Friday, October 18, 2024
More
    હોમપેજદુનિયા'હું ચૂંટણી નહીં લડું': મજબૂત ટ્રમ્પ સામે બાયડનની પીછેહઠ, રાષ્ટ્રપતિની ઉમેદવારીમાંથી નામ...

    ‘હું ચૂંટણી નહીં લડું’: મજબૂત ટ્રમ્પ સામે બાયડનની પીછેહઠ, રાષ્ટ્રપતિની ઉમેદવારીમાંથી નામ લીધું પરત; ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસનું નામ કર્યું આગળ

    ટ્રમ્પને અમેરિકા માટે ખતરો ગણાવીને ચેતવણી આપનારા 81 વર્ષીય બાયડન ગત 27 જૂનની ડિબેટ બાદથી જ ઉમેદવારી પદથી બહાર જોવા મળી રહ્યા હતા. તેમણે પોતાના આધિકારિક X હેન્ડલ પરથી જ ઉમેદવારી પરત ખેંચવાની જાહેરાત કરી દીધી હતી.

    - Advertisement -

    આ વર્ષે અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણીઓ થવા જઈ રહી છે. પરંતુ તે પહેલા ત્યાં મોટી રાજકીય ઉથલપાથલ થતી જોવા મળી રહી છે. વર્તમાન રાષ્ટ્રપતિ જો બાયડને (Joe Biden) ચૂંટણી લડવાની ના પાડીને પોતાને રાષ્ટ્રપતિ પદના ઉમેદવારની સૂચીમાંથી હટાવી દીધા છે. તેમણે તાજેતરમાં થયેલી ચર્ચાઓમાં નબળા પ્રદર્શન બાદ નબળા સ્વાસ્થ્ય અને દેશ હિતમાં નિર્ણય લઈ રહ્યા છે તેમ કહીને તેમણે સર્વાનુમતે ઉમેદવારી પરત ખેંચી લીધી હતી. સાથે જ તેમણે પોતાની જગ્યાએ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસનું નામ આગળ કરીને તેમને સમર્થન આપ્યું છે.

    ટ્રમ્પને અમેરિકા માટે ખતરો ગણાવીને ચેતવણી આપનારા 81 વર્ષીય બાયડન ગત 27 જૂનની ડિબેટ બાદથી જ ઉમેદવારી પદથી બહાર જોવા મળી રહ્યા હતા. જો બાયડને પોતાના આધિકારિક X હેન્ડલ પરથી જ ઉમેદવારી પરત ખેંચવાની જાહેરાત કરી દીધી હતી. કારણ આપતા તેમણે જણાવ્યું હતું કે તેઓ ઈચ્છે છે કે ફરી રાષ્ટ્રપતિની ચૂંટણી (American Presidential Elections) લડે, પરંતુ પાર્ટી અને દેશના હિતમાં તેઓ ઉમેદવારી પરત ખેંચી રહ્યા હોવાનું તેમણે કહ્યું હતું. નોંધવું જોઈએ કે 20 જાન્યુઆરી 2025ના રોજ બાયડનનો રાષ્ટ્રપતિ પદનો કાર્યકાળ પૂર્ણ થવાનો છે.

    તેમણે પોતાના X હેન્ડલ પર લખ્યું હતું કે, “આપના રાષ્ટ્રપતિના રૂપમાં સેવા આપવી તે મારા જીવનનું સહુથી મોટું સમ્માન રહ્યું છે. મારો ચૂંટણી લડવાનો ઈરાદો તો હતો જ, પરંતુ મારું માનવું છે કે મારી પાર્ટી અને દેશના સર્વોત્તમ હિતમાં રહેશે કે હું હવે પદનો ત્યાગ કરું. મારા શેષ કાર્યકાળને લઈને સંપૂર્ણ રીતે રાષ્ટ્રપતિના રૂપમાં મારા કર્તવ્યોનું વહન કરું અને મારી ફરજો પર ધ્યાન કેન્દ્રિત કરું.” તેમણે આ સપ્તાહના અંતમાં આ વિશે વધુ વાત કરશે તેમ પણ જણાવ્યું હતું. આ પત્રમાં તેમણે પોતે કરેલા કર્યો વિશે પણ જણાવ્યું હતું.

    - Advertisement -

    ચર્ચાઓ તેવી પણ ચાલી રહી છે કે પાછલા કેટલાક સમયથી જો બાયડનની પાર્ટી દ્વારા જ તેમને ઉમેદવારી પરત ખેંચવા દબાણ કરવામાં આવી રહ્યું હતું. તાજેતરમાં તેમના દ્વારા આપવામાં આવેલા કેટલાક ઈન્ટરવ્યું પણ આ વાતની ચાડી ખાય છે. થોડા સમય પહેલા જયારે મીડિયા દ્વારા તેમની ઉમેદવારી વિષે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે ગુસ્સામાં આવીને કહ્યું હતું કે હવે ભગવાન જ નીચે આવીને તેમને ઉમેદવારી પરત ખેંચવા મનાવી શકશે. તે પોતાની ઉમેદવારી જાળવી રાખવા પોતે સ્વસ્થ હોવાનો દાવો કરતા આવ્યા છે, જોકે જાહેર કરેલા પત્રમાં તેમણે તેનાથી વિપરીત વાત કરી હતી.

    કમલા હેરિસના નામને આપ્યું સમર્થન

    જો બાયડને પોતાની ઉમેદવારી પરત ખેંચતાની સાથે જ ભારતીય મૂળના વર્તમાન ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસના (Kamla Harris) નામને રાષ્ટ્રપતિ ઉમેદવાર તરીકે આગળ કર્યું હતું. તેમણે X પોસ્ટ પર લખ્યું કે, “ડેમોક્રેટિક પાર્ટી માટે એકજૂથ થઈને ટ્રમ્પને હરાવવાનો સમય આવી ગયો છે. આજે હું કમલા હેરિસને આ વખતે અમારી પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે પોતાનું પૂર્ણ સમર્થન આપવા માંગું છું.”

    તેમણે કમલા હેરિસના નામને આગળ કરતા લખ્યું કે, “મારા સાથી ડેમોક્રેટ, મેં મારી ઉમેદવારી પરત ખેંચીને મારું સંપૂર્ણ ધ્યાન રાષ્ટ્રપતિ પદના મારા કાર્યકાળ માટેના મારા કર્તવ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું નક્કી કર્યું છે. 2020માં પ્રથમવાર પાર્ટીના ઉમેદવારના રૂપમાં મારો પ્રથમ નિર્ણય કમલા હેરિસને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે ચૂંટવાનો હતો અને તે મારો સહુથી સારો નિર્ણય રહ્યો. આજે હું કમલાને આપણી પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવા માટે મારું પૂર્ણ સમર્થન આપવા માંગું છું. ડેમોક્રેટ, હવે એક સાથે આવવાનો અને ડોનાલ્ડ ટ્રમ્પને (Donald Trump) હરાવવાનો સમય આવી ગયો છે, આવો ભેગા મળીને તેને સાકાર કરીએ.”

    ઉલ્લેખનીય છે કે અમેરિકાના રાજકારણમાં તાજેતરમાં ઘણા ઉથલપાથલ આવ્યા છે. પહેલા વર્તમાન રાષ્ટ્રપતિ જો બાયડન ડોનાલ્ડ ટ્રમ્પ સામેની ડિબેટમાં સારું પ્રદર્શન ન કરી શક્યા અને અંતે પોતાની જ પાર્ટીનો વિશ્વાસ ગુમાવી બેઠા. આખરે તેમણે રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી ખોવાનો વારો આવ્યો. બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પ પર ગોળીબાર થયો અને જેમાં તેમનો આબાદ બચાવ થયો. ઘટના બાદ ટ્રમ્પનું એક અલગ જ રૂપ જોવા મળ્યું, અમેરિકન પ્રજા માટે છેલ્લા અઠવાડિયામાં તેઓ એક હીરોની જેમ ઉભરી આવ્યા અને રાષ્ટ્રપતિ પદના મજબૂત દાવેદાર બન્યા છે. અગામી નવેમ્બર મહિનાની 5 તારીખે ચૂંટણીમાં અમેરિકા આગામી ચાર વર્ષ માટે પોતાનું ભવિષ્ય નક્કી કરશે. દેશની બાગડોર કોના હાથમાં જશે, તે પરિણામો બાદ જ ખબર પડશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં