બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસા વચ્ચે ત્યાંના નાગરિકો ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે. ઉત્તર બંગાળમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર તહેનાત બૉર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) બુધવારે (7 ઑગસ્ટ, 2024) આવા ઘણા પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા. BSFએ જણાવ્યું કે બાંગ્લાદેશ ખાતેના ઠાકુરગાંવ જિલ્લાના લગભગ 200 જેટલા લોકોએ ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. તેમાંથી મોટાભાગના આવામી લીગના (શેખ હસીનાની પાર્ટી) સભ્યો તથા હિંદુઓ છે. તેમને ગેરકાયદેસર સરહદ પાર કરતા રોકવા માટે BSFના જવાનોએ હવામાં ગોળીબાર કર્યો હતો.
ઉત્તર બંગાળ ફ્રન્ટિયર BSFએ સોશિયલ મીડિયા સાઇટ X પર એક પોસ્ટમાં લખ્યું હતું કે, “BSF ઉત્તર બંગાળ ફ્રન્ટિયરે આજે ભારત-બાંગ્લાદેશ સરહદ નજીક બાંગ્લાદેશી નાગરિકોની ભીડને ભારતમાં પ્રવેશતાં અસરકારક રીતે અટકાવી દીધી હતી. બાંગ્લાદેશ બોર્ડર ગાર્ડ (BGB) સાથેના સંકલનથી સુરક્ષા સુનિશ્ચિત કરીને કોઈપણ વ્યક્તિ દ્વારા સરહદ ઉલ્લંઘન અટકાવ્યું હતું.”
The BSF North Bengal Frontier effectively managed gatherings of Bangladeshi Nationals near the Indo-Bangladesh border today. With vigilance and coordination with BGB, they ensured safety and prevented any border breaches. #BorderSecurity #BSF #IndiasFirstLineOfDefence pic.twitter.com/m12K1pUydc
— NORTH BENGAL FRONTIER BSF (@BSFNBFTR) August 7, 2024
જોકે, ગ્રામીણોએ બાંગ્લાદેશ પરત ફરવાનો ઇનકાર કર્યો હતો, કારણ કે કટ્ટરપંથીઓ હિંદુઓ અને આવામી લીગના સભ્યોને શોધી-શોધીને મારી રહ્યા છે. જે લોકો ત્યાંથી ભાગી ગયા હતા તેઓ બંને દેશો વચ્ચે નો-મેન્સ લેન્ડમાં (બે દેશોની સરહદ વચ્ચેનો એવો વિસ્તાર, જ્યાં કોઈનું નિયંત્રણ નથી હોતું) જ રહ્યા હતા. સરહદનો તે ભાગ વાડ વગરનો છે, તેથી બાંગ્લાદેશીઓને ભારતની બહાર રાખવા માટે BSFએ માનવ અવરોધ ઊભો કરવાની ફરજ પડી હતી.
BSFના DIG (ઉત્તર બંગાળ ફ્રન્ટિયર) અમિત ત્યાગીએ જણાવ્યું હતું કે, “ગ્રામીણો આંતરરાષ્ટ્રીય સરહદથી 200 મીટરથી 500 મીટર દૂર છે. લગભગ 600 બાંગ્લાદેશી ઉત્તર બંગાળમાં જલપાઈગુડી નજીક નો-મેન્સ લેન્ડની જમીન છોડવાનો ઇનકાર કરી રહ્યા છે અને ભારતમાં પ્રવેશની માંગ કરી રહ્યા છે. BSF અને BGB બંને તેમને પરત જવા કહી રહ્યા છે, પરંતુ તેઓ પરત જવા તૈયાર નથી.”
સોશિયલ મીડિયા પર શૅર કરવામાં આવેલા વિડીયોમાં જોવા મળે છે કે બાંગ્લાદેશી ઠાકુરગાંવ જિલ્લાના ટેમકાભીતા ગામમાં નદી ઓળંગીને ભારતમાં પ્રવેશવા માટે પ્રયાસ કરી રહેલા હિંદુઓ અને અન્ય લોકોને ટોળા દ્વારા નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ગામના તમામ લોકો તેમના ઘર છોડીને જરૂરી સામાન સાથે પશ્ચિમ બંગાળના ઉત્તરમાં આવેલા દિનજાપુર જિલ્લાની સરહદ પર પહોંચી ગયા હતા. ત્યાં તેમને BSF દ્વારા રોકી રાખવામાં આવ્યા હતા.
રિપોર્ટ અનુસાર, બૉર્ડર પર ઘણી જગ્યાએ આવાં દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. બીજી જગ્યાએ છ લોકોને BSFએ ઝીરો પોઈન્ટ પર રોકી રાખ્યા હતા. આ વિસ્તારમાં સરહદ પર કાંટાળા તારની ફેન્સિંગ ન હોવાને કારણે તે આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરવા માટે આકર્ષક સ્થળ બની ગયું છે. જેના કારણે BSFના જવાનો પર દબાણ વધી રહ્યું છે.
મંગળવારે (6 ઑગસ્ટ 2024) રાત્રે સ્થિતિ વધુ બગડી જ્યારે આવામી લીગના ભૂતપૂર્વ સાંસદ કમરૂલ અરેફિન, તેમની પત્ની અને બે પુત્રીઓએ પેટ્રાપોલ-બેનપોલ બોર્ડર ક્રોસિંગ પર માન્ય વિઝા વિના ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. પોતાના દેશમાં પોતાના જીવને જોખમ હોવાનું કહીને તેમણે ભારતમાં પ્રવેશવાની અપીલ કરી હતી, પરંતુ BSFએ તેમને રોકી લીધા હતા અને બાંગ્લાદેશ પરત મોકલી દીધા હતા. જ્યાં BGBએ તેમની અટકાયત કરી લીધી હતી. આ જ રીતે બુધવારે (7 ઑગસ્ટ, 2024) BGBએ દર્શના બૉર્ડર પોસ્ટ પર આવામી લીગના વધુ બે રાજકારણીઓને રોકી લીધા હતા.