ઇઝરાયેલ અને હમાસ (Israel-Hamas War) વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં સતત નવા સમાચાર સામે આવી રહ્યા છે. હમાસને ખતમ કરવાની કસમ ખાઈને નીકળેલી ઇઝરાયેલી સેના સતત આતંકીઓનો સફાયો કરી રહી છે. તાજેતરમાં જ હમાસના ચીફ કમાન્ડરને ઠાર કર્યો હોવાના સમાચાર સામે આવ્યા હતા. ત્યારે હવે ફરી એકવાર ઇઝરાયેલી સેનાને મોટી સફળતા હાથ લાગી છે. ઇઝરાયેલી સેનાએ આતંકી સંગઠન હમાસના મોટા આતંકી ગણાતા અબેદ-અલ-ઝરીઈને (Abed Al-Zerie) ઠાર માર્યો છે. આતંકી અબેદ હમાસનો આતંકી હતો અને ગાઝા પટ્ટીમાં હમાસ અર્થવ્યવસ્થા મંત્રી તરીકે કાર્યરત હતો. ઇઝરાયેલી હુમલામાં આતંકી અબેદ-અલ-ઝરીઈ માર્યો ગયો છે.
ઇઝરાયેલી સેનાની એરસ્ટ્રાઈકમાં આતંકી સંગઠન હમાસનો અર્થવ્યવસ્થા મંત્રી અબેદ-અલ-ઝરીઈ માર્યો ગયો છે. આ બાબતની જાણકારી ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સ (IDF) દ્વારા આપવામાં આવી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર IDFએ આતંકીના માર્યા ગયાની પુષ્ટિ કરી છે. આતંકી અબેદ હમાસ (Hamas) સંગઠનના મિલીટરી વિંગમાં મેન્યુફેક્ચરિંગ ડીપાર્ટમેન્ટમાં કામ કરતો હતો અને ગાઝા પટ્ટીમાં તેને હમાસના અર્થવ્યવસ્થા મંત્રી તરીકે નિયુકત કરવામાં આવ્યો હતો.
🔴ELIMINATED: Abed Al-Zeriei—a Hamas terrorist who stopped humanitarian aid from reaching Gazan civilians.
— Israel Defense Forces (@IDF) August 5, 2024
Al-Zeriei was involved in the Manufacturing Department of Hamas’ Military Wing and Hamas’ Minister of Economy in Gaza.
He had a significant role in directing Hamas'… pic.twitter.com/MAQTGxgOa4
ઇઝરાયેલી સેનાના જણાવ્યા અનુસાર, આ તે જ આતંકી હતો, જેણે ગાઝા પટ્ટી સુધી માનવીય સેવાઓને પહોંચતી અટકાવી રાખી હતી. ગાઝામાં પ્રવેશ કરનારી દરેક માનવીય સહાયતા પર તે નિયંત્રણ રાખી રહ્યો હતો. આ ઉપરાંત હમાસ સંચાલિત બજારોનું સંચાલન કરવામાં પણ તેની નોંધપાત્ર ભૂમિકા હતી. તે આતંકવાદી પ્રવૃત્તિઓ માટે બળતણ, ગેસ અને નાણાં ભંડોળ પણ એકઠું કરતો હતો. ગાઝા પટ્ટીમાં જ એરસ્ટ્રાઈક કરીને ઇઝરાયેલી સેનાએ તેને મોતને ઘાટ ઉતારી દીધો છે.
નોંધનીય છે કે, તાજેતરમાં જ ઇઝરાયેલી સેનાએ હમાસના કમાન્ડર મોહમ્મદ દાયફને પણ મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ આતંકીએ જ 7 ઓકટોબરના રોજ ઇઝરાયેલ પર થયેલા આતંકી હુમલાનો પ્લાન બનાવ્યો હતો અને તેનો માસ્ટરમાઇન્ડ હતો. તેના કારણે સેંકડો નિર્દોષ યહૂદીઓના મોત થયા હતા. તે સિવાય હમાસનો ચીફ પણ ઈરાનના તેહરાનમાં માર્યો ગયો છે. હમાસ ચીફ ઈસ્માઈલ હનીહી જે ઘરમાં રહેવા માટે ગયો હતો તે આખા ઘરને જ ઉડાવી દેવામાં આવ્યું હતું. જોકે, તેની જવાબદારી ઇઝરાયેલી સેનાએ લીધી નથી, પરંતુ હમાસ અને ઈરાને દાવો કર્યો છે કે, તેમાં ઇઝરાયેલનો જ હાથ છે.