અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનો પ્રયાસ કરનારની ઓળખ સામે આવી ચૂકી છે. આ મામલે FBIએ આપેલા આધિકારિક નિવેદનમાં ચોંકાવનારા ઘટસ્ફોટ થયા છે. ટ્રમ્પને ગોળી મારનાર યુવકનું નામ થોમસ મેથ્યુ ક્રુક્સ છે અને તેની ઉમર માત્ર 20 વર્ષ છે. તે પેન્સિલવેનિયાનો જ હતો અને બટલરથી (જ્યાં ટ્રમ્પ પર ગોળીબાર થયો) 56 કિલોમીટર દૂર બેથેલ પાર્કનો રહેવાસી હતો.
પેન્સિલવેનિયાના વોટર ડેટાબેઝ અનુસાર, થોમસ રિપબ્લિકનના મતદાર તરીકે નોંધાયેલો છે અને આ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં તે પ્રથમવાર મતદાન કરવાનો હતો. પરંતુ તે પહેલા જ ટ્રમ્પ પર ગોળીબાર કરવા દરમિયાન તે ઠાર મરાયો છે. તેણે છોડેલી ગોળી ટ્રમ્પના કાનને ચીરીને નીકળી ગઈ. જો તે જરા પણ આમ-તેમ વાગી હોત તો ખૂબ ભયંકર પરિસ્થિતિ સર્જાઈ હોત. ગોળીબાર દરમિયાન અમેરિકન સિક્રેટ સર્વિસીસના સ્નાઈપરે થોમસને ઠાર માર્યો હતો.
જો બાયડનની પાર્ટીને આપ્યું હતું ફંડ
મૃતક થોમસ રિપબ્લિકન વોટર તરીકે નોંધાયો હોવા છતાં તે જો બાયડનની ડેમોક્રેટ પાર્ટીને ફંડ આપતો હતો. અમેરિકન સંઘીય ચૂંટણી પંચે આપેલી માહિતી અનુસાર, થોમસે વર્ષ 2021ના જાન્યુઆરી મહિનામાં ડેમોક્રેટ પાર્ટીને 15 અમેરિકન ડૉલરનું ફંડ આપ્યું હતું. બીજી તરફ તેના પિતા મેથ્યુ ક્રુક્સને તેના વિશે પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે, જ્યાં સુધી તેઓ અધિકારીઓ સાથે વાત નહીં કરે ત્યાં સુધી પોતાના દીકરા વિશે કોઈ જ ટીપ્પણી નહીં કરે.
આ બધા વચ્ચે થોમસનું ટ્રમ્પ પર હુમલો કરવાનું કારણ હજુ પણ અકબંધ છે. FBI સતત તે દિશામાં તપાસ કરી રહી છે. આ હુમલામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું અને ટ્રમ્પ સહિત ત્રણ લોકો ઘાયલ થયા હતા. હુમલાખોર થોમસ બેથેલ પાર્કની હાઈસ્કુલમાં સ્નાતક થયેલો છે અને તેણે નેશનલ એન્ડ સાયન્સ ઈનીશીએટિવ 500 ડૉલરનો પુરસ્કાર પણ મળેલો છે.
પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર કર્યો હતો જીવલેણ હુમલો
ઉલ્લેખનીય છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ પેન્સિલવેનિયાના બટલર ખાતે એક જાહેર સભાને સંબોધી રહ્યા હતા. ભાષણ વચ્ચે જ ધાણીફૂટ ગોળીબાર શરૂ થઈ ગયો હતો અને હજુ કોઈ કશું સમજે તે પહેલાં જ એક ગોળીએ ટ્રમ્પના કાનને વીંધી નાંખ્યો હતો. ગોળી ટ્રમ્પના કાન નજીકથી નીકળી જતાં વધુ ગંભીર ઈજા પહોંચી ન હતી. ઘટના બાદ તરત સુરક્ષાકર્મીઓએ તેમને ઘેરી લીધા હતા અને સ્ટેજ પરથી નીચે ઉતારી દીધા હતા. આ સમગ્ર ઘટનાનો એક વિડીયો પણ સામે આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પ પર એઆર પ્રકારની રાયફલથી 8 જેટલા રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા હતા. 20 વર્ષનો હુમલાખોર થોમસ મેથ્યુ ક્રુક્સ સભાસ્થળની નજીક આવેલી બિલ્ડીંગની છત પર સંતાયો હતો અને ત્યાંથી જ તેણે ઘટનાને અંજામ આપ્યો હતો.