બેંગ્લોરને ભારતનું IT હબ માનવામાં આવે છે, પણ કોંગ્રેસ સરકાર જ્યારથી કર્ણાટકમાં સરકારમાં આવી છે ત્યારથી નવા-નવા અખતરા કરતી રહે છે અને તેની અસર આ સેક્ટરને પણ પડતી રહી છે. તાજા અહેવાલો અનુસાર હવે કર્ણાટક કોંગ્રેસ સરકાર કર્મચારીઓના કામના કલાક 14 સુધી કરવા માટે મંજૂરી આપવાનું વિચારી રહી છે. અમુક IT કંપનીઓએ સરકાર સમક્ષ આ ભલામણ મૂકી હોવાનું કહેવાય છે, જેની ઉપર સરકાર બિલ લાવવા વિચારી રહી હોવાના અહેવાલ છે. જોકે, હજુ સત્તાવાર રીતે આ મુદ્દે કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
કર્ણાટક સ્ટેટ IT/ITeS એમ્પ્લોઇઝ યુનિયન (KITU)એ શનિવારે એક નિવેદનમાં જણાવ્યું કે, તાજેતરમાં સરકારના લેબર ડિપાર્ટમેન્ટ દ્વારા ઉદ્યોગના જુદા-જુદા હિતધારકોની એક બેઠક બોલાવવામાં આવી હતી અને તેમાં કર્ણાટક શોપ્સ એન્ડ કમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટમાં સુધારો કરીને કામના કલાક 14 સુધી કરવા માટે મંજૂરી આપવાની ભલામણ રજૂ કરવામાં આવી હતી. જો ભલામણને મંજૂરી મળે તો અઠવાડિયાના કામના કુલ કલાક 70 સુધી પહોંચશે અને તેનાથી બેંગ્લોર, જે દેશનું IT હબ કહેવાય છે, તેને મોટી અસર પડી શકે છે.
યુનિયને પોતાના નિવેદનમાં કહ્યું કે, “આ નવા બિલથી દિવસમાં 14 કલાક કામને સામાન્ય કરી દેવામાં આવશે. હાલના કાયદા અનુસાર, દિવસમાં ઓવરટાઈમ સહિત મહત્તમ 10 જ કલાક કામ કરાવી શકાય છે. જો સુધારો થાય તો આ જોગવાઈ હટાવી દેવામાં આવશે અને IT કંપનીઓને દિવસના કામના કલાકો વધારવામાં સરળતા થઈ પડશે.”
KITUનું કહેવું છે કે આ સુધારાથી કામદાર વર્ગ ઉપર મોટી અસર પડશે અને કંપનીઓને હાલની થ્રી શિફ્ટ સિસ્ટમને સ્થાને ટૂ શિફ્ટ સિસ્ટમ હેઠળ કામ કરવા માટે મંજૂરી મળી જશે, જેના કારણે બાકીના એક તૃતિયાંશ કર્મચારીઓને પણ મોટી અસર પડશે. યુનિયને મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને વિનંતી કરી છે કે તેઓ આ ભલામણ પર પુનઃવિચાર કરે અને સાથે ચીમકી પણ ઉચ્ચારી છે કે જો આ સુધારો કરવામાં આવે તો તેના થકી 20 લાખ IT કર્મચારીઓને ‘ખુલ્લો પડકાર’ ફેંકવામાં આવ્યો છે તેમ માનવામાં આવશે.”
ઈન્ડિયા ટુડેના રિપોર્ટ અનુસાર, અમુક IT ફર્મ્સ દ્વારા સરકાર સમક્ષ આ ભલામણ કરવામાં આવી છે, જેથી કર્મચારીઓના કામના કલાક 14 (12+2 ઓવર ટાઈમ) કરી શકાય. હાલના કાયદા અનુસાર, 9 કલાક કામના અને એક કલાક ઓવરટાઇમની મંજૂરી આપવામાં આવી છે.
અહીં ઉલ્લેખનીય છે કે આ પહેલાં આ સપ્તાહની શરૂઆતમાં જ કર્ણાટક સરકાર એક બિલના કારણે જ વિવાદમાં આવી હતી, જ્યારે સરકારે પ્રાઈવેટ સેક્ટર ફર્મ્સમાં નોન મેનેજમેન્ટ માટે 70 ટકા અને મેનેજમેન્ટ લેવલ જોબ માટે 50 ટકા સ્થાનિકોની ભરતી કરવાની જોગવાઇ કરતા બિલને મંજુરી આપી હતી. પરંતુ ભારે વિવાદ થયા બાદ આખરે બિલ પર રોક લગાવી દેવામાં આવી છે.