રિપબ્લિકન પાર્ટીના નેશનલ કન્વેન્શનમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. રિપબ્લિકન પાર્ટીનો આ નિર્ણય ટ્રમ્પની હત્યાના પ્રયાસ બાદ સામે આવ્યો છે. આ સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પે ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે ઓહાયોના સેનેટર જેડી વેંસને (JD Vance) પસંદ કર્યા છે.
રિપબ્લિકન પાર્ટીનું (Republican Party) આ સંમેલન અમેરિકાના પેન્સિલવેનિયા રાજ્યના મિલવૌકી શહેરમાં યોજાઈ રહ્યું છે. તેમાં સમગ્ર અમેરિકામાંથી રિપબ્લિકન પાર્ટીના કાર્યકરો અને અધિકારીઓ અપેક્ષિત છે. આ સંમેલન સોમવારે (15 જુલાઈ, 2024) થી શરૂ થયું હતું અને 18 જુલાઈ સુધી ચાલશે. પાર્ટી બેઠકમાં 2024ની અમેરિકાના આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી જીતવા માટેની રણનીતિ પણ બનાવશે.
આ સંમેલનમાં ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) પણ સામેલ થયા છે. તેઓ સોમવારે કાન પર પાટો બાંધીને બેઠકમાં આવ્યા હતા. પેન્સિલ્વેનિયામાં તેના પર થયેલા જીવલેણ હુમલા બાદ તે પહેલી વખત જાહેરમાં સામે આવ્યા છે. આખા કન્વેન્શન હોલ દ્વારા તાળીઓના ગડગડાટથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ હુમલા બાદ ટ્રમ્પની છબી એક હીરો જેવી થઇ ગઇ છે.
હોલમાં હાજર સૌ કોઈ ટ્રમ્પ અને અમેરિકાના માનમાં ઊભા થયા અને ‘USA… USA…’ના સૂત્રોચ્ચાર કર્યા હતા. ટ્રમ્પે સૌની શુભેચ્છા સ્વીકારી હતી. જોકે તેમણે કોઈ પણ જાતનું સંબોધન કર્યું ન હતું. તેઓ ઉપરાષ્ટ્રપતિ પદ માટેના ઉમેદવાર જેડી વેંસ સાથે બેઠા હતા અને લોકોની શુભેચ્છાઓ સ્વીકારતા રહ્યા હતા.
નોંધનીય છે કે, ડોનાલ્ડ ટ્રમ્પને શનિવારે (13 જુલાઈ, 2024) પેન્સિલવેનિયામાં એક રેલી દરમિયાન એક વ્યક્તિએ ગોળી મારી હતી. ટ્રમ્પ આ હુમલામાં માંડ-માંડ બચ્યા હતા. શૂટરે મારેલી ગોળીઓ પૈકીની એક ગોળી તેમના કાનને ચીરતી નીકળી ગઈ હતી. હુમલાખોરને સિક્રેટ સર્વિસીસના સ્નાઈપરે ઠાર માર્યો હતો. આ હુમલામાં રેલીમાં ભાગ લેનાર એક વ્યક્તિનું મોત થયું હતું
આ સંમેલનમાં ટ્રમ્પને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે ઘોષિત કરવામાં આવતાની સાથે જ અમેરિકાના ઓહાયો (Ohio) રાજ્યના 39 વર્ષીય સેનેટર જેડી વેંસને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. જેડી વેંસની પસંદગીની જાહેરાત ખુદ ટ્રમ્પે કરી હતી. તેમણે લખ્યું હતું કે, “લાંબા વિચાર-વિમર્શ અને અન્ય લોકોની જબરદસ્ત પ્રતિભા પર ઊંડા ચિંતન પછી, મેં નક્કી કર્યું છે કે યુનાઇટેડ સ્ટેટ્સના વાઇસ પ્રેસિડેન્ટ બનવા માટે શ્રેષ્ઠ ઉમેદવાર ઓહાયો રાજ્યના સેનેટર જેડી વેંસ છે.”
કોણ છે જેડી વેંસ અને ભારત સાથે શું છે કનેક્શન?
જેડી વેંસ ઓહાયો રાજ્યમાંથી પ્રથમ વખત સેનેટર બન્યા છે. વેંસે ભૂતકાળમાં યુએસ મરીન કોર્પ્સમાં સેવા આપી છે. તેમણે ઈરાક યુદ્ધમાં સેવા આપી હતી. અહીં તેઓ યુદ્ધ પત્રકાર અને પીઆરઓ હતા. તેમણે અમેરિકાની યેલ યુનિવર્સિટીમાંથી કાયદાનો અભ્યાસ કર્યો છે. એક પુસ્તક લખ્યા બાદ તેમને વધુ પ્રસિદ્ધિ મળી હતી અને આ પુસ્તક ડોનાલ્ડ ટ્રમ્પ વિશે લખવામાં આવ્યું હતું. તેઓ પૂર્વમાં ટ્રમ્પના ટીકાકાર પણ રહી ચૂક્યા છે. ત્યારબાદ તેઓ ટ્રમ્પના સમર્થક બન્યા અને 2022માં તેઓ રિપબ્લિકન પાર્ટીમાંથી ચૂંટણી લડતા સેનેટર પણ બન્યા હતા.
જેડી વેંસનું ભારત સાથે મોટું અને ગાઢ કનેક્શન છે. તેમની પત્નીનું નામ ઉષા વેંસ ઉર્ફે ઉષા ચિલ્લુકુરી છે. ઉષા વેંસ (Usha Chilukuri Vance) મૂળ ભારતીય છે. ઉષા અને જેડી વેંસની મુલાકાત યેલ યુનિવર્સિટીમાં અભ્યાસ દરમિયાન થઈ હતી. આ પછી બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો અને 2014માં બંનેએ લગ્ન કરી લીધા હતા. બંનેએ એક બ્રાહ્મણ દ્વારા સંપન્ન કરાવવામાં આવેલી લગ્નવિધિથી દામ્પત્ય જીવનની શરૂઆત કરી હતી. ઉષા વેંસ પોતે એક સફળ વકીલ છે અને ભારતીય સંસ્કૃતિમાં ગાઢ માન્યતા ધરાવે છે.
વેંસની સફળતામાં ઉષાનો મોટો હાથ છે. જેડી વેંસ પોતાના નિખાલસ વિચારો માટે પણ જાણીતા છે. અમેરિકાની વ્યૂહરચનામાં વેંસને ભારતના સમર્થક માનવામાં આવે છે. તેમણે તાજેતરમાં જ ભારત અને જાપાનને “વિદેશી-તરફેણવાળા રાષ્ટ્રો” કહેવા બદલ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડનની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે આ બંને દેશો ચીન સામે અમેરિકાના ભાગીદાર છે. તેમણે બાયડનની વિદેશ નીતિની પણ ટીકા કરી હતી.
Just overwhelmed with gratitude.
— J.D. Vance (@JDVance1) July 16, 2024
What an honor it is to run alongside President Donald J. Trump. He delivered peace and prosperity once, and with your help, he'll do it again.
Onward to victory!
જેડી વેંસ ઉપરાષ્ટ્રપતિ તરીકે પોતાનું નામ જાહેર થવા પર ખુશ છે અને તેમણે આ મામલે પ્રસન્નતા વ્યક્ત કરી છે. નોંધનીય છે કે અમેરિકાના વર્તમાન ઉપરાષ્ટ્રપતિ પણ ભારતીય મૂળના કમલા હેરીસ છે. તેઓ અમેરિકાના પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ છે.