તાજેતરમાં કેરળના વાયનાડમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે મોટી હોનારત સર્જાઈ હતી. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે (10 ઑગસ્ટ) વાયનાડ ખાતે ભૂસ્ખલન પ્રભાવિત ક્ષેત્રની મુલાકાત લેવા જઈ રહ્યા છે. તેઓ અહીં હવાઈ નિરીક્ષણ કરશે તેમજ રેસ્ક્યુ ઑપરેશનની પણ સમીક્ષા કરશે, તથા અધિકારીઓ સાથે બેઠક કરીને રાહત કામગીરી વિશે પણ જાણકારી મેળવશે. તેઓ ભૂસ્ખલનથી પીડિત પરિવારો સાથે પણ મુલાકાત કરી શકે તેમ જણાવવામાં આવી રહ્યું છે.
વાયનાડમાં ભૂસ્ખલન સર્જાયા બાદ ઘણા મોટા પ્રમાણમાં જાન અને માલહાનિ સર્જાઈ હતી. અનેક લોકોએ ઘર, પરિવાર ગુમાવ્યા. મૃતકોનો આંકડો 400 ઉપર પહોંચી ગયો છે, જ્યારે 150થી વધુ લોકો ઈજાગ્રસ્ત છે. PM મોદી આ હોનારતથી અસરગ્રસ્ત લોકો સાથે પણ મુલાકાત કરી શકે તેમ જણાવવામાં આવી રહ્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર PM મોદી સવારે 11 વાગ્યાની આસપાસ કન્નુર પહોંચશે અને ત્યારબાદ વાયનાડમાં ભૂસ્ખલનથી પ્રભાવિત વિસ્તારનું હવાઈ સર્વેક્ષણ કરશે.
PM @narendramodi will travel to Wayanad. Apart from meeting officials for review and meeting with survivors and next of the kin of the deceased, sources he will also meet to thank the locals who were the first responders on ground. Infact a couple of them saved others at the cost…
— 🦏 Payal M/પાયલ મેહતા/ पायल मेहता/ পাযেল মেহতা (@payalmehta100) August 9, 2024
લગભગ બપોરે 12:15એ બચાવ કામગીરીમાં સામેલ ટીમો સાથે વડાપ્રધાન વાતચીત કરશે. બચાવ કામગીરીની ટીમો સાથે ગુમ લોકોને શોધવા માટે ટીમે કેવા પ્રયાસો કર્યા તે અંગે તેમને માહિતી આપવામાં આવશે. રાહત શિબિરો અને હોસ્પિટલોની મુલાકાત દરમિયાન PM ભૂસ્ખલનનો ભોગ બનેલા અને બચી ગયેલા લોકો સાથે પણ વાતચીત કરશે. આ સિવાય તેઓ એ વ્યક્તિઓને પણ મળશે, જેઓ સૌથી પહેલાં ભૂસ્ખલન પ્રભાવિત ક્ષેત્રમાં પહોંચ્યા હતા અને બચાવકાર્ય શરૂ કરી દીધું હતું. તેમના પ્રયાસોના કારણે સેંકડો લોકોને બચાવી શકાયા હતા.
અસરગ્રસ્ત લોકો સાથેની મુલાકાત બાદ PM મોદી સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે, જેમાં તેઓ સમગ્ર ઘટના અને વર્તમાનમાં ચાલી રહેલા અને આગામી સમયમાં થનારા રાહત પ્રયાસો વિશે વિગતવાર માહિતી મેળવશે. બેઠકમાં તંત્રના તમામ વરિષ્ઠ અધિકારીઓ હાજર રહેશે, જેઓ પીએમને રાહત-બચાવકાર્ય વિશે જરૂરી માહિતી પૂરી પાડશે.
ભૂસ્ખલનના કારણે 400થી વધુ લોકોનાં મોત થયાં હોવાનું જાણવા મળ્યું છે. જોકે, ઘટના બાદ તુરંત NDRF, SDRF સહિતની ટીમો રાહત-બચાવ માટે લાગી હતી તો ત્યારબાદ ભારતીય સેનાની પણ મદદ લેવામાં આવી હતી. સંયુક્ત રીતે રેસ્ક્યુ ઑપરેશનમાં એક હજારથી વધુ લોકોને બચાવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. હાલ પણ રેસ્ક્યુ ઑપરેશન ચાલી જ રહ્યું છે.