મહારાષ્ટ્રના શિવસેના સાંસદ સંજય રાઉતના ઘરે વહેલી સવારે ઇડીની ટીમે ધામ નાંખ્યા છે. મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ કરવા માટે ઇડીના અધિકારીઓ સંજય રાઉતના મુંબઈના ભાંડુપ સ્થિત ઘરે પહોંચ્યા છે. સંજય રાઉતને પૂછપરછ માટે ઇડી ઓફિસ લઇ જવામાં આવશે તેવી પણ આશંકા છે.
Mumbai | Enforcement Directorate officials reached Shiv Sena leader Sanjay Raut’s residence around 7am today; currently conducting a search and questioning Raut, in connection with Patra Chawl land scam case pic.twitter.com/e2bfEVW3s7
— ANI (@ANI) July 31, 2022
ન્યૂઝ એજન્સી ANI અનુસાર, ઇડીના અધિકારીઓ આજે સવારે 7 વાગ્યે સંજય રાઉતના ઘરે પહોંચ્યા હતા. હાલ તેઓ સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે તેમજ સંજય રાઉતની પૂછપરછ ચાલી રહી છે. આ કાર્યવાહી 1034 કરોડના પાત્રા ચાલ જમીન કૌભાંડ મામલે કરવામાં આવી રહી છે, જેને લઈને જ સંજય રાઉતને ઇડી દ્વારા અગાઉ સમન્સ પણ પાઠવ્યા હતા.
ઇડીએ 1 જુલાઈએ થયેલી પૂછપરછ બાદ 20 અને 27 જુલાઈના રોજ પણ રાઉતને સમન્સ પાઠવ્યા હતા, પરંતુ તેમણે વકીલો મારફતે સંસદ સત્ર ચાલતું હોવાના કારણે પોતે નહીં આવી શકે તેમ જણાવ્યું હતું અને 7 ઓગસ્ટની તારીખ માંગી હતી. તે પહેલાં ઇડીના સમન્સ પર તેમણે ઉપ-રાષ્ટ્રપતિ ચૂંટણી માટે ચાલતા પ્રચાર અભિયાનનું કારણ આપીને સમય માંગ્યો હતો. જોકે, 27 જુલાઈએ સંજય રાઉતે છૂટ માંગ્યા બાદ ઇડીએ તે રજૂઆત માન્ય રાખી ન હતી.
આ જમીન કૌભાંડ કેસમાં સંજય રાઉત મુખ્ય આરોપી છે. મુંબઈની પાત્રા ચાલના પુનર્વિકાસમાં કથિત અનિયમિતતા સબંધિત મની લોન્ડરિંગ કેસમાં ઇડી સંજય રાઉતની સંડોવણીની તપાસ કરી રહી છે. એપ્રિલમાં ઇડીએ તપાસ બાદ સંજય રાઉતની પત્ની વર્ષ રાઉત અને તેમના બે સહયોગીઓની 11.15 કરોડથી વધુની સંપત્તિ અસ્થાયી રીતે જપ્ત કરી લીધી હતી.
પાત્રા ચાલ કેસની વધુ વિગતો એવી છે કે, વર્ષ 2007માં ગુરુ આશિષ કન્સ્ટ્રક્શનને ચાલના પુનર્વિકાસ માટેનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. કરાર અનુસાર, ચાલના નિવાસીઓને 672 ફ્લેટ આપવાના હતા. ઉપરાંત, 3000 ફ્લેટ MHADA ને આપવાના હતા. અને બાકીની જમીન પર કન્સ્ટ્રક્શન કંપની ઘર બનાવીને વેચી શકતી હતી.
પરંતુ આરોપ છે કે આખી 47 એકર જમીન 1034 કરોડમાં વેચી દેવામાં આવી અને કંપનીએ ફ્લેટ જ નહીં બનાવ્યા. આ મામલે ઇડીએ પ્રવીણ રાઉત અને તેમના સાથી સુજીત પાટકર પર કેસ દાખલ કર્યો હતો. પ્રવીણ રાઉત સંજય રાઉતના મિત્ર છે. તેમજ ગુરુ કન્સ્ટ્રક્શન કંપનીના પૂર્વ ડાયરેક્ટર છે.
આરોપ છે કે પ્રવીણની પત્નીના ખાતામાંથી સંજય રાઉતની પત્નીના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. બીજી તરફ, સુજીત અને સંજય રાઉતનની પુત્રી એક ટ્રેડિંગ ફર્મમાં પાર્ટનર છે. તેમજ પાટકરની પત્ની અને સંજય રાઉતની પત્ની પર ભાગીદારીમાં જમીન ખરીદવાનો આરોપ છે.