દિલ્હીના રાજેન્દ્રનગર વિસ્તારમાં આવેલા એક કોચિંગ સેન્ટરના બેઝમેન્ટમાં શનિવારે (27 જુલાઈ) રાત્રે અચાનક ભારે વરસાદના કારણે પાણી ભરાઈ જતાં ત્રણ વિદ્યાર્થીઓનાં કરુણ મોત થયાં હતા. દિલ્હી સરકારની બેદરકારીના કારણે ત્રણ આશાસ્પદ યુવાઓએ જીવ ગુમાવતા લોકોમાં કેજરીવાલ સરકાર પ્રત્યે રોષ છે. વિદ્યાર્થીઓ પણ તેને લઈને વિરોધ કરી રહ્યા છે. જોકે હવે રાજેન્દ્રનગરમાં વીજળી ચાલી જતા વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓનો રોષ વધ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દિલ્હીના જૂના રાજેન્દ્રનગરમાં (Delhi Old Rajendra Nagar) વીજ સપ્લાય અચાનક બંધ થઈ ગયો હતો. 3 વિદ્યાર્થીઓના મોતને લઈને વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ લાઈટ કપાવાથી વધુ આક્રોશિત થયા હતા. ઉશ્કેરાયલા વિદ્યાર્થીઓએ આક્રોશિત થઈને હોબાળો કરી નાખ્યો અને દિલ્હી પ્રસાશન વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા. નોંધનીય છે કે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓની માંગ છે કે MCDના ડાયરેક્ટર ત્યાં જાય અને વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરે. જોકે રાજેન્દ્રનગરમાં વિદ્યાર્થીઓનો રોષ જોતા દિલ્હીના ઉપરાજ્યપાલે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓની મુલાકાત લીધી હતી અને કડક કાર્યવાહીની ખાતરી આપી હતી.
વિદ્યાર્થીઓની તેવી પણ માંગ છે કે જ્યાં પણ બેઝમેન્ટમાં કોચિંગ અને લાઈબ્રેરીઓ ચલાવવામાં આવી રહી છે તેના પર કાર્યવાહી કરીને તેને બંધ કરાવવામાં આવે. વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ ઈચ્છે છે કે દુર્ઘટનામાં જે વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યો, તેમના પરિવારને ઉચિત વળતર અને જવાબદારો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. આ માટે વિદ્યાર્થીઓએ રાવ IAS સ્ટડી સર્કલના (Rao IAS Study Circle) બેઝમેન્ટના વપરાશને લઈને એકાદ મહિના પહેલા ફરિયાદ પણ કરી હતી. આ વિસ્તાર કેજરીવાલ સરકારના (Kejriwal Government) તાબા હેઠળની દિલ્હી નગર નિગમ અંતર્ગત આવે છે. દાવો કરવામાં આવે છે કે જો પહેલા જ વિદ્યાર્થીઓની ફરિયાદ સાંભળી લેવામાં આવી હોત તો ત્રણ લોકોના જીવ ન જાત.
દિલ્હીની દુર્ઘટનાના MPમાં પડઘા, કોચિંગ સેન્ટરો પર તવાઈ
આમ તો આ દુર્ઘટનાએ આખા દેશમાં આક્રોશ ફેલાવ્યો છે, લોકો સતત કેજરીવાલ સરકાર અને તેના હસ્તગત MCDનો કોસી રહ્યા છે. પરંતુ મધ્યપ્રદેશ સરકાર (Madhya Pradesh Government) આ મામલે એકશનમાં જોવા મળી રહી છે. મુખ્યમંત્રી મોહન યાદવે (CM Mohan Yadav) આપેલા આદેશો બાદ આખા રાજ્યમાં ચાલી રહેલા કોચિંગ સેન્ટરો પર પર તવાઈ આવી છે. ભોયરામાં ચાલતા કોચિંગ સેન્ટરોનો તપાસ કરવામાં આવી રહી છે.
મધ્ય પ્રદેશ
— DD News Gujarati (@DDNewsGujarati) July 30, 2024
▶️મુખ્યમંત્રી મોહન યાદવે ભોંયરામાં ચાલતા કોચિંગ સેન્ટરનો સર્વે કરવાનો નિર્દેશ આપ્યો
▶️મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્યમાં વરસાદી ઋતુમાં ક્યાંય પણ જાનહાનિ ન થાય તે માટે તમામ જિલ્લા અધિકારીઓએ તેમના જિલ્લાઓમાં વહીવટી કર્મચારીઓને જવાબદારી સોંપવી જોઈએ#MadhyaPradesh pic.twitter.com/uN7uYztPSo
મુખ્યમંત્રી મોહન યાદવે આદેશ આપતા કહ્યું હતું કે, રાજ્યમાં વરસાદી ઋતુમાં ક્યાંય પણ જાનહાનિ ન થાય તે માટે તમામ જિલ્લા અધિકારીઓએ તેમના જિલ્લાઓમાં વહીવટી કર્મચારીઓને જવાબદારી સોંપવી જોઈએ. હાલ આખા મધ્ય પ્રદેશમાં જ્યાં પણ આ પ્રકારે કોચિંગ સેન્ટરો (Coaching Centers) ચાલી રહ્યા છે, તે તમામની તપાસ કરવામાં આવી રહી છે.