ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે શુક્રવારે (19 જુલાઈ) કાવડ યાત્રાળુઓની પવિત્રતા જાળવી રાખવા માટે રાજ્યભરમાં કાવડ યાત્રાના માર્ગો પર આવતી તમામ ફળોની દુકાનો, ખાણીપીણી અને રેસ્ટોરન્ટના માલિકોને નેમપ્લેટ લગાવવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણયને લઈને વિપક્ષી નેતાઓ નિર્ણયને ભાજપની વિભાજનકારી નીતિઓનો ભાગ ગણાવીને હોબાળો મચાવી રહ્યા છે. બીજી તરફ ભાજપનું કહેવું છે કે, હિંદુઓને પણ અન્ય ધર્મના લોકોની જેમ તેમની આસ્થાની પવિત્રતા જાળવવાનો પૂર્ણ અધિકાર છે અને આદેશ કોઇ એક ધર્મના લોકો માટે નહીં પણ સૌ માટે સમાન રીતે લાગુ પડશે. ત્યારે હવે આ મામલે યોગગુરૂ બાબા રામદેવે પણ પ્રતિક્રિયા આપતાં કહ્યું છે કે, જો રામદેવને ઓળખ બતાવવામાં કોઈ વાંધો નથી, તો રહેમાનને કેમ હોવો જોઈએ?
યોગગુરુ બાબા રામદેવે રવિવારે (21 જુલાઈ, 2024) દુકાનો પર નેમપ્લેટ લગાવવાના ઉત્તર પ્રદેશ સરકારના નિર્ણય પર પ્રતિક્રિયા આપી છે. બાબા રામદેવે આ મામલે કહ્યું કે, “જો રામદેવને પોતાની ઓળખ જણાવવામાં કોઈ વાંધો નથી, તો રહેમાનને કેમ વાંધો હોવો જોઈએ? પોતાના નામ પર તો સૌને ગર્વ હોય છે. તેથી નામ છુપાવવાની કોઈ જરૂર નથી. પોતાના કાર્યોને શુદ્ધતા અને પ્રામાણિકતાથી કરવાની આવશ્યકતા છે. જો આપણાં કાર્યમાં શુદ્ધતા અને પવિત્રતા છે, તો આપણે કોઈપણ વર્ગ સાથે સંબંધ ધરાવીએ, કાર્ય થાય જ છે. બધાને ગૌરવ હોવું જોઈએ.”
#WATCH | Haridwar: On 'nameplates' on food shops on the Kanwar route in Uttar Pradesh, Yog Guru Baba Ramdev says, "If Ramdev has no problem in revealing his identity, then why should Rahman have a problem in revealing his identity? Everyone should be proud of their name. There is… pic.twitter.com/co47Ki6CrJ
— ANI (@ANI) July 21, 2024
કોંગ્રેસ અને વિપક્ષના વિરોધને લઈને યોગગુરુએ કહ્યું કે, “વિરોધ અને સમર્થનની પાછળ લોકોના રાજકીય મનસૂબા છે. વિરોધ તો આ લોકો મોદીજીનો પણ કરે છે કે, મોદીજી બંધારણ માટે જોખમ છે, લોકતંત્ર માટે જોખમ છે, મોદીજી OBC માટે જોખમ છે, મુસલમાનો માટે જોખમ છે.. તેમના પ્રત્યે આખા દેશમાં ધૃણા અને નફરતનો માહોલ તૈયાર કરવામાં આવી રહ્યો છે અને દેવતુલ્ય વડાપ્રધાનને મારવા માટે પણ લોકો ઊભા કરવામાં આવી રહ્યા છે.” આ સાથે જ તેમણે અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા હુમલાનું પણ ઉદાહરણ આપ્યું હતું.
યુપી અને ઉજ્જૈનમાં નેમપ્લેટ લગાવવાના અપાયા આદેશ
ઉલ્લેખનીય છે કે, એવી અઢળક દુકાનો, ગલ્લાઓ, હોટલો, ઢાબાઓ વગેરે હશે કે જેમાં ભળતા નામથી અંદાજો ન લગાવી શકાય કે જે-તે ફર્મની માલિકી કોની છે. ખાસ કરીને જ્યારે ધાર્મિક મહત્વ ધરાવતા શહેરો કે તે તરફ જતા રસ્તાની વાત હોય ત્યારે આ પ્રકારની મૂંઝવણ ભક્તો અનુભવતા હોય છે. ત્યારે ઉત્તર પ્રદેશમાં કાવડા યાત્રાના રુટ પર આવતી તમામ દુકાનોના માલિકોને ઓળખ જાહેર કરવાના આદેશ આપાયા હતા. ત્યારબાદ મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં પણ તેવો જ આદેશ આપવામાં આવ્યો હતો. કાવડ યાત્રા પહેલાં ઉત્તર પ્રદેશના મુજફ્ફરનગરમાં ખાણીપીણી અને ફળોની દુકાનના માલિકોને પોતાનાં નામ ડિસ્પ્લે કરવા માટે આદેશ આપવામાં આવ્યા બાદ યોગી સરકારે આ ગાઈડલાઈન આખા રાજ્ય માટે લાગુ કરી દીધી હતી.
તેનું તાજું ઉદાહરણ જોઈએ તો મુજફ્ફરનગરમાં સંગમ ઢાબા નામથી એક ઢાબા છેલ્લાં 25 વર્ષથી ચાલતું હતું. પરંતુ પોલીસના આદેશ બાદ હવે તેનું નામ ‘સલીમ શુદ્ધ શાકાહારી ભોજનાલય’ કરી દેવામાં આવ્યું છે. આ સિવાય દિલ્હી-દેહરાદૂન નેશનલ હાઈ-વે 48 પર પણ અનેક દુકાનોનાં નામ બદલવામાં આવી રહ્યાં હોવાનું જાણવા મળ્યું છે. હાઇ-વે ઉપર એક ચાની ટપરી લગાવનારા એક મુસ્લિમ વ્યક્તિની દુકાનનું નામ પહેલાં ‘ચાય લવર પોઈન્ટ’ હતું, પરંતુ પોલીસના આદેશ બાદ દુકાનના માલિક ફહીમે દુકાનનું નામ ‘વકીલ અહમદ ટી સ્ટૉલ’ કરી નાખ્યું છે.