક્તિ પાસે વડીલોપાર્જીત આવી કોઈ સંપત્તિ છે, તો તેના માટે ભૂતકાળમાં જાહેરનામું બહાર પાડીને તેની માહિતી આપવા સૂચનો અપાયાં હતાં. જે લોકો પાસે પહેલેથી આ પ્રકારનાં ઘરેણાં કે અન્ય કોઈ મિલકત હોય તેનું રજિસ્ટ્રેશન કરીને લાયસન્સ મેળવવાનું રહેતું હોય છે. પરંતુ વગર પરવાનાએ આ પ્રકારની વસ્તુઓ રાખવી કે તેની લે-વેચ કરવી ગંભીર ગુનો બને છે. ડિક્લેરેશનનો સમય નીકળી ગયો છે, માટે હવે આ પ્રકારની વસ્તુઓ ન રાખી શકાય. જે લોકો પાસે પરવાના છે તેમણે પણ સમયાંતરે તેને જાળવતાં રહેવાન રહેવાનો નિયમ છે.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં