તાજેતરમાં તમિલનાડુમાં બહુજન સમાજ પાર્ટીના (BSP) પ્રદેશ અધ્યક્ષ કે આર્મસ્ટ્રોંગની હત્યા કરી નાખવામાં આવી હતી. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે અને 11 આરોપીઓની અત્યાર સુધીમાં ધરપકડ કરી છે. તેમાંથી જ એક આરોપી કસ્ટડીમાંથી ભાગવા જતાં એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે.
પોલીસ અધિકારીઓએ આ બાબતની પુષ્ટિ કરી છે. જેમણે જણાવ્યું કે, માર્યા ગયેલા આરોપી અને અન્ય 10 આરોપીઓને એક તળાવ નજીક હત્યામાં વપરાયેલાં હથિયારની રિકવરી માટે લઇ જવામાં આવ્યા હતા. જ્યાં આરોપીએ કસ્ટડીમાંથી ભાગવાનો અને પોલીસકર્મી પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જવાબમાં પોલીસે ગોળીબાર કરતાં તેને ગોળી વાગી હતી. જ્યાંથી તેને હૉસ્પિટલ લઇ જવામાં આવ્યો, જ્યાં ફરજ પર હાજર તબીબોએ મૃત ઘોષિત કર્યો હતો.
Tamil Nadu BSP chief K Armstrong's murder accused killed in police encounter. @PramodMadhav6 brings us more details #TamilNadu #KArmstrong #BSP #encounter #ITvideo | @ahuja_harshit94 pic.twitter.com/FFlw5vBRSt
— IndiaToday (@IndiaToday) July 14, 2024
માર્યા ગયેલા આરોપીની ઓળખ કે તિરૂવેંગડમ તરીકે થઈ છે. તે હિસ્ટ્રીશીટર હતો અને અગાઉ પણ ઘણા ગુનાઓમાં આરોપી રહી ચૂક્યો હતો. તેણે BSP નેતાની હત્યામાં પણ મોટી ભૂમિકા ભજવી હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ પોલીસે અન્ય આરોપીઓ સાથે તેની ધરપકડ કરી હતી. જોકે, તેણે પોતે જ આત્મસમર્પણ કર્યું હતું. ત્યારબાદ કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
આરોપી ઉપર ત્રણ હત્યાના ગુનાઓ નોંધાયેલા છે. જેમાંથી એક ગુનો અન્ય એક BSPના જ નેતાને હત્યાનો હતો. વર્ષ 2015માં તિરુવલ્લુર જિલ્લાના તત્કાલીન અધ્યક્ષની હત્યા કરી નાખવામાં આવી હતી, જેનો આરોપ પણ તેની ઉપર જ લાગ્યો હતો.
નોંધનીય છે કે ગત 5 જુલાઇના રોજ તમિલનાડુ BSP અધ્યક્ષની તેમના ઘરની સામે જ હત્યા કરી નાખવામાં આવી હતી. તેઓ ઘરની બહાર ઉભા હતા, ત્યારે બાઈક ઉપર હુમલાખોરો આવ્યા હતા અને ચાકુ વડે હુમલો કરી દીધો હતો. જેમાં નેતાનું મૃત્યુ થયું હતું. ઘટના બાદ બહુજન સમાજ પાર્ટી અધ્યક્ષ માયાવતી તમિલનાડુ પહોંચ્યાં હતાં અને DMK સરકાર સમક્ષ આ મામલે કડક કાર્યવાહી કરીને કેસ CBIને સોંપવા માટે પણ રજૂઆત કરી હતી.
આ મામલે તમિલનાડુ પોલીસે તપાસ શરૂ કર્યા બાદ માર્યા ગયેલા આરોપી સહિત 8 જણાએ જાતે જ આત્મસમર્પણ કરી દીધું હતું, જ્યારે તેમની પૂછપરછના આધારે પોલીસે અન્ય ત્રણને પકડી લીધા હતા.