માહિતી અનુસાર 29 જુલાઈ, સોમવારના રોજ બોટાદ (Botad) ટાઉન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું. પેટ્રોલિંગ કરી રહેલ પોલીસ સ્ટાફને એક વ્યક્તિ જાહેરમાં રસ્તા પર લથડિયાં ખાતો જોવા મળ્યો હતો. પોલીસે તેને રોક્યો હતો. પોલીસે તેની પાસેથી દારૂ પીવાનું પરમિટ માંગ્યું હતું, જે તેની પાસે હતું નહીં.
ઉલ્લેખનીય છે જાહેરમાં દારૂ (Liquor) પીધેલી હાલતમાં મળતા અને તેની પાસે દારૂ પીવાનું પરમિટ ન હોવાના કારણે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે દારૂ પીધેલ વ્યક્તિનું નામ પ્રવીણભાઈ ઠાકરશીભાઈ ડેરવાળીયા છે જે વર્તમાનમાં કોંગ્રેસ પક્ષના સક્રિય કાર્યકર્તા છે. ઉપરાંત તેઓ ભૂતકાળમાં બોટાદ નગરપાલિકાના કોર્પોરેટર પણ રહી ચૂક્યા છે.
પ્રવીણભાઈ બોટાદ ખારમાં સહકારના ફૂલની પાસે પછાત વર્ગ સોસાયટીમાં રહે છે. તે સહકારના રેલ્વે વસાહત પાસેના રસ્તા પર દારૂ પીધેલી હાલતમાં લથડિયાં ખાતા ઝડપાયા હતા. તેમની વિરુદ્ધ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન (Prohibition) કલમ 66(1)B મુજબ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે કોંગી નેતાઓનો દારૂ સાથે ખાસ સબંધ છે. 27 જુલાઈ એ જ દાહોદમાંથી યૂથ કોંગ્રેસનો દાહોદ જિલ્લાનો પ્રમુખ પણ દારૂ સાથે પકડાયો હતો. LCBએ યૂથ કોંગ્રેસના પ્રમુખ સુનિલ બારીયાના ઘરે દરોડા પાડ્યા હતા, દરમિયાન LCBને સુનિલના ઘરેથી ₹5000થી વધુનો વિદેશી દારૂ મળી આવ્યો હતો, બાદમાં પોલીસ દ્વારા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.