હાલ ચાલતા પેરિસ ઓલમ્પિક્સમાં રવિવારે (28 જુલાઈ) ભારતે પ્રથમ મેડલ જીત્યો. મનુ ભાકરે વિમેન્સ 10 મીટર એર પિસ્ટલ ઇવેન્ટમાં કાંસ્ય પદક (બ્રોન્ઝ મેડલ) જીતીને દેશનું ખાતું ખોલ્યું છે. આ ઓલમ્પિક્સમાં ભારતનો આ પ્રથમ મેડલ છે.
મનુ ભાકર ઓલમ્પિક્સમાં મેડલ જીતનાર પહેલાં ભારતીય નિશાનેબાજ બન્યાં છે. તેમણે ફાઇનલમાં કુલ 221.7 પોઈન્ટ મેળવ્યા. આ સિઝનમાં ભારતનો આ પ્રથમ મેડલ છે. જ્યારે ઓલમ્પિક્સના ઈતિહાસમાં શૂટિંગમાં ભારતનો આ પાંચમો મેડલ છે.
#ParisOlympics2024 | India opens its tally at Paris Olympics as shooter Manu Bhaker wins bronze medal in Women’s 10 M Air Pistol. pic.twitter.com/0D857FAh8H
— ANI (@ANI) July 28, 2024
મનુ 6૦ શૉટના ક્વોલિફાઇંગ રાઉન્ડમાં કુલ 580 અંક સાથે ત્રીજા સ્થાને રહ્યાં હતાં. તેમણે પહેલી સિરીઝમાં 97, બીજીમાં 97, ત્રીજીમાં 98, ચોથીમાં 96, પાંચમીમાં 96 અને છઠ્ઠી સિરીઝમાં 96 અંકો મેળવ્યા. ફાઇનલમાં પ્રથમ સ્થાને કોરિયન ખેલાડીઓ ઓહ યે જિન અને કિમ યેજી રહ્યા. જેમાંથી જિને 243 પોઈન્ટ સાથે ગોલ્ડ અને યેજીએ 241 પોઈન્ટ સાથે સિલ્વર મેડલ જીત્યો.
નોંધવું જોઈએ કે મનુ ભાકર બીજી વખત ઓલમ્પિક્સમાં ભાગ લઇ રહ્યાં છે. આ પહેલાં તેમણે ટોક્યો ઓલમ્પિક્સ 2020માં પણ ભાગ લીધો હતો, પરંતુ 10 મીટર એર પિસ્ટલ ક્વોલિફિકેશન દરમિયાન પિસ્ટલ ખરાબ થઈ જતાં મેડલ જીતી શક્યાં ન હતાં. પછીથી મિક્સ્ડ ટીમ 10 મીટર પિસ્ટલ અને 25 મીટર પિસ્ટલ સ્પર્ધામાં પણ તેઓ મેડલ જીતવાથી ચૂક્યાં હતાં. આ વખતે પણ તેઓ વિમેન્સ 10 મીટર એર પિસ્ટલ ઉપરાંત 10 મીટર એર પિસ્ટલ મિક્સ્ડ અને 25 મીટર પિસ્ટલ સ્પર્ધામાં પણ ભાગ લઇ રહ્યાં છે.
આ પહેલાં શૂટિંગમાં ભારતે ચાર મેડલ જીત્યા છે, જેમાં એક ગોલ્ડ પણ સામેલ છે. જે 2008માં બીજિંગ ઓલમ્પિક્સમાં અભિનવ બિંદ્રાએ જીત્યો હતો. તે પહેલાં 2004માં રાજ્યવર્ધનસિંહ રાઠોડે સિલ્વર મેળવ્યો હતો. ત્યારબાદ 2012ના લંડન ઓલમ્પિક્સમાં ગગન નારંગ અને વિજય કુમારે અનુક્રમે બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યા હતા. 12 વર્ષ બાદ શૂટિંગમાં ભારતે ફરી મેડલ જીત્યો છે. જ્યારે મનુ ભાકર શૂટિંગમાં મેડલ મેળવનારાં પ્રથમ ભારતીય મહિલા છે.
A historic medal!
— Narendra Modi (@narendramodi) July 28, 2024
Well done, @realmanubhaker, for winning India’s FIRST medal at #ParisOlympics2024! Congrats for the Bronze. This success is even more special as she becomes the 1st woman to win a medal in shooting for India.
An incredible achievement!#Cheer4Bharat
મનુ ભાકરે મેડલ જીત્યા બાદ હવે દેશભરમાંથી તેમને શુભેચ્છાઓ આપવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ X પર એક પોસ્ટ કરી. તેમણે લખ્યું, ‘ઐતિહાસિક મેડલ. મનુ ભાકરને પેરિસ ઓલમ્પિક્સ 2024માં ભારતનો પ્રથમ મેડલ જીતવા બદલ શુભકામનાઓ. બ્રોન્ઝ માટે અભિનંદન. આ સફળતા એટલે પણ વિશેષ ચેહ કારણ કે તેઓ શૂટિંગમાં ભારત માટે મેડલ જીતનારાં પ્રથમ મહિલા છે. અદ્ભુત ઉપલબ્ધિ.’