પેરિસ ઓલમ્પિક્સમાં હૉકી બ્રોન્ઝ મેડલ મેચ જીતીને ભારતે વધુ એક પદક પોતાને નામ કર્યું છે. સેમીફાઈનલમાં જર્મની સામે પરાજય બાદ ભારતીય હૉકી ટીમ બ્રોન્ઝ મેડલ માટે સ્પેન સામે રમી હતી, જેમાં 2-1થી જીત મેળવી લીધી. બંને ગોલ ભારતીય ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંઘે કર્યા.
આ સાથે ભારતીય હૉકી ટીમે ઓલમ્પિક્સના ઇતિહાસમાં પોતાનો 13મો મેડલ જીત્યો. જ્યારે ટીમ સતત બીજી વખત બ્રોન્ઝ મેડલ પણ જીતી. આ પહેલાં 2020 ટોક્યો ઓલમ્પિક્સમાં ભારતીય હૉકી ટીમ બ્રોન્ઝ જીતી હતી.
𝐁𝐫𝐨𝐧𝐳𝐞🥉𝐌𝐞𝐝𝐚𝐥 𝐟𝐨𝐫 𝐈𝐧𝐝𝐢𝐚🇮🇳!#Paris2024 :
— All India Radio News (@airnewsalerts) August 8, 2024
Team India beats Spain 2-1, Claims the Bronze Medal #Cheer4Bharat | #Olympics | #HockeyIndia | @TheHockeyIndia | @YASMinistry | #Olympics2024 pic.twitter.com/rvhyFUKGaJ
સ્પેન સામેની મેચમાં પ્રથમ ક્વાર્ટરમાં કોઇ ગોલ થયો ન હતો. બંને ટીમને અમુક તકો મળી, પરંતુ ગોલ બચાવી લેવાયા હતા. પરંતુ બીજા ક્વાર્ટરમાં સ્પેનને એક પેનલ્ટી સ્ટ્રોક મળ્યો અને તેમાં ગોલ થઈ ગયો હતો. આમ સ્પેનની ટીમ આગળ નીકળી ગઈ. ત્યારબાદ ભારતને એક પેનલ્ટી કોર્નર (PC) મળી, પરંતુ સ્પેને ગોલ બચાવી લીધો હતો. પરંતુ છેલ્લી 20 સેકન્ડ બાકી હતી ત્યારે ફરીથી ભારતને PC મળી અને કેપ્ટન હરમનપ્રીત સિંઘે ગોલ કરી દીધો અને સ્કોર બરાબરી પર લઇ આવ્યા. હાફ ટાઇમ આવતાં સુધીમાં બંને ટીમ બરાબર હતી.
ત્રીજા ક્વાર્ટરમાં ભારતને ફરીથી પેનલ્ટી કોર્નર મળતાં ભારતે ફરીથી એક ગોલ કરી દીધો અને તે પણ હરમનપ્રીતે જ કર્યો. જેની સાથે ભારતીય ટીમ 2-1થી આગળ નીકળી ગઈ. ત્યારબાદ પણ બંને ટીમને અમુક તકો મળી, પરંતુ ગોલ બચાવી લેવાયા હતા.
ચોથા અને અંતિમ ક્વાર્ટરમાં ભારતે ગોલ બચાવવાનો હતો, જે કામ ટીમે બખૂબી કર્યું. ચોથા ક્વાર્ટરમાં થોડી જ મિનિટો બાકી હતી ત્યારે સ્પેનને PC મળી અને દારોમદાર ગોલકીપર પીઆર શ્રીજેશ પર હતો, જેમણે ફરી એક વખત પોતાનું કૌશલ્ય દેખાડીને ગોલ બચાવ્યો અને ટીમને જીત તરફ લઇ ગયા. આખરે સમય પૂર્ણ થતાં સુધીમાં ભારત 2-1થી આગળ નીકળી ગયું અને ટીમ વિજેતા ઘોષિત થઈ.
ઉલ્લેખનીય છે કે આ પહેલાં ભારતીય ટીમ સેમીફાઇનલમાં જર્મની સામે રમી હતી. પરંતુ તેમાં 3-2થી પરાજય થયો હતો. સ્કોર બરાબર રહ્યા બાદ અંતિમ ક્વાર્ટરમાં જર્મનીની ટીમ આગળ નીકળી ગઈ હતી. પછીથી ભારતીય ટીમે પ્રયાસ કર્યા, પરંતુ ગોલ થઈ શક્યા ન હતા. સેમીફાઇનલમાં પરાજય બાદ ટીમ બ્રોન્ઝ મેડલ માટે સ્પેન સામે રમી, જેમાં જીત મળતાંની સાથે જ ભારતને ચોથો મેડલ મળી ચૂક્યો છે.