પંજાબના અમૃતસરમાં બિહારના એક વ્યક્તિ પર નિહંગોએ હુમલો કરી દીધો હોવાના સમાચાર સામે આવ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, નિહંગોએ કૃપાણથી (કિરપાણ) હુમલો કરીને પીડિતના હાથનું હાડકું તોડી નાખ્યું છે. હુમલામાં તે વ્યક્તિના હાથ પર ગંભીર ઇજાઓ પણ થઈ છે. ઘાયલ વ્યક્તિને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. હાલ તેની સારવાર ચાલી રહી છે. હુમલાખોર નિહંગો પૈકીનો એક હુમલો કરીને ભાગી ગયો છે. જ્યારે અન્ય એક નિહંગની ધરપકડ પણ કરી લેવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, આ ઘટના અમૃતસરના હરમંદિર સાહિબ પાસે બની હતી. અહીં એક વ્યક્તિ બેઠો હતો. આ દરમિયાન જ બે નિહંગો ત્યાં આવી ચડ્યા હતા. હજુ પીડિત કઈ સમજે એ પહેલાં જ બંને નિહંગોએ તેના પર જીવલેણ હુમલો કરી દીધો હતો. બંને હુમલાખોરોએ કૃપાણથી હુમલો કર્યો હોવાથી તેનું ઘણું લોહી પણ વહી ગયું હતું. આ હુમલામાં તે વ્યક્તિના કાંડા પર ગંભીર ઇજા થઈ હતી. તેના હાથનું હાડકું પણ તૂટી ગયું હતું.
નિહંગોએ પીડિત વ્યક્તિ પર આરોપ લગાવ્યો હતો કે, તે હરમંદિર સાહિબ પાસે તમાકુનું સેવન કરી રહ્યો હતો. જ્યારે સ્થળ પર શોરબકોર થવા લાગ્યો તો બંને નિહંગોએ ભાગવાનો પણ પ્રયાસ કર્યો હતો. બેમાંથી એક ભાગી જવામાં સફળ રહ્યો હતો જ્યારે બીજાને પોલીસ દ્વારા પકડી લેવામાં આવ્યો હતો. ધરપકડ કરાયેલ નિહંગ સગીર છે અને તેની ઉંમર માત્ર 13 વર્ષની છે.
Two Nihang Sikhs attacked a sweeper with a kirpan on the heritage corridor near Harimandir Sahib. 🗡️ ⚔️
— PunFact (@pun_fact) July 22, 2024
The Nihangs assaulted the victim only on the allegation that he had tobacco in his pocket. Police have arrested one Nihang while the other is absconding. pic.twitter.com/EAKUhGQDB4
ઘાયલ વ્યક્તિનું નામ શંકર હોવાનું સામે આવ્યું છે. તે મૂળ બિહારના પટનાનો રહેવાસી છે. તે અમૃતસરમાં છૂટક મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. તેણે કહ્યું કે, તેના ખિસ્સામાં તમાકુનું પેકેટ જરૂર હતું, પણ તેણે ઘટનાસ્થળ પર તમાકુનું સેવન નહોતું કર્યું. તેણે કહ્યું કે, તે તો શાંતિથી બેઠો હતો અને નિહંગોએ અચાનક હુમલો કરી દીધો. જેના કારણે હાથ પર ગંભીર ઇજા થઈ છે.
આ પહેલાં પણ બની હતી આવી ઘટનાઓ
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ‘ઉડારિયા’ નામની સિરિયલના શૂટિંગ દરમિયાન મોહાલીમાં નિહંગ શીખો આવી ચડ્યા હતા. તેમણે પ્રોડક્શન ટીમના લોકોને ખૂબ માર માર્યો અને સેટ પર પણ તોડફોડ કરી હતી. નિહંગ શીખોએ સેટ પર ગુરુદ્વારાનું ડમી મોડલ બનાવવાનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે, સેટ પર નિશાન સાહિબ, પાલકીનું સ્વરૂપ બનાવીને શ્રી ગુરુ ગ્રંથ સાહિબની બેઅદબી (અપમાન) કરવામાં આવી છે.
તે પહેલાં પણ પંજાબ શિવસેનાના નેતા અને ક્રાંતિવીર સુખદેવના વંશજ સંદીપ થાપર પર પણ નિહંગોના ટોળાંએ હુમલો કરી દીધો હતો. તેઓ લુધિયાણા સિવિલ હૉસ્પિટલ ખાતે એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. વાસ્તવમાં અહીં ભાજપ નેતા રવિન્દર અરોડાની પુણ્યતિથિ નિમિત્તે એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, જેઓ સંવેદના ટ્રસ્ટના પ્રમુખ પણ હતા. આ ટ્રસ્ટ હૉસ્પિટલના દર્દીઓને નિઃશુલ્ક એમ્બ્યુલન્સ સેવા અને મૃતકોની અંતિમવિધિ માટે ટ્રાન્સપોર્ટ સેવા પૂરી પાડે છે. સંદીપ થાપર કાર્યક્રમમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે તેમની ઉપર હુમલો થયો. નિહંગોના ટોળાંએ તેમના પર તલવારથી હુમલો કરી દીધો હતો.