AIMIM સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ ફરીથી એક ભડકાઉ નિવેદન આપી દીધું છે. ઓવૈસીએ દેશની પરિસ્થિતિને પરાણે શ્રીલંકા સાથે જોડવાના પ્રયત્નો કર્યા હતા અને કહ્યું હતું કે આપણા દેશમાં પણ લોકો વડાપ્રધાનના ઘરમાં ઘૂસી શકે છે. તેમણે હિંદુ-મુસ્લિમ રાજકારણને લઈને પણ વિક્ટિમ રમવાના પ્રયત્નો કર્યા હતા.
એક કાર્યક્રમમાં બોલતી વખતે ભડકાઉ નિવેદન આપતાં અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે લોકોનો હવે લોકશાહી પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે અને દેશમાં જે પ્રકારની સ્થિતિ છે તેને જોતાં લાગે છે કે એવું પણ શક્ય છે કે જેવી રીતે શ્રીલંકામાં લોકો રાષ્ટ્રપતિના ઘરમાં ઘૂસી ગયા હતા તેવી રીતે એક દિવસ ભારતમાં પણ લોકો વડાપ્રધાનના નિવાસસ્થાનમાં ઘૂસી જશે.
ઓવૈસીએ કહ્યું કે, રાજકીય પાર્ટીઓ પોતાનું સ્થાન ગુમાવી રહી છે અને લોકો જાતે જ રસ્તા પર ઉતરીને વિરોધ કરી રહ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે લોકોને હવે રાજકીય પાર્ટીઓમાં વિશ્વાસ રહ્યો નથી. તેમણે તેને લોકશાહીનું મોટું નુકસાન ગણાવ્યું હતું. ઓવૈસીએ કહ્યું કે, ખેડૂત આંદોલન, સીએએ આંદોલન કે અગ્નિપથ યોજના, તમામ આંદોલનોમાં લોકો જાતે જ રસ્તા પર ઉતર્યા છે.
હાલમાં જ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે એક કાર્યક્રમમ કહ્યું હતું કે કેટલાંક તત્વો ધર્મ અને વિચારધારાના નામે દેશમાં નફરત ફેલાવી રહ્યા છે. જોકે, તેમણે કોઈનું નામ લીધું ન હતું પરંતુ ઓવૈસીએ કહ્યું કે, અજિત ડોભાલે એ જણાવવું જોઈએ કે દેશમાં કટ્ટરતા કોણ ફેલાવી રહ્યું છે અને તેમણે એ લોકોના નામો પણ આપવાં જોઈએ.
આ ઉપરાંત, સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કાર્યક્રમમાં કહ્યું હતું કે, દેશમાં હિંદુ-મુસ્લિમ રાજકારણ થઇ રહ્યું છે અને તેના કારણે માત્ર મુસ્લિમોને જ નુકસાન થઇ રહ્યું છે.
અસદુદ્દીન ઓવૈસીએ કન્હૈયાલાલની હત્યાનો દોષનો ટોપલો રાજસ્થાનની કોંગ્રેસ સરકાર પર ઢોળી મૂક્યો હતો. તેમણે કહ્યું કે, ઉદયપુરની ઘટના ગેહલોત સરકારની નિષ્ફ્ળતા છે. કન્હૈયાલાલ ટેલરે પોતાના જીવને જોખમ હોવાનું કહીને પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી. પરંતુ પોલીસે ફરિયાદ દાખલ કરી ન હતી. અહીં નોંધનીય છે કે કન્હૈયાલાલની હત્યા બે ઇસ્લામી હત્યારાઓએ કરી નાંખી હતી. તેઓ અને તેમના સાગરીતો હાલ જેલમાં બંધ છે.
ઉલ્લેખનીય છે કે શ્રીલંકામાં કોરોના મહામારી બાદ આર્થિક સંકટ સર્જાયું હતું અને સમય જતાં પરિસ્થિતિ વધુ કથળતી ગઈ. હાલ દેશમાં સ્થિતિ ખરાબ છે અને લોકોએ ત્રણ ટંકના ભોજન માટે પણ ફાંફાં મારવા પડી રહ્યાં છે. જેના કારણે ગત મહિને આક્રોશિત લોકોની ભીડ રાષ્ટ્રપતિ ભવન તરફ ધસી ગઈ હતી. જેના કારણે રાષ્ટ્રપતિએ દેશ છોડીને ભાગી જવું પડ્યું હતું.
ભારતમાં આર્થિક કે સામાજિક સ્થિતિ ઠીક હોવા છતાં સમયે-સમયે દેશવિરોધી શક્તિઓ ચોક્કસ સમૂહોને દેશ વિરુદ્ધ ભડકાવતી રહે છે અને આંદોલનની આડમાં અરાજકતા અને હિંસા ફેલાવવામાં આવી હોવાના અનેક કિસ્સાઓ પાછલાં વર્ષોમાં બન્યા છે. ત્યારે અસદુદ્દીન ઓવૈસીએ પણ પરાણે ભારત અને શ્રીલંકાની સ્થિતિની સરખામણી કરી દીધી હતી.