હિંદુઓ માટે અતિ પવિત્ર એવો શ્રાવણ માસ ચાલી રહ્યો છે. ભગવાન શિવની ભક્તિ કરવા સાથે-સાથે આ મહિનામાં અનેક મહત્વપૂર્ણ તહેવારો પણ આવતા હોય છે. ખાસ કરીને જન્માષ્ટમી અને રક્ષાબંધન (Rakshabandhan) તેમાં મહત્વના તહેવાર માનવામાં આવે છે. છેલ્લા કેટલાક સમયથી દેશભરમાં અનેક એવા કિસ્સા બન્યા છે, જેમાં બાળકોને રાખડી બાંધવા પર કે તિલક કે મહેંદી લગાવવા પર શિક્ષા આપવામાં આવી હોય. ખાસ કરીને મિશનરીઓ સંચાલિત સ્કૂલોમાં આ પ્રકારની અનેક ઘટનાઓ ભૂતકાળમાં બની છે. ત્યારે તહેવારોને લઈને NCPCR (National Commission for Protection of Child Rights) હરકતમાં આવ્યું છે અને રાખડી બાંધવા પર કે તિલક લગાવવા પર બાળકોને શિક્ષા આપતી શૈક્ષણિક સંસ્થાઓ પર લગામ લગાવવા નિર્દેશ જાહેર કર્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આગમી 19 ઓગસ્ટ 2024ના રોજ રક્ષાબંધનનો પવિત્ર તહેવાર આવી રહ્યો છે. તે પહેલા જ રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ એટલે કે NCPCRએ તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના શિક્ષણ વિભાગને ઉદ્દેશીને એક નિર્દેશ જાહેર કર્યો છે. આ નિર્દેશમાં કહેવામાં આવ્યું છે કે તહેવારો દરમિયાન જો બાળકો રાખડી (Rakhi) બાંધીને, કપાળ પર તિલક લગાવીને, હાથમાં મહેંદી લગાવીને જો શાળાએ આવે તો તેમને સજા ન આપવામાં આવે. આગામી તહેવારોને લઈને NCPCR હરકતમાં આવ્યું છે અને બાળકોના અધિકારો માટે સૂચનાઓ આપી છે.
આ મામલે NCPCR અધ્યક્ષ પ્રિયાંક કાનૂનગોએ (Priyank Kanungo) ગુરુવારે (8 ઓગસ્ટ 2024) એક પત્ર લખ્યો હતો. તે પત્રમાં તહેવારો દરમિયાન શાળાઓમાં શિક્ષકો અને કર્મચારીઓ દ્વારા બાળકોને સજા આપીને પ્રતાડિત કરવા પર ચિંતા જાહેર કરવામાં આવી હતી. તેમાં બાળકો પ્રત્યે રાખવામાં આવતા ભેદભાવ વિશે પણ ચિંતા જતાવવામાં આવી હતી. પત્રમાં તેમણે આવી અનેક ઘટનાઓનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં રાખડી બાંધવા પર કે પછી તિલક લગાવવા પર બાળકોને સજા આપીને શારીરિક અને માસિક યાતના આપવામાં આવી હોય.
કાનૂનગોએ જણાવ્યું હતું કે, જો શાળાઓમાં આ પ્રકારની સજા આપવામાં આવે છે તો તે મફત અને ફરજીયાત શિક્ષણના અધિકાર (RTE) અધિનિયમ 2009ની કલમ 17નું ઉલંઘન છે. તેમણે આ પત્રમાં સ્પષ્ટ પણે લખ્યું હતું કે, “જેમ-જેમ તહેવારો નજીક આવી રહ્યા છે, તેમ તે જરૂરી બની જાય છે કે શાળાઓ તેવી પ્રથાઓમાં શામેલ ન થાય કે જેમાં બાળકોને શારીરિક દંડ કે પછી અન્ય કોઈ ભેદભાવનો ભોગ બનવું પડે.”
બાળ આયોગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે કે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો NCPCR દ્વારા આપવામાં આવેલા દિશાનિર્દેશોનું પાલન કરે. આ માટે પ્રસાસનને સંબંધિત અધિકારીઓને તાત્કાલિક નિર્દેશ જાહેર કરીને નિર્દેશ આપવા માટે પણ સૂચના આપવામાં આવી છે. આયોગે તમામને 17 ઓગસ્ટ પહેલા આ સંબંધમાં જાહેર કરવામાં આવેલા આદેશની કોપી સાથે નિર્દેશોના પાલનના રિપોર્ટ જમા કરાવવાના નિર્દેશ આપ્યા છે.