દિલ્હી દારૂ નીતિ કૌભાંડ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઘણા સમયથી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. પહેલાં EDએ તેમની ધરપકડ કરીને જેલભેગા કર્યા હતા તો હવે CBI પણ કેજરીવાલની તપાસમાં જોતરાઈ ગઈ છે. જોકે, આમ આદમી પાર્ટી (AAP) વારંવાર દિલ્હી દારૂ નીતિ કૌભાંડમાં પોતાની સંડોવણીને નકારી રહી છે. તેવા સમયે જ ઇન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) દાવો કર્યો છે કે, અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ ચાલી રહેલી દિલ્હી લિકર પોલિસી કેસની તપાસ પૂર્ણ થઈ ચૂકી છે. આ સાથે રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, એજન્સી હવે કેજરીવાલની ₹1100 કરોડની સંપત્તિ જપ્ત કરવાની તૈયારી કરી રહી છે.
હિન્દુસ્તાન ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, EDના એક વરિષ્ઠ અધિકારીએ આ વિશેની માહિતી આપી છે. રિપોર્ટ અનુસાર, EDએ કહ્યું છે કે, તેનું ધ્યાન હવે તે વાત પર છે કે, ₹1100 કરોડની ગુનાની રકમ બરાબર કઈ સંપત્તિ જપ્ત કરવી. એજન્સી કેજરીવાલ સામે ચાલી રહેલી તપાસ પૂર્ણ કરીને ₹1100 કરોડની સંપત્તિ જપ્ત કરવાની તૈયારીમાં છે. એજન્સીએ હમણાં સુધીમાં ₹244 કરોડની સંપત્તિ જપ્ત કરી લીધી છે. આ રિપોર્ટ અનુસાર, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના (ED) એક અધિકારીએ ઓળખ ન આપવાની શરતે આ અંગેની માહિતી આપી છે.
રિપોર્ટ અનુસાર, EDના અધિકારીએ કહ્યું છે કે, “અરવિંદ કેજરીવાલ અને AAP, આરોપી નંબર 37 અને 38ના સંબંધે અમારી તપાસ પૂર્ણ થઈ ચૂકી છે. કોર્ટે અમારી ટીમ દ્વારા દાખલ કરવામાં આવેલી તમામ 8 ચાર્જશીટનું સંજ્ઞાન લીધું છે અને મોટાભાગના આરોપીઓને જામીન આપવાનો ઇનકાર કરી દીધો છે. અમે હવે ગુનાની બાકીની રકમ શોધવા અને તેને જપ્ત કરવાની પ્રક્રિયામાં છીએ.” રિપોર્ટ મુજબ, કેજરીવાલની સંપત્તિ જપ્ત કરવા માટે હવે એજન્સી તૈયારી કરી છે. જોકે, એજન્સીએ આ અંગેનું કોઈ આધિકારિક નિવેદન નથી આપ્યું.
નોંધનીય છે કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દારૂ નીતિ કૌભાંડમાં ટ્રાયલ કોર્ટ દ્વારા મળેલા જામીન વિરુદ્ધ સોમવારે (15 જુલાઈ) હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. ED દ્વારા ટ્રાયલ કોર્ટના જામીન આપવાના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો. દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ નીના બંસલ કૃષ્ણાની બેન્ચ સામે અરવિંદ કેજરીવાલ વતી હાજર થયેલા વકીલ અભિષેક મનુ સિંઘવી દલીલો આપી રહ્યા છે. સાથે જ એજન્સી તરફથી ASG રાજુ અને જોએબ હુસૈન પણ હાજર થયા છે. આ સાથે જ કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ ED દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણીને 7 ઓગસ્ટ સુધી સ્થગિત કરી દીધી છે. હાઈકોર્ટે કહ્યું છે કે, હવે આ મામલાની સુનાવણી 7 ઓગસ્ટના રોજ હાથ ધરવામાં આવશે.