સોમવારે (22 જુલાઈ) સંસદ ભવનમાં બજેટ સત્રની (Budget Session) શરૂઆત થઈ ચુકી છે. વડાપ્રધાન મોદીએ સંસદ ભવનમાંથી દેશની જનતાને સંબોધિત કરી છે. તેમણે કહ્યું છે કે, તેમની સરકારનું લક્ષ્ય સરકારની તમામ ગેરંટીઓને જમીન પર ઉતારવાનું છે. આ સાથે જ તેમણે વિપક્ષને પણ શાંતિમય રીતે દેશના વિકાસમાં યોગદાન આપવાની અપીલ કરી હતી. ત્યારબાદ નાણામંત્રી નિર્મલા સીતારમણે ઇકોનોમિક સરવે 2024-25 રજૂ કર્યો હતો. 23 જુલાઈના રોજ સંસદમાં પૂર્ણ બજેટ રજૂ કરવામાં આવશે, તે પહેલાં આર્થિક સર્વેક્ષણ રજૂ કરીને ભારતીય અર્થવ્યવસ્થાની રૂપરેખા રજૂ કરવામાં આવી છે.
સોમવારે નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં ઇકોનોમિક સરવે રિપોર્ટ (Economic Survey Report) રજૂ કર્યો છે. આર્થિક સર્વેક્ષણના રિપોર્ટ અનુસાર, ભારતીય અર્થવ્યવસ્થાનો વૃદ્ધિ દર નાણાકીય વર્ષ 2024-25માં 6.5થી 7 ટકાની વચ્ચે રહેવાની પ્રબળ સંભાવના છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, ભારતીય અર્થવ્યવસ્થા હાલ ખૂબ જ મજબૂત સ્થિતિમાં છે. આ સાથે જ અર્થવ્યવસ્થા રાજકીય પડકારોનો સામનો કરવા માટે પણ સક્ષમ છે. કોરોનાકાળ બાદ પણ ભારતીય અર્થતંત્ર સ્થિર અને મજબૂત બની રહ્યું છે.
#WATCH | Economic Survey 2023-2024 tabled in Lok Sabha by Union Finance Minister Nirmala Sitharaman. pic.twitter.com/XxBVhgW4Lq
— ANI (@ANI) July 22, 2024
સીતારમણે જણાવ્યું છે કે, નાણાકીય વર્ષ 2024માં GDP (Gross Domestic Product) વૃદ્ધિ દર 8.2 ટકા રહેશે એવું અનુમાન છે. તેમણે કહ્યું છે કે, આશા છે કે, અર્થવ્યવસ્થા નાણાકીય વર્ષ 2023-24માં થયેલા વૃદ્ધિ દર સાથે જ 2024-25માં પણ આગળ વધશે. 2024-25માં તેમાં 6.5થી 7 ટકા સુધીનો વૃદ્ધિ દર થવાની સંભાવના છે. આ ઉપરાંત ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ 31 માર્ચ, 2025ના રોજ સમાપ્ત થઈ રહેલા નાણાકીય વર્ષ માટે GDP વૃદ્ધિ દર 7.2 ટકા રહેવાની સંભાવના વ્યક્ત કરી છે.
રિપોર્ટ અનુસાર, કંપનીઓ અને બેન્કોની સ્થિતિ ખૂબ મજબૂત હોવાથી આવનારા સમયમાં રોકાણ ઘણું વધી શકે છે. આ ઉપરાંત સરકારે મોંઘવારીને લઈને પણ જાણકારી આપી છે. સરકારે કહ્યું છે કે, મોંઘવારીને મોટાપાયે નિયંત્રિત કરવામાં ધારી સફળતા મળી છે. પરંતુ કેટલીક ખાદ્ય સામગ્રીઓની કિંમતમાં વધારાને લઈને મોંઘવારી દર વધે છે. ઇકોનોમિક સરવેમાં કહેવાયું છે કે, સરકારના પ્રયાસોથી હેલ્થકેર અને એજ્યુકેશન સેક્ટરમાં ઘણો સુધારો થયો છે. હાલ સરકારનું ધ્યાન સ્થાયી વિકાસ પર છે.
શું હોય છે ઇકોનોમિક રિપોર્ટ?
આર્થિક સર્વેક્ષણ (ઇકોનીમિક રિપોર્ટ)એ નાણાકીય વર્ષમાં રાષ્ટ્રીય અર્થવ્યવસ્થાની સ્થિતિનો વિગતવાર અહેવાલ હોય છે. નાણાકીય વર્ષ સમાપ્ત થાય તે પહેલાં તેને દેશની જનતા સામે રાખવામાં આવે છે. આ રિપોર્ટ મુખ્ય આર્થિક સલાહકારના માર્ગદર્શનમાં કેન્દ્રીય નાણા મંત્રાલયમાં આર્થિક બાબતોના વિભાગ (DEA)ના આર્થિક પ્રભાગ દ્વારા તૈયાર કરવામાં આવે છે. સરવે રિપોર્ટ તૈયાર થયા બાદ તેને નાણામંત્રી સુધી પહોંચાડવામાં આવે છે. નાણામંત્રીની મંજૂરી બાદ જ તેને એપ્રુવ કરવામાં આવે છે. ત્યારબાદ નાણામંત્રી તે રિપોર્ટને સંસદમાં રજૂ કરીને દેશની અર્થવ્યવસ્થાની સ્થિતિ વિશે જાણકારી આપે છે.