પશ્ચિમ બંગાળમાં નેતા પ્રતિપક્ષ અને ભાજપ નેતા શુભેંદુ અધિકારીએ (Suvendu Adhikari) એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે ભાજપના કાર્યકર્તાઓને સંબોધિત કરીને કહ્યું છે કે, ભાજપની નીતિ ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ની રહી છે, પરંતુ હવે તેને બંધ કરવી જોઈએ. આ સાથે જ તેમણે લઘુમતી મોરચાને લઈને પણ માર્મિક નિવેદનો આપ્યા છે. તેમણે આ નિવેદન પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં ભાજપની પ્રદેશ કાર્યકારિણી બેઠક દરમિયાન આપ્યા છે. આ સાથે જ તેમણે અનેકવિધ મુદ્દાઓ પર ચર્ચા પણ કરી હતી.
બુધવારે (17 જુલાઈ) પશ્ચિમ બંગાળની (West Bengal) રાજધાની કોલકાતામાં ભાજપ કાર્યકર્તાઓને સંબોધીને શુભેંદુ અધિકારીએ એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, “હું પણ રાષ્ટ્રવાદી મુસ્લિમોની વાત કરતો હતો અને તમે પણ નારો આપ્યો હતો કે, ‘સૌનો સાથ, સૌનો વિકાસ’, પરંતુ હવે હું આવું નહીં કહું. તેની જગ્યાએ હું કહીશ ‘જે અમારી સાથે, અમે તેની સાથે.’ બંધ કરો આ ‘સૌના સાથ, સૌના વિકાસ’નો નારો, નથી જરૂર તેની. આ અલ્પસંખ્યક મોરચાની પણ નથી જરૂર. તેને પણ બંધ કરો.”
#WATCH | At BJP state executive meeting in Kolkata, West Bengal LoP and BJP leader Suvendu Adhikari says, "…I had spoken about nationalist Muslims and you too had said 'Sabka Saath, Sabka Vikas'. But I will not say this anymore. Instead, we will now say, 'Jo Hamare Saath, Hum… pic.twitter.com/mvqKGuJ9iN
— ANI (@ANI) July 17, 2024
તેમણે વધુમાં કહ્યું કે, “અમે જીતીશું અને અમે હિંદુઓને અને સંવિધાનને બચાવીશું.” ત્યારબાદ શુભેંદુ અધિકારીએ ‘જય શ્રીરામ’ના નારા પણ લગાવ્યા હતા. આ સાથે જ કાર્યકર્તાઓએ પણ ‘જય શ્રીરામ’ના નારા લગાવીને તાળીઓ વરસાવી હતી. શુભેંદુ અધિકારીએ વધુમાં કહ્યું કે, “હું ફરીવાર કહું છું કે, હવે ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ નહીં થાય. હવે ‘જે અમારી સાથે, અમે તેની સાથે’નો સમય આવી ગયો છે.” આ સાથે જ તેમણે લઘુમતી મોરચાને પણ બંધ કરવાનું કહી દીધું હતું.
તેમણે વધુમાં કહ્યું કે, “આપણને ચૂંટણીમાં મતદાન પણ નહીં કરવા દેવાય, કારણ કે આપણે હિંદુ છીએ. જેહાદીઓ સવારથી જ ઘરની સામે આવીને બેસી રહેશે. પોલીસ મુકદર્શક બની જશે. આપણે હવે તુરંત જાગી જવું પડશે. હું આ સાયન્સ સિટીમાં બેઠો છું. 10 KM દૂર ઘટકપુર અને ભાંગરમાં ચાર હિંદુ વિસ્તારો છે. ત્યાંનાં હિંદુઓને મતદાન કરવાનો અધિકાર પણ નહોતો. હું ગવર્નરની પાસે ગયો. રાષ્ટ્રપતિને મેઇલ કર્યો. હું કહેવા માંગુ છું કે, પશ્ચિમ બંગાળમાં સંવિધાન ખતમ થઈ ચૂક્યું છે. અમે સંવિધાન બચાવવા માંગીએ છીએ.”
ભાજપ નેતાએ કરી સ્પષ્ટતા
ભાજપ નેતા શુભેંદુ અધિકારી આ નિવેદનને લઈને સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા પણ કરી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને કહ્યું છે કે, “મારા નિવેદનનો ખોટો અર્થ કાઢવામાં આવી રહ્યો છે. હું ખૂબ જ સ્પષ્ટ છું કે, જે રાષ્ટ્રવાદી છે, આ રાષ્ટ્ર અને બંગાળની સાથે ઊભા છે, અમે પણ તેનો સાથ આપીશું.” તેમણે વધુમાં કહ્યું કે, “જે અમારી સાથે નથી, બંગાળ અને રાષ્ટ્રના હિતની વિરુદ્ધ કામ કરે છે, તેને અમે બેનકાબ કરીશું.”
My statement is being taken out of context. I am clear that those who are Nationalists, stand for this Nation and Bengal, we should be with them. Those who don’t stand with us, work against the interest of Nation and Bengal, we need to expose them. Also, like Mamata Banerjee, we…
— Suvendu Adhikari (@SuvenduWB) July 17, 2024
તેમણે વધુમાં કહ્યું કે, “મમતા બેનર્જીની જેમ અમે લોકોને બહુસંખ્યક અને અલ્પસંખ્યકમાં વિભાજિત નથી કરવા માંગતા. બધાને એક ભારતીય તરીકે જ જોવા જોઈએ. હું વડાપ્રધાનના ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ’ના આહ્વાનને અક્ષરશઃ સાકાર કરું છું.”